Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પત્નિ સપના રિસામણે ચાલી જતાં પતિ સલિમ સાસુ-સસરાના ઘર સામે જ સળગ્યો

નવા કપડા લેવા બાબતે ચડભડ થતાં પત્નિ અઢી વર્ષના દિકરાને લઇ માવતરે જતી રહીઃ ભાવનગર રોડ અંબિકા સોસાયટીના યુવાને મયુરનગરમાં અગનખેલ ખેલ્યોઃ ગંભીર હાલતમાં સારવાર હેઠળઃ સલિમે સાડા ત્રણ વર્ષ પહેલા કોળી યુવતિ સાથે લવમેરેજ કર્યા છે

રાજકોટ તા. ૨૪: ભાવનગર રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતાં સલિમ ઇબ્રાહીમભાઇ મુલતાની (ઉ.૨૫) નામના પીંજારા યુવાને ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં પોતાના સાસુ-સસરાના ઘર સામે જ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ભડભડ સળગી ગયો હતો. લોકોએ આગ બુઝાવી હોસ્પિટલે ખસેડ્યો હતો. પત્નિ રિસામણે ગઇ હોઇ અને અઢી વર્ષના પુત્રને પણ લઇ ગઇ હોઇ પોતે પુત્રને મળવા જતાં મળવા નહિ દેવાતા આ પગલું ભર્યાનું આ યુવાને જણાવ્યું હતું.

ગંભીર રીતે દાઝી ગયેલો સલિમ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને છૂટક મજૂરી કરે છે. તેના પિતા ઇબ્રાહીમભાઇ પણ મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે સાડા ત્રણ વર્ષ પહેલા સલિમ અને મયુરનગરના અજયભાઇ કોળી તથા વનીબેન કોળીની દિકરી સપના કેટરર્સમાં સાથે કામ કરતાં હતાં. ત્યારે સલિમ અને સપના વચ્ચે પ્રેમ થઇ જતાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતાં. બંનેને લગ્ન જીવનમાં અઢી વર્ષનો પુત્ર શાહીદ છે.

સલિમે કહ્યું હતું કે ત્રણેક દિવસ પહેલા પત્નિ સપના સાથે નવા કપડા લેવા બાબતે ચડભડ થઇ હતી. હાલમાં પૈસા ન હોઇ થોડા દિવસ પછી કપડા લઇ દેશે તેમ કહેતાં તેણી ઝઘડો કરી દિકરાને લઇને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. ફોન કરવા છતાં આવતી નહોતી. ગઇકાલે પોતે કેરોસીનનું ડબલુ લઇને જ સાસુ-સસરાના ઘરે ગયો હતો અને દિકરાનું મોઢુ જોવા દેવાનું કહેતાં ના પાડી દેવામાં આવતાં પોતાને માઠુ લાગી ગયું હતું અને સાસુ-સસરાના ઘર સામે જ સળગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(4:10 pm IST)