Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સુરતમાં ગેસ ગળતરથી મૃત્યુ પામેલ કામદારોના વારસોને વળતર ચુકવાયુ

રાજકોટ તા.૨૪: સુરત મહાનગરપાલિકામાં ગટર સફાઇની કામગીરી દરમ્યાન ગેસ ગળતરથી પિતા પુત્ર અને અન્ય એક કામદાર સહ ત્રણ કામદારોનાં મૃત્યુ થતા વારસદારોને મજુર મહાજન સંઘના પ્રયત્નોથી રૂ. ૩૬ લાખનું વળતર ચુકવવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા સોૈરાષ્ટ્ર મજુર મહાજન સંઘના પ્રધાનમંત્રીશ્રી દિલીપભાઇ ઠાકરે જણાવેલ કે, સલામતીના સાધનો આપ્યા વિના લેવાતી ગટર સફાઇની કામગીરી દરમ્યાન ગેસ ગળતરની દુર્ઘટનામાં અનેક કામદારોની જીવ હાની થતી હોય, તે સંદર્ભે નામ.સુપ્રીમકોર્ટે પણ ચિંતા વ્યકત કરી ગેસ ગળતરમાં જીવ ગુમાવનાર કામદારના વારસદારોને રૂ. ૧૦ લાખનું વળતર આપવા આદેશ કરાયેલ છે.

સુરત મહાનગરપાલિકા અઠવા ઝોન વિસ્તારમાંં પીપલોદ ખાતે તા. ૧૮-૪-૨૦૧૮ના ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન ગેસ ગળતર થતા ૩ કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ કેસમાં સુરત મહાનગરપાલિકાએ સહયોગી વલણ અપનાવી પ્રત્યેકને રૂ. ૧૦ લાખ લેખે રૂ. ૩૦ લાખ ઉપરાંત વધુ ૬ લાખ ઉમેરો કરી ૩૬ લાખનું વળતર ચુકવેલ હોવાનું મજુર સંઘના મંત્રી કિરીટભાઇ વોરા (મો. ૯૯૯૮૧ ૬૦૩૦૩)ની યાદીમાં જણાવાયું છે.(૧.૨૬)

(4:08 pm IST)