Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અફલાતૂન ગુજરાતી કોમેડી નાટક : યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ

શનિવારે રાજકોટીયનોએ કયારેય ન માણ્યો હોય તેવો એક અલગ જ પ્રકારનો શોઃ ટિકીટ હેમુ ગઢવી હોલ ખાતેથી ૧૦ થી ૨ અને ૪ થી રાત્રીના ૯ સુધી મળી શકશે : મો. ૬૩૫૪૯ ૯૫૦૦૧ : અમદાવાદના તમામ ૧૬ શો હાઉસફુલ

રાજકોટ, તા. ૨૪ : રાજકોટની રંગભૂમિ સારા નાટકો માટે હંમેશા સજ્જ હોય છે પરંતુ જેને ખરેખર થિયેટ્રિકલી એકચુલી બ્યુટીફૂલ કહી શકાય એવા નાટકો રાજકોટમાં જૂજ આવે છે! વિદેહી એન્ટરટેઇન્મેન્ટના દેવલ વોરા રાજકોટમાં આવા નાટકો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટના 'આજ જાને કી ઝિદ ના કરો' નાટકને રાજકોટ એ એટલા માટે જ અત્યંત ભાવપૂર્વકનો અને પ્રચંડ પ્રતિસાદ આપેલો. આ જ દિશા માં આગળ વધતા વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આ વખતે ,અગાઉના જ દિગ્દર્શક અને ગુજરાતી રંગભૂમિ ના માતબર નાટ્ય સર્જક અને કવિ શ્રી સૌમ્ય જોશી નું જ કોમેડી પ્રોડકશન -'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' લઇને આવે છે.

નાટક ના લેખક, દિગ્દર્શક શ્રી સૌમ્ય જોશી વિષે વાત કરીએ તો અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લા  કેટલાયે વર્ષો થી માત્ર ગુજરાતી અને મુંબઈ ની ગુજરાતી રંગભૂમિ ને નહિ બલ્કે પોતાની ઓડિયન્સ ને પણ નવેસર થી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંયે સહજતા પૂર્વક કરી રહ્યા છે. 'વેલકમ જિંદગી', 'આજ આજને કી ઝિદ ના કરો' અને '૧૦૨ નોટ આઉટ' જેવા  મૌલિક, સ્તરીય  અને  અત્યંત સફળ થયેલા નાટકો હોય , કે '૧૦૨ નોટ આઉટ' પરથી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અભિનીત એ જ નામે બનેલી ફિલ્મ નું સ્ક્રિપ્ટ રાઇટિંગ હોય, સૌમ્યના મજબૂત અને 'આઉટ ઓફ ધ બોકસ' થીંકીંગ નો પરિચય દરેક તબક્કે જોવા મળશે. ઘટનાઓની સૌમ્ય એ એવી સરસ રીતે ગૂંથણી કરી છે કે પ્રેક્ષક એક ક્ષણ પણ હાસ્ય થંભાવી ના શકે !

નાટક વિષે વાત કરતા શ્રી સૌમ્ય જોશી કહે છે કે - ઙ્ક કેટલાક વિચારો એવા હોય છે કે જેના પર થી આખેઆખું બે થી ત્રણ કલાક નું નાટક બનાવવું શકય નથી હોતું. મજા તો એમાં પણ છે કે એક નાનકડા વિચાર ને ટૂંકા નાટક દ્વારા ખુબ સારી રીતે કહી શકાય. ટૂંકા નાટકો એટલે કે દ્વિઅંકી અને એકાંકી વચ્ચે ની પ્રોસેસ ના જે થોડા દ્યણા વિચારો છે મારા મગજ માં -  આ એમાંનું પહેલું સર્જન છે. અમદાવાદ, પાટણ, મુંબઈ કે રાજકોટ માં એક આખી અલગ દુનિયા છે - એવા જુના વિસ્તારો જેના થી આપણે સાવ જ  કટ ઓફ થઇ ગયા છીએ . અમદાવાદમાં પોળો હોય, મુંબઈમાં ચાલીઓ હોય કે રાજકોટમાં ડેલાઓ હોય ,એ બધા એવા વિસ્તારો હોય છે કે જયાં બહુ બધા રસપ્રદ કિરદારો હોય છે ને એ બધા એટલા બધા એક બીજા થી જોડાયેલા , સંકળાયેલા હોય છે જેને સામાજિક નિકટતા કહી શકાય અને એ નિકટ માંથી સામે વાળા માટે એવો તો માલિકીભાવ જાયે છે કે તેઓ એક બીજા ની જિંદગી માં માથું પણ મારે અને એક બીજા ની જવાબદારીઓ પણ ઉઠાવી લે. ને આ જ પ્રકિયા માં બહુ ઉમદા હાસ્ય રસ નિષ્પન્ન થતો હોય છે. આ નાટક નો મુખ્ય મિજાજ જ આ હાસ્ય છે. હવે જયારે તમે હાસ્ય વિચારો છો ત્યારે હાસ્ય ની સાથે સાથે એક ચોક્કસ લાગણીઓ પણ સહજપણે જોડાયેલી હોય છે. આ નાટકને  , માટે જ , રૂઢિગત વર્તૂળ માં જીવતા , શહેર ના જુના વિસ્તારો ને ઉજાગર કરતુ  લાગણીપ્રધાન કોમેડી નાટક કહી શકાય.

હાલ પોતાની બીજી બોલિવૂડ સ્ક્રિપ્ટ પર કામ કરી રહેલા શ્રી સૌમ્ય જોશી વાત આગળ વધારતા કહે છે કે - નાટક દરમ્યાન બીજી મજા ની વાત એ થઇ નાટક ના મુખ્ય કલાકારો અને અત્યંત સફળ અને વ્યસ્ત કલાકારો પ્રેમ ગઢવી , જીજ્ઞા વ્યાસ અને હેમીન ત્રિવેદી પણ એક સાથે ઘણા બધા પ્રોજેકટસ પર કામ કરી રહ્યા હોય છે. પણ આ બધા જ તેમની ફિલ્મો ની વ્યસ્તતા વચ્ચે પણ નાટક ના જીવો હોઈ, નાટકો કરી લેવાનો મોહ જતો નથી કરતા. નાટકો આ તમામ ને એક નવી જ જીવંતતા બક્ષે છે.  મારી પોતાની એવી ઈચ્છા હતી કે મારી બીજી બોલિવૂડ ફિલ્મ ની સ્ક્રિપ્ટ હું શરુ કરું તે પેહલા એક નાટક કરીએ અને જે રીતે અમદાવાદ અને હવે પાટણ એ પણ રિસ્પોન્સ આપ્યો છે તે અદભૂત છે. નાટક ના તમામ ૧૬ શો હાઉસફુલ ગયા છે.

સૌથી મહત્વ ની વાત એ છે કે ગુજરાતી રંગભૂમિ , જયાં જયાં પણ ભજવાતી અને જોવાતી હોય એ તમામ એ જાણે અને માને છે કે સૌમ્ય જોશી હશે તો સારું જ હશે. સૌમ્ય બહુ સૌમ્યતા થી કહે છે કે,  હિટ કે ફ્લોપ ની ગેરેન્ટી કોઈ જ કલાકાર આપી નથી શકતો પણ પોતાની અદાકારી ને, પ્રામાણિક રેહવાની ગેરેંટી જરૂર આપી શકે છે અને એ જ સૌમ્ય જોશી ના નાટકો નો મુખ્ય હાર્દ રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ માં  પ્રેમ, જીજ્ઞા અને હેમીન એ એટલે જ પોતાના રોલ બખૂબી નિભાવ્યા છે. વળી જે ઓડિયન્સ ખરેખર સારા નાટકો જોવા માંગે છે તેઓને પૃથ્વી થીએટર કે એનસીપીએ જેવી ફીલ આવે અને તક મળે માટે પણ આવા પ્રયોગશીલ નાટકો થવા જરૂરી છે .  વળી ઘણા સમય થી સૌમ્ય જોશી મુંબઈ શિફ્ટ થયા હોઈ, અમદાવાદ ના યંગ ટેલેન્ટ સાથે પણ કામ કરવાની એક તક આ નાટક એ આપી.

રાજકોટ વાસીઓ આવી ઉત્ત્।મ પ્રક્રિયા દ્વારા સર્જાતું કૈંક અલગ જ કાઙ્ખમેડી પ્રકાર ને ઉજાગર કરતુ નાટક ચુકે નહિ તેવી નમ્ર અપીલ છે.

રાજકોટમાં આ નાટક લાવવા માટે , વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના નિરંતર સહયોગી એવા ટી પોસ્ટ ઉપરાંત આ વખતે પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ પણ જોડાયા છે. તારીખ ૨૭ ઓકટોબર , શનિવાર ના રોજ નાટક ના બે શો છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦ કલાકે.  હેમુ ગઢવી હોલ મીની માં. નાટક ની ટિકટ માટે સંપર્ક :  ૬૩૫૪૯૯૫૦૦૧. ટિકિટૅં હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૯ દરમ્યાન મળી શકશે. મનગમતી સીટ મેળવવા ટિકટ વહેલી તકે લઇ લેવા અનુરોધ કરાયો છે.(૩૭.૪)

(4:08 pm IST)