Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

તલાટી- કમ- મંત્રીઓની તમામ માંગણીઓ વ્યાજબીઃ હડતાલ બાદ તમામ કામો પૂર્ણ કરવાની ખાતરી

ખેડૂતો, અરજદારોના કામો અટકી ગયા તેના માટે દિલગીર છીએઃ રાજકોટ જિલ્લા તલાટી- કમ- મંત્રી મંડળઃ તાલુકા મથકોએ રામધુન બોલાવી વિરોધ પ્રદર્શીત કરાશે, રકતદાન કેમ્પ, આશ્ચર્યજનક કાર્યક્રમો, અધિકારીઓ- પદાધિકારીઓને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરાશેઃમુખ્ય પાંચ માંગણીઓ

રાજકોટ,તા.૨૪: રાજકોટ જિલ્લાના તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. મુખ્ય પાંચ માંગણીઓ સાથે તાલુકા માથકોએ રામધુન બોલાવી, આશ્ચર્યજનક કાર્યક્રમ, રકતદાન કેમ્પ, અધિકારીઓ- પદાધિકારીઓને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરીથી લડત આપવામાં આવશે. તેમ આજે સવારે ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા તલાટી-કમ મંત્રીઓએ જણાવ્યું હતું.

તલાટી- કમ- મંત્રીઓએ જણાવવામાં આવેલ કે ગુજરાત રાજયના ૧૧,૮૦૦થી પણ વધારે તલાટી- કમ- મંત્રીશ્રીઓ જયારે પોતાની વ્યાજબી માંગણીઓ માટે હડતાલ ઉપર છે અને જયારે સરકાર આ માંગણીઓ સાંભળવા પણ તૈયાર નથી કે આ માંગણીઓ વ્યાજબી છે કે ગેર વ્યાજબી ત્યારે તલાટી- કમ- મંત્રી મંડળને એવુ લાગી રહ્યુ છે કે આ હડતાલથી ખેડૂતો, ગ્રામજનો તેમજ સરકારશ્રીની યોજનાઓનો લાભ લેતા ગરીબ લોકોને ખુબજ હેરાનગતની થઈ રહી છે અને તલાટી- કમ- મંત્રીઓને હડતાલ ઉપર જવાની ખબર હોય અગાઉથી જ ગ્રામજનો અને અરજદારોના પેન્ડીંગ કામો પુર્ણ કરેલા છે. છતા પણ હવે પછીના તમામ કામો હડતાલનો સુખદ અંત આવતાની સાથે જ ઓફીસમાં ઓવર ટાઈમ કરી તમામ કામો સત્વરે પુરા કરવામાં આવશે અને જે ખેડુતો, ગ્રામજનો, બી.પી.એલ.લાભાર્થીઓ તથા અરજદારો અને ગરીબ લોકોના હડતાલના કારણે કામ અટકેલા છે એ બદલ દિલગીર છીએ અને તમામ લોકો અમારી વ્યાજબી માંગણીઓનો સહકાર આપે તેવી અપીલ કરી હતી.

તલાટી- કમ- મંત્રીશ્રીઓની વ્યાજબી માંગણીઓ આ મુજબ છે. (૧) તલાટી- કમ- મંત્રી નોકરીમાં લાગે ત્યારે પણ તલાટી- કમ- મંત્રી અને નોકરીમાંથી ઉતરે ત્યારે પણ તાલટી- કમ- મંત્રી શું આ વ્યાજબી વાત છે?, (૨) તલાટી- કમ- મંત્રીને જયારે ૧ વર્ષની નોકરી બાકી રહે ત્યારે જો કદાચ પ્રમોશન આપવામાં આવે તો પ્રમોશન મળવાથી ૧૦૦૦ રૂપિયા પગાર ઘટે છે., (૩) ૨૦૦૪ તથા ૨૦૦૫માં નોકરીમાં લાગેલા તલાટી- કમ- મંત્રીથી ૨૦૦૬માં નોકરીમાં લાગેલા તલાટી- કમ- મંત્રી સિનીયર ગણાય છે., (૪) રેવન્યુ તલાટીની અલગ ભરતી કરવામાં આવેલ છે અને રેવન્યુના તમામ કામો પંચાયત તલાટી- કમ- મંત્રી પાસે લેવામાં આવે છે. રેવન્ટુના તમામ ૧ થી ૧૮ નમુના પણ પંચાયત તલાટી- કમ- મંત્રી દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં રેવન્યુ તલાટીની એકપણ દાખલામાં સહી આવતી નથી અને જેનું તમામ કામ પંચાયત તલાટી- કમ- મંત્રી દ્વારા કરવામાં આવે છે., (૫) રેવન્યુ તલાટી, કલાર્ક, તલાટી- કમ- મંત્રીના તમામની ભરતીના નિયમો અને કેડર એકજ ગણવામાં આવે છે. કલાર્કને ઘણા પ્રમોશન મળે છે. રેવન્યુ તલાટીને ડેપ્યુટી કલેકટર સુધીના પ્રમોશન મળે છે અને તલાટી- કમ- મંત્રીને એક પણ પ્રમોશન નહી.

તસ્વીરમાં રાજકોટ જિલ્લા તલાટી- કમ- મંત્રી મંડળના સર્વેશ્રી એચ.બી.ડાંગર (પ્રમુખશ્રી જીલ્લા ત.ક.મંત્રી મંડળ), એમ.ટી.વાઘેલા- સચિવ, સી.કે.ગરૈયા (સભ્ય), પી.એન.ગોહેલ, સી.એ.બાટવીયા, કે.જે.મહેતા, એ.એચ.તેરૈયા, એન.પી.પુરોહીત, એમ.એલ.ગોસ્વામી, રાજનભાઈ જુણેજા, કે.બી.લાવડીયા, એ.એન.પટેલ, એમ.પી.જાગાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

 

(4:07 pm IST)