Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પરિણિતાને ત્રાસ આપવાના ગુનામાં પતિ અને સાસુનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા. ર૪ : કચ્છ જિલ્લાના માધાપર ગામના રહીશ ચેતનભાઇ રમેશભાઇ પોતાની બહેન ધારાબહેનને રાજકોટ રહેતા તેમના પતિ અમિત રમેશભાઇ ચૌહાણ અને સાસુ દક્ષાબેન રમેશભાઇ ચૌહાણ કામકાજ અને દિકરીના જન્મ બાબતે તથા જાડાપણુ હોવાના કારણે અને દહેજની બાબતમાં વારંવાર ત્રાસ આપીને મેણાંટોણા મારતા અને જેથી શારીરિક માનસિક ત્રાસના કારણે પોતાની બહેન ધારાબહેનને મરવા માટે મજબૂર કરેલ અને જેથી ધારાબેને ગળેફાંસો ખાઇ મરણ ગયેલ હોવાની ફરીયાદ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૬,૪૯૮(ક) મુજબની નોંધાવેલ જે અંગેનો કેસ રાજકોટના એડીશન સેસન્સ કોર્ટમાં ચાલી જતા બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે.

બનાવની હકીકત એવી છે કે, માધાપર ગામ જિલ્લા કચ્છના રહીશ રમેશભાઇ ટાંકની પુત્રી ધારાબેનના લગ્ન ગાત્રાળ ચોક લક્ષ્મીવાડી મેઇન રોડ, 'જય રામનાથ' મકાનમાં રહેતા અમિત રમેશભાઇ ચૌહાણ સાથે તા. રપ/૧૧/ર૦૧૩ના રોજ થયેલ. લગ્ન બાદ એકાદ વર્ષ માંડ બરાબર લગ્ન જીવન ચાલેલુ અને પતિ અમિતભાઇ દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધેલ. શરીરના જાડાપણા બાબતે, પુત્રી જન્મ બાબતે અને કરીયાવર બાબતે પતિ અમિતભાઇ તથા સાસુ દક્ષાબેન મેણાંટોણાં મારી ત્રાસ આપતા જે અંગેની વાત પોતાની બહેન ધારાબેને માતા સરસ્વતીબેન અને ભાઇ ચેતનભાઇને કરેલી અને ધારાબેનની નોકરીનો પગાર લઇ લેતા અને પેટ્રોલ ખર્ચ આપતા આપતા અને જાડી-જાડી કહીને બોલાવતા તેમજ સંસ્કારી નહિ હોવાના મેણાંટોણા મારતા જેથી અસહ્ય શારીરિક ત્રાસના કારણે પોતાની બહેન ધારાબેને ગળેફાંસ ખાઇને મરણ ગયેલ અને પોતાની બહેનને મરવા માટે મજબૂર કર્યાની ફરીયાદ તા. ર૪/ર/ર૦૧૬ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૬, ૪૯૮(ક) મુજબની નોંધાવેલ હતી.

સદરહુ કેસમાં પુરાવો પૂરો થયા બાદ બન્ને પક્ષોની લંબાણપૂર્વકની દલીલો સાંભળી રાજકોટના એડીશનલ સેસન્સ કોર્ટના જજે ગુજરનાર ધારાબેનના પતિ અમિત રમેશભાઇ ચૌહાણ તેમજ તેમના સાસુ દક્ષાબેન રમેશભાઇ ચૌહાણને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ અમિત રમેશભાઇ ચૌહાણ તથા દક્ષાબેન રમેશભાઇ ચૌહાણ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતી તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલ હતાં.(૮.૧પ)

 

(4:00 pm IST)