Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

યુવતિના ડખ્ખામાં યુવાનનું ગળુ કાપી હત્યાના ગુનામાં આરોપીઓને આજીવન કેદ

યુવતિ સાથે સંજય સોઢાને જોઇ જતાં મવડી-કણકોટ રોડ ઉપર બે સગા ભાઇઓ કિશન અને કાનાએ સંજયને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતીઃ અદાલતે ખુન ઉપરાંત લુંટ-અપહરણનો ગુનો પણ સાબીત માન્યોઃ એડી.સેસ.જજ ત્રિવેદીનો ચુકાદો

ઙ્ગરાજકોટ તા.૨૪: અહીંના મવડી-કણકોટ રોડ ઉપર યુવતિના ડખ્ખાના કારણે સમાધાન કરવાના બહાને અપહરણ કરીને લઇ જઇને લુંટ કરી છરીના ઘા મારીને સંજય સોઢા નામના યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ લોહાનગર બી.એસ.એન. એલ.ની કચેરી પાસે રહેતા બે ભાઇઓ કિશન દિલીપભાઇ ગતીયા અને કાનો દિલીપભાઇ ગતીયા સામેનો કેસ ચાલી જતાં અધિક સેસન્સ જજ શ્રી ત્રિવેદીએ આજે બંને આરોપી ભાઇઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મરનાર સંજય એક યુવતિ નામે રીંકલ ઉર્ફે રિદ્ધિને લઇને સ્કુટર ઉપર જતો હોય ઉપરોકત બંને આરોપીઓ તેને જોઇ ગયા હતા. આ યુવતિને આરોપીઓ પણ ઓળખતા હોય સંજય સાથે યુવતિ ફરતી હોય તેનો ખાર રાખીને આરોપીઓ પ્રથમ સંજય સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સંજય તેની પત્નીને લઇને જતો હતો ત્યારે આરોપીઓએ તેનો પીછો કરીને પાછળ-પાછળ ગયા હતા. બસ સ્ટેન્ડ પાસે સંજયની પત્ની નોકરી કરતી હોય ત્યાં પણ ગયેલ અને ડખ્ખો કરેલો.

બાદમાં બનાવના દિવસે તા. ૨૯-૬-૧૪નાં રોજ સમાધાનના બહાને આરોપી કિશન અને કાનો મરનાર સંજયને મવડી કણકોટ રોડ ઉપર એન્જીનીયરીંગ કોલેજ પાસે લઇ ગયેલ જયાં ડખ્ખો થતાં આરોપીઓએ સંજયના ગળા ઉપર છરીના ઘા મારી હત્યા કરી રોકડ રકમ તેમજ મોબાઇલની લુંટ કરી હતી.

આ બનાવ અંગે મરનાર સંજયના ભાઇ પ્રવિણ દામજી સોઢાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસનાં અંતે કિશન અને કાનો ગતીયાની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કયુંર્ હતું.

આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. દિલીપભાઇ મહેતાએ રજુઆત કરેલ કે, ફરીયાદી પક્ષના સાહેદોની જુબાની અને પુરાવાની હકીકતો જોતા  આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ પક્ષનો કેસ નિશંકપણે પુરવાર થાય છે.

સરકારી વકીલશ્રી દિલીપભાઇ મહેતાએ વધુમાં જણાવેલ કે, આરોપીઓએ ઇરાદાપુર્વક પુર્વયોજીત કાવત્રુ રચી મરનારની હત્યા કરી છે. તેવું સાબીત થાય છે. મરનાર સંજયની પત્નીએ પણ આરોપીઓની ઓળખ પરેડ દરમ્યાન ઓળખી બતાવેલ છે. છરી કબ્જે મળેલ છે. તેમાં મરનારનું લોહી હોવાનું તેમજ આરોપીઓના કપડા ઉપર પણ મરનારનું લોહી હોવાનું સાબીત થાય છે. લોહીવાળી છરી કબ્જે થયેલ છે. તેને ડીસ્કવરી પંચનામાથી પણ સમર્થન મળે છે.આમ આરોપીઓ સામેનો કેસ પુરવાર થતો હોય આરોપીઓને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને રજુ થયેલ પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇને એડી. સેસન્સ જજ શ્રી ત્રિવેદીએ બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. દિલીપભાઇ મહેતા રોકાયા હતા.(૧.૨૯)

(4:00 pm IST)