Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

યોગ : કર્મશુ કૌશલમ્ : એક વખતના નાટ્ય - ટીવીકર્મી, મેડીકલ પ્રેકટીશ્નર સુરતના મેયર

લાપરવા હૂઁ, ફિર ભી સબ કી પરવા કરતા હૂઁ, માલૂમ હૈ, કોઇ મોલ નહિ હૈ મેરા, ફિર ભી કુછ અનમોલ લોગો સે રીશ્તા રખતા હૂઁ.

મેગા સીટી સૂરતના મેયરશ્રી જગદીશ પટેલને અભિનંદતા શ્રી કૌશિક સિંધવ તેમજ તે વખતે હાજર સૂરતના જાણીતા રંગકર્મીઓ કપિલ દેવ શુકલ તથા રાજન ભટ્ટ તા. ૧૬-૧૦-૨૦૧૮

તા. ૧૨-૧૦-૨૦૦૪, એટલે કે ૧૪ વર્ષ પહેલા, મારા એક આર્ટીકલમાં સૂરત શહેરને રંગભૂમિની રાજધાનીની ક્રેડીટ આપી હતી. તેની મહાનગરપાલિકા દ્વારા નાટ્યકર્મીઓને અપાતી સહાય તેમજ ત્યાંના નામી-અનામી, પૂર્વ અને વર્તમાન નાટ્યકર્મીઓના નાટ્ય પ્રદાનની નોંધ પણ અગ્રેસર હતી. એ બધું કાગળ પર નિરૂપાતા પહેલા, મારા સંતાનો સૂરત સ્થાયી થયાં હોઇ, લગભગ ૧૯૯૦થી, ૪-૬ મહિને ત્યાં જવાનું બનતું ત્યારે છાશવારે સૂરતના નાટકો - મિત્રોને જોવાં મળવાનું બનતું રહેતુ. સાલ ૯૩-૯૪ હશે. મારા જમાઇ પ્રતાપકુમારે તેનાં એક સીનીયર મિત્ર સાથે પરિચય કરાવ્યો, જેની ત્યારે મેડીકલ પ્રેકટીશ્નર તરીકેની શરૂઆત. સાથોસાથ ઓછા-વધતે નાટકોમાં પણ અભિનય પ્રવૃત્ત રહેતા.

એક વખત સૂરતના માતબાર અને મારા ૧૯૯૭થી પરિચિત નાટ્યકર્મી કપિલદેવ શુકલ નાટક 'અનુરવ' રાજકોટમાં રજુ કરવા આવ્યા. તેમાં તે મિત્ર પણ ભૂમિકામાં હતા. મેં અગાઉથી જ ઘેર પધારવા આમંત્ર્યા હોઇ, શોનો પાસ લઇ આવ્યા. મારા ત્યારના (૯૩-૯૪) વખત સુધીના રંગભૂમિના દસ્તાવેજો જોઇ પ્રભાવિત એટલા માટે થયાં કે નાટકોમાં તેઓએ તો હજુ ત્યારે પાપા પગલી જ માંડી હતી. પછી તો જ્યારે પણ સૂરત જવાનું બનતું ત્યારે એ કલાકાર મિત્રને મળવાનું ગોઠવાતું. રહેતાં રહેતાં તેમની મેડીકલ પ્રેકટીશ તથા રંગકર્મમાં ચેન્જ જોવા મળ્યો. તેઓ સ્થાનિક ટીવી ચેનલમાં જોડાયા. ગૌરવર્ણ ચહેરો, વહેતી ધારા જેવી સૌમ્ય વાણી, આ સર્વ ગુણ તે ફેકલ્ટીમાં સ્થાન બનાવવા એકદમ ફીટ હતા. પોતાના કવોલિટી વર્ક અને વ્યવહારથી લગભગ તેઓ ચેનલના મુખ્ય ધરોહર સમા બની રહ્યા. આ ટીવી કર્મના પરિણામરૂપ દરેક ફિલ્ડ, વિશેષતઃ રાજકીય ક્ષેત્રના કાર્યકરો - મહાનુભાવો સાથેના પરિચય - સહવાસને કારણે ધીમેધીમે તેનું જીવન જાહેર જીવનસમુ બનતું ગયું. અને રંગ ચઢી ગયો રાજકીય વ્યકિતત્વનો. મારી વખતો વખતની મુલાકાતે તેનો 'ઓરો' ઔર જ અનુભૂત થતો જતો લાગ્યો.

પુત્રીના પગમાં ફ્રેકચર થતાં ખબર કાઢવા સુરત જવાનું બન્યું. પહોંચતા જ જમાઇએ સમાચાર આપ્યા કે પોતાના સીનીયર મિત્ર મેડીકલ પ્રેકટીશ્નર અને ઓછા-વત્તા અંશે રંગકર્મી કલાકાર રહેનાર ડો. જગદીશભાઇ પટેલ સુરત શહેરના મેયર બની ગયા છે. સ્વાભાવિક છે કે આ શુભ સમાચારથી હૃદયમાં હર્ષની લેરખી લહેરાય જાય. દેશના અગ્ર હરોળમાં ગણાંતા એક વખતના બદસુરત અને આજના ખુબ સુરત શહેર સુરતના પ્રથમ નાગરિક તરીકે એક નાટય-ટીવી કલાકર્મી મિત્ર આરૂઢ થાય, એ તેઓ માટે તો ખરી જ, પરંતુ તેના સૌ લાગતા વળગતા પ્રવૃત્તિ ક્ષેત્રના મિત્રો માટે પણ ગૌરવ ઘટના બની રહે.

સૌ પ્રથમ મોબાઇલથી અભિનંદન પાઠવી રૂબરૂ અભિનંદન માટે સમય માગી લીધો. મનમાં મુંજવણ હતી કે એક મહાનગરના મેયર હવે શિષ્ટાચાર પૂરતાં જ મળશે કે...? પણ હકીકત કંઇ જુદી જ બની. મેયર ચેમ્બરમાં પ્રવેશતાં જ બિલકુલ વોહી પૂરાને પ્રેમી મિત્ર ડો. ઔર રંગકર્મી જગદીશભાઇએ ઉભા થઇ ઉમંગભેર આવકાર આપ્યો. યોગાનુયોગ બન્યો પણ ત્યારે કેવો સુયોગ કે ઉપર જણાવ્યા સુરતના કેન્દ્રસ્થ રંગકર્મી કપિલદેવ શુકલ તથા રાજન ભટ્ટ પણ મેયર સાહેબને ત્યારે મળવા આવ્યા હતાં. એ બંને મિત્રોને પણ ઘણાં વખતે મળવાની તક જાણે મેયરશ્રી જગદીશભાઇએ અનાયાસે જ ઉભી કરી દીધી. બુકે અર્પણથી તેઓને અભિનંદયા ત્યારે, કંઠસ્વરે નહિ પણ હૃદયસ્વરે તેનો સ્વીકાર કર્યો. રપ-રપ વર્ષોની તેઓ સાથેની એક નાટ્ય-ટીવી કર્મી તરીકેની મિત્રતાના મેળ-મેળાપના પ્રસંગોને યાદ કરી આજ સુધીના મારા નાટ્યશ્રમ તથા ગુડ હેલ્થ માટે ભેટી-ભીંસી વીથ થેન્કસ ઉમળકાભેર સામા અભિનંદન મારા હૃદયમાં ઠાલવી દીધાનો સાક્ષાત્કાર તેઓએ કરાવ્યો. તેઓનો તે ઉમળકો હંમેશ હૈયે હિલોળા લેતો રહેશે તેનો પુરાવો, આ લેખનની શરૂઆતમાં જ ટાંકેલ કોઇએ લખેલા શેરમાંથી મળી જશે. એથીયે ઘટતું લાગતું હોય તો આ શેરને આત્મસાત કરી જુઓ બસ. ''હમ અપની રૂહ છોડ આયે દોસ્ત, તુઝે ગલે લગાના તો એક બહાના થા'' અહેમદ ફરાઝ...

આલેખનઃ કૌશિક સિંધવ

રાજકોટ. મો. ૭૩પ૯૩ ર૬૦પ૧

(3:58 pm IST)