Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કાલથી રાજકોટથી ઘેલા સોમનાથ સુધી ઇન્દ્રનીલભાઇની સ્કુટરયાત્રા

સત્યના સારથી જસદણ પંથકમાં લોકશાહીની જયોત પ્રગટાવશેઃ ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા વધુ એક આયોજનઃ કાલે બપોરે ૩ વાગ્યાથી ગેબનશાહપીર દરગાહથી સ્કુટરયાત્રાનું થશે પ્રસ્થાનઃ હાઇવે ઉપર આવતા તમામ ગામોને આવરી લેવાશેઃ ૫૦ થી વધુ સ્કુટર સવારો યાત્રામાં જોડાશેઃ ૪-૫ નવેમ્બરના ઘેલા સોમનાથમાં યાત્રા પુર્ણ થશે

રાજકોટઃ તા.૨૪,શહેરની ગેબન શાહપીર દરગાહથી ઘેલા સોમનાથ સુધીની 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'દ્વારા આવતીકાલ ગુરુવારથી સ્કુટર યાત્રાનો શુભારંભ થશે. સત્યના સારથીની વિશાળ સંખ્યામાં કાર્યકરો જસદણ પંથકમાં લોકશાહીની જયોત પ્રગટાવશે. જસદણની પેટા ચુંટણીમાં મતદારોને સાવધાન કરવા લોકશાહીનો સંદેશ અપાશે. લોકોને જાગૃત ક૨વા લોકજાગરણનું આહવાન કરાશે. તેમ પુર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩) એ જણાવ્યું  હતુ.

 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ દ્વારા લોકશાહીને મજબુત બનાવવા, લોકશાહીના મૂલ્યોનું જતન કરવા, લોકશાહીનું સિંચન કરવા મહાત્મા ગાંધીના વિચારને જીવનમાં ઉતારવા ગાંધી નિર્વાણ દિવસે પોરબંદરના કિર્તીમંદિરથી રાજકોટ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ગામેગામ લોકોનો અભૂતપૂર્વ સહકાર મળ્યો હતો. ગાંધીજીના વિચારને લોકશાહીના મુલ્યોને આગળ ધપાવવા સ્થાનિક લોકોએ કોલ આપ્યો હતો અને આ યાત્રાને સતત આગળ ધપાવવા ટેકો આપ્યો હતો. પરિણામે ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ જસદણ પંથકમાં લોકશાહી લોકજાગરણ યાત્રાનું આયોજન કર્યું છે,

 જસદણ પંથકમો ધારાસભ્યને કારણે પેટા ચુંટણીનું નિર્માણ થયું છે. અંગત સ્વાર્થને કારણે પેટાચુંટણી આવી પડતા સરકારી તિજોરીને આર્થિક મોટો ફટકો પડશે, સાથોસાથ લોકશાહીના મજબુત પાયાનું અપમાન થયું છે, ત્યારે આ પેટા ચુંટણીમાં લોકોને જાગૃત કરવા પડશે, લોકજાગરણનું આહવાન કરવું પડશે, લોકશાહીના મુલ્યો અંગે લોકોને સમજણ આપવી પડશે માટે લોકશાહીની જયોત પ્રગટાવવા સ્કુટરયાત્રાનું આયોજન કરેલ હોવાનું શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ જણાવ્યું હતુ. સત્યના સારથીની સ્કુટરયાત્રા બોઘરાવદર, વીરપુર, રણજીતગઢ, દહીંસરા, ભાડલા, ગઢડીયા, રાજાવડલા, કનેસરા, બરવાળા, પારેવાળા, કમળાપુર, મદાવા, ગુંદાળા, મોટાહડમતીયા, રેવાનીયા, વિછીયા, રૂપાવટી, પીપરડી, સનાળી, ભડલી, ગઢડા, કંધેવાળીયા, હાથસણી, કોટડા, વીરનગર, ખારચીયા, દડવા સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં લોકશાહીને ઉજાગર કરવા પ્રચાર કરાશે અને વિછીયા, પીપરડી, વીરનગર, કમળાપુર સહિતના મુખ્ય મથકોમાં સભાનું પણ આયોજન કરાયુ છે.

આવતીકાલે તા.૨૫ને ગુરૂવારે ગેબનશાહપીર દરગાહથી બપોરે ૩ કલાકે સ્કુટર યાત્રાનું પ્રસ્થાન થશે. તેમ 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'ની યાદીના અંતમાં જણાવાયું છે. (૪૦.૧૩)

(3:57 pm IST)