Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

બાળકોને ટોકો નહિં બિરદાવતા શીખોઃ શૈલેષ સગપરિયા

ચાણકય વિદ્યામંદિર દ્વારા મોટીવેશ્નલ વકતવ્ય સાથે યોજાયું વાલી સંમેલન

રાજકોટઃ ચાણકય પ્રાથમિક વિદ્યામંદિરના પ્લેહાઉસથી ધો. ૧રના વિદ્યાર્થીઓના વાલીઓનું એક સંમેલન અરવિંદભાઇ મણિયાર હોલમાં યોજાયું. ''વિદ્યાર્થીઓના અભ્યાસ અને સર્વાગિણ વિકાસમાં વાલીનું મહત્વનું યોગદાન'' વિષય પર વાત કરવા માટે મુખ્ય વકતા તરીકે વાર્તાકાર, લેખક અને વકતા એવા ડો. શૈલેષ સગપરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે જ દિપ પ્રાગટય કરાવી કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટિ પ્રવિણભાઇ રૂપાણી, નિયામક ઓજસભાઇ ખોખાણી, નિયામક નિલેશભાઇ દેસાઇ તેમજ આચાર્ય શ્રી હર્ષિદાબેન આરદેશણા, આચાર્યશ્રી રશ્મીબેન બગથરિયા ઉપસ્થિત રહ્યા હતા. ધો. ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાની રજુઆત બાદ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા કથ્થક ડાન્સની સુંદર કૃતિ રજુ કરાઇ હતી. મુખ્ય વકતા ડો. શૈલેષ સગપરિયાએ આ તકે જણાવેલ કે, બાળકોની નાની મોટી સફળતા બિરદાવી જોઇએ. રાષ્ટ્રપિતા ગાંધીજી, વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન, બિલગેટસ પણ શાળા કક્ષાએ ભણવાનાં ખૂબ જ નબળા હતા છતાં આજે તેને આખી દુનિયા ઓળખે છે. વાલીઓને ટકા...ટકા...ની માળા જપવાનું બંધ કરી બાળક સાથે બેસી તેની આવડત ખિલવામાં, તેનો જુસ્સો વધારવામાં, તેને પ્રોત્સાહિત કરવા, તેને પ્રેરણા આપવામાં વાલીએ સતત જાગૃત રહેવું જોઇએ. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો. (૭.ર૯)

(3:53 pm IST)