Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અકસ્માતગ્રસ્ત શાપરના બે બિહારી મજૂરને મદદ કરવા માટે ઉભેલા બે યુવાન ઉપર કાર ખાબકીઃ એકનું મોત

ખોખડદડના પુલ પાસે રાત્રે વિચીત્ર અકસ્માતમાં એકનું મોતઃ પાંચને ઇજા છોટા હાથી સાથે બાઇક અથડાતાં શાપરના રણવીર અને કુંદનગીરી ઘવાયાઃ તેને મદદ કરવા માંડાડુંગરનો જયસુખ માલકીયા અને ખોડિયાર ટેકરીનો વિજય કોઠીવાળ ઉભા'તા ત્યાં જ આઇસર (ટ્રક)ની ઠોકરે ચડેલી કાર ઉલળીને માથે આવીઃ કોળી યુવાન જયસુખનું મોત : અકસ્માત સર્જી ચાલક આઇસર લઇ ભાગી ગયો

તસ્વીરમાં ખોખડદડ પુલ પાસે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા કોળી યુવાન જયસુખ માલકિયા તથા ટ્રકની ઠોકર લાગતાં ઉલળીને પછડાયા બાદ બૂકડો બોલી ગયેલી કાર, કારની ઠોકરે ચડેલું બાઇક તથા ઘાયલ પૈકીનો એક બિહારી યુવાન સારવાર હેઠળ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૪: કોઠારીયા રોડ ખોખડદડ નદીના પુલ પાસે રાત્રીના અગિયારેક વાગ્યે વિચીત્ર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં માંડા ડુંગર પાસે રહેતાં એક કોળી યુવાનનું મોત નિપજ્યું હતું અને શાપર રહેતાં બે બિહારી યુવાન તથા કોઠારીયા ચોકડીએ રહેતાં આહિર યુવાન તથા કારમાં બેઠેલા માતા-પુત્ર મળી પાચને ઇજા થઇ હતી. શાપરના બે બિહારી યુવાન રાજકોટ નાઇટ શિફટમાં મજૂરીએ આવી રહ્યા હતાં ત્યારે તેને બાઇકને છોટાહાથીની ટક્કર લાગતાં બંને ફંગોળાઇ ગયા હતાં. આ બંનેની મદદ કરવા અને ૧૦૮ને ફોન કરવા કોળી યુવાન ઉભો હતો અને સાથે એક આહિર યુવાન બાઇક લઇને ઉભો હતો. એ વખતે જ એક કારને પાછળથી આઇસર ટ્રકે ઠોકર મારતાં આ કાર બેકાબૂ બની ઉલળીને અકસ્માતગ્રસ્ત બિહારી યુવાનોની મદદે ઉભેલા કોળી તથા આહિર યુવાન માથે પડતાં કોળી યુવાનનું મોત થયું હતું.

જાણવા મળ્યા મુજબ શાપર રહેતાં મુળ બિહારના રણવીર સૈજનારાયણ ગીરી (ઉ.૪૫) અને કુંદનભાઇ રામનાથભાઇ ગીરી (ઉ.૩૨) પોતાના હોન્ડા પર બેસી શાપરથી રાજકોટ આજી વસાહત ખોડિયારપરામાં કારખાનામાં નાઇટ શિફટમાં મજૂરીએ આવી રહ્યા હતાં ત્યારે ખોખડદડના પુલ પાસે છોટાહાથીની ઠોકરે બાઇક ચડી જતાં બંને ફંગોળાઇ ગયા હતાં. અકસ્માત સર્જાતા છોટાહાથી લઇને ચાલક ભાગી ગયો હતો. રોડ પર ફેંકાયેલા આ બંને બિહારી યુવાનની મદદ કરવા માંડા ડુંગર પાસે ગોકુલ પાર્ક-૩માં રહેતો જયસુખ ભુપતભાઇ માલકીયા (કોળી) (ઉ.વ.૨૫)  ઉભો રહ્યો હતો અને ૧૦૮ને ફોન કરી રહ્યો હતો. આ વખતે અન્ય એક યુવાન કોઠારીયા ચોકડી ખોડિયાર ટેકરી પાસે રહેતો વિજય નાગજીભાઇ કોઠીવાળ (આહિર) (ઉ.૩૭) નામનો યુવાન પણ બાઇક સાથે નીકળતાં તે પણ મદદ કરવા ઉભો રહ્યો હતો.

આ વખતે જ અચાનક એક આઇસર ટ્રકે પાછળથી ટીઆગો કાર જીજે૦૩એમઇ-૬૮૭૫ને ઠોકરે ચડાવતાં આ કાર બેકાબૂ બની ગઇ હતી અને ગોથુ ખાઇ ઉલળીને અકસ્માતગ્રસ્ત બિહારી યુવાનોની મદદ કરવા ઉભેલા કોળી યુવાન જયસુખ અને આહિર યુવાન વિજયની માથે આવતાં બંનેને ઇજાઓ થઇ હતી. કારમાં પણ ભારે નુકસાન થયું હતું. તેમાં બેઠેલા કોઠારીયા રોડ ગોવિંદનગર સોસાયટીમાંરહેતાં દક્ષેશ રસિકભાઇ રૈયાણી (ઉ.૧૮) તથા તેના માતા સોનલબેન રસિકભઇ રૈયાણી (ઉ.૪૨)ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અકસ્માતમાં બે બિહારી મજૂર, એક કોળી યુવાન અને એક આહિર યુવાન મળી ચારને ઇજાઓ થતાં ૧૦૮ મારફત ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ કોળી યુવાન જયસુખનુંમોત નિપજતાં પરિવારજનોમાં અરેરટી વ્યાપી ગઇ હતી. કારમાં બેઠેલા બે ત્રણ જણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ પીએસઆઇ એ. સી. સિંધવ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં પોલીસે મૃત્યુ પામનાર જયસુખ માલકીયાના પિતા ભુપતભાઇ ખીમાભાઇ માલકીયા (ઉ.૪૫)ની ફરિયાદ પરથી અજાણ્યા આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોધ્યો હતો.ભુપતભાઇએ જણાવ્યું હતું કે મારો પુત્ર જયસુખ સાંજે વેલનાથ જડેશ્વરમાં મારા કાકાના દિકરા ભાઇ અશ્વિનભાઇને ત્યાં બેસવ ાગયો હતો. રાતે સાડા અગિયારેક વાગ્યે મને અશ્વિનભાઇનો ફોન આવ્યો હતો કે જયસુખને ખોખડદડ પાસે અકસ્માત નડ્યો છે. આથી અમે તરત ત્યાં પહોંચ્યા હતાં. તપાસ કરતાં ખબર પડી હતી કે એક આઇસરના ચાલકે કાર તથા બાઇકને ટક્કર મારતાં કાર પલ્ટી ખાઇની મારા દિકરા જયસુખ પર પડી હતી. તેમજ એક બાઇકને ઉલાળતાં તેના ચાલકને પણ ઇજા થઇ હતી.  બાઇક ચાલકનું નામ વિજય કોઠીવાળ હતું. મારા દિકરા અને આ બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પણ મારા દિકરા જયસુખનું મૃત્યુ થયુ હતું. કારને ટક્કર મારનાર આઇસરનો ચાલક આઇસર લઇ ભાગી ગયો હતો. કારમાં બેઠેલા મા-દિકરાને ઇજા થતાં સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ં

મૃત્યુ પામનાર જયસુખ બે ભાઇમાં નાનો હતો. તેના પત્નિનું નામ લત્તાબેન છે. જયસુખને સવા વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. પોતે પિતા, ભાઇ સથે કારખાનું ચલાવતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ઘાયલ પૈકીના રણવીર ગીરી અને વિજય કોઠીવાળે રાતે જ રજા લીધી હતી. કુંદન ગીરી સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રાતે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(4:12 pm IST)