Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અંબાજીમાં નરેન્‍દ્રભાઇ દ્વારા ૪ હજાર આવાસોનું લોકાર્પણ : રાજકોટના ૨૭ ગામોમાં લાઇવ પ્રસારણ થશે

૩૦મીએ આરોગ્‍ય તપાસણી - વેકસીન કેમ્‍પ - વાનગી સ્‍પર્ધા : ૨૭ ગામોમાં ગોઠવાતી વ્‍યવસ્‍થા : તા. ૨૭ થી ૨૯ ‘સ્‍વચ્‍છતા હી સેવા' કાર્યક્રમ : આવાસ યોજનાવાળા ઘરો સુશોભિત કરાશે

રાજકોટ  તા. ૨૪ : આગામી તા. ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા રાજયના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦થી વધુ આવાસોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત થવા જઈ  રહ્યું  છે.  જે અન્‍વયે રાજકોટ જિલ્લામાં લાભાર્થી ૨૭ ગામોમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત  તા.  ૨૭ થી ૩૦ દરમ્‍યાન ‘‘સ્‍વચ્‍છતા હી સેવા'' કાર્યક્રમ યોજાશે. સ્‍વચ્‍છતા, આરોગ્‍ય, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યકમોના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને તાલુકા અધિકારીઓ સાથે વિડીયો કોન્‍ફ્રન્‍સ યોજાઈ હતી.  

આ કોન્‍ફ્રન્‍સમાં ડી.આર.ડી. એ. ડાયરેક્‍ટર આર.એસ. ઠુમરે કાર્યક્રમો અંગે રૂપરેખા  પુરી પાડતા જણાવ્‍યું હતું  કે,  તા. ૨૭  થી ૨૯ દરમ્‍યાન સ્‍વચ્‍છતા રેલી, સફાઈ  ઝુંબેશ, શાળા, પંચાયત ઘર,  આરોગ્‍ય કેન્‍દ્ર સહિતના સ્‍થળોએ  સફાઈ  તેમજ સુશોભન કરવામાં  આવશે. આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ ઘરોને સુશોભિત કરવામાં આવશે. ઘર પાસે રંગોળી, ડેકોરેશન કરવામાં આવશે. જયારે તા. ૩૦ મી ના રોજ આરોગ્‍ય તપાસણી, વેક્‍સિનેશન કેમ્‍પ, વાનગી સ્‍પર્ધા, પ્રાકૃતિક ખેતી વિષયક સંવાદ, રંગોળી, સુશોભન સહીતના કાર્યક્રમો હાથ ધરાશે.

તા. ૩૦ મી ના રોજ પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ ગ્રામજનો લાઈવ નિહાળી શકે તે માટે  તંત્ર  દ્વારા દરેક ગામમાં વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે.  જેમાં નગરજનો ઉપરાંત  તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ કાર્યકમોના સફળ આયોજન માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને  માર્ગદર્શન પૂરું  પાડ્‍યું હતું. આ બેઠકમાં આરોગ્‍ય, આર.એન્‍ડ.બી. ડી.આર.ડી.એ., આઈ.સી.ડી.એસ., આત્‍મા પ્રોજેક્‍ટ્‍સ સહિતના વિભાગના અધિકારીઓ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે  ઉપસ્‍થિત  રહ્યા હતાં.

(11:26 am IST)