Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

શહેરના ગેરેન્ટીવાળા ૨૫૪૬ ચો.મી. રસ્તાનું ધોવાણ : એજન્સીના ખર્ચે રીપેરીંગ

ભારે વરસાદને કારણે રસ્તાઓમાં થયેલ નુકસાન અંગે ૯૧૩ રસ્તાઓનો સર્વે પૂર્ણ : શહેરના વિવિધ વોર્ડમાં આશરે કુલ ૧૦,૦૮૯ ચો.મી. એરિયાનું રિપેરીંગ કરાયુ : બાકી રહેલા ૧૭૮૧ ચો.મી. જેટલા એરીયામાં સમારકામ ચાલુ

રાજકોટ તા. ૨૪ : શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓમાં થયેલ નુકસાન અંગે મ.ન.પા. દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ ૧૨,૦૦૦ ચો.મી. રસ્તાઓનું નુકસાન થયાનું ખુલ્યું હતું. તેમાં ગેરેન્ટીવાળા ૨૫૪૬ ચો.મી. રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. આ રસ્તાઓ એજન્સીના ખર્ચે રીપેર કરવામાં આવશે તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં ભારે વરસાદને પગલે જાહેર માર્ગોને થયેલ નુકસાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૮ વોર્ડમાં જાહેર રસ્તાઓ પરના કુલ મળીને ૧૧,૮૬૫ ચો.મી. એરિયામાં નુકસાન થયું હતું, જે પૈકી આશરે કુલ ૧૦,૦૮૯ ચો.મી. એરિયાનું મેટલ, મોરમ અને પેવિંગ બ્લોક વડે પેચ વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. જયારે બાકી રહેલા ૧૭૮૧ ચો.મી. જેટલા એરીયામાં સમારકામ ચાલુ છે અને આગામી થોડા દિવસોમાં જ કામ પૂર્ણ કરી લેવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદ બાદ શહેરના તમામ વોર્ડમાં જે રસ્તાઓમાં નુકસાન થયેલ છે તેમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના તારણો અનુસાર વેસ્ટ ઝોનમાં ૩૭૧ સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ, ઈસ્ટ ઝોનમાં ૨૦૭ સોસાયટી અને મુખ્ય રસ્તાઓ અને સેન્ટ્રલ ઝોનમાં ૩૩૫ સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓમાં કુલ ૨૫૪૬ ચો.મી. જેટલા એરીયામાં નુકસાન જોવા મળેલ છે. ડિફેકટ લાયેબિલિટી હેઠળ જે તે એજન્સી પાસે તેના ખર્ચે આ રસ્તાઓ રીપેર કરાવવામાં આવનાર છે. તેમજ હવે અન્ય રસ્તાઓ પર ડામર પેચવર્ક પણ હાથ ધરવામાં આવશે.

કયા ઝોનની કેટલી સોસાયટીમાં રસ્તાઓને નુકસાન

ઝોન       સોસાયટી

સેન્ટ્રલ       ૩૩૫

વેસ્ટ         ૩૭૧

ઇસ્ટ         ૨૦૭

(3:01 pm IST)