Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

દેશના પ્રત્યેક પ્રધાનમંત્રીઓના પ્રદાન સંદર્ભેના પ્રદર્શની સંકુલનું નિર્માણ પૂર્ણતાના આરે

નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ લાયબ્રેરીની મળી ગયેલ વાર્ષિક સભામાં વિગતો જાહેર : રાજકોટના ડો. કમલેશ જોશીપુરાની ઉપસ્થિતી

રાજકોટ : નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરી (NMML) સોસાયટીનાં પૂનર્ગઠન બાદ રક્ષામંત્રીશ્રી રાજનાથ સીંઘજીની ઉપસ્થિતિમાં મળેલી પ્રથમ બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો અને અમલમાં આવી રહેલ યોજનાઓની ઘોષણા કરવામાં આવી છે. દિલ્હી ખાતે બેઠકમાં ભાગ લઈ પરત આવેલ પ્રો.કમલેશ જોશીપુરા એ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નહેરૂ મેમોરીયલ, મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરીમાં થયેલી ઘોષણા મુજબ ભારતવર્ષની લોકતાંત્રિક વિરાસતની સર્વસુલભ જાણકારી અર્થે આ જ પરિસરમાં ભારતનાં અત્યાર સુધીનાં પ્રત્યેક પ્રધાનમંત્રીઓનાં સંદર્ભમાં પુરી વિગત મળી રહે તે હેતુ ૧૧,૪૭૦ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં અત્યાધુનિક દ્રશ્ય–શ્રાવ્ય માઘ્યમો અને ડીજીટલ ટેકનોલોજી સાથેનું મ્યુઝીયમ આકાર લઈ રહેલ છે અને અદ્દભૂત તથા અવિસ્મરણીય વૈશ્વીક અજાયબી સમાન પ્રેક્ષણીય સ્થાન દેશને મળશે. દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ર૦૧૬–૧૭નાં વર્ષમાં ભારતનાં પ્રત્યેક પ્રધાનમંત્રીઓને સમર્પિત સંગ્રાલયની સંકલ્પનાંને મુર્ત સ્વરૂપ દેવાની કરેલી ઘોષણા મુજબ વિશ્વની મહાન લોકશાહી એવા ભારત દેશમાં રાષ્ટ્રનિર્માણમાં પ્રત્યે પ્રધાનમંત્રીઓનાં યોગદાનને ગરિમાપૂર્ણ રીતે દર્શાવવા આ મ્યુઝીયમમાં પ્રત્યેક વિગત, હકીકત ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે નિદર્શિત કરાશે.   દેશનાં સંરક્ષણ પ્રધાન અને સોસાયટીનાં ઉપાઘ્યક્ષશ્રી રાજનાથસીંઘજીની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં સાંસ્કૃતિક મંત્રાલયનાં પ્રધાનશ્રી કિશન રેડ્ડી, માહિતી અને પ્રસારણમંત્રી શ્રી અનુરાગ ઠાકુર, વિદેશ રાજયમંત્રીશ્રી મુરલીધરન, ઈન્ડીયા ટી.વી.નાં શ્રી રજત શર્મા, એકઝીકયુટીવ કમીટીનાં વડાશ્રી નૃપેન્દ્ર મિશ્રા, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય કલા સંસ્થાનાં વડાશ્રી રામબહાદુર રાય, શ્રી સ્વપ્નદાસ ગુપ્તા, શ્રી પ્રસુન જોશી, સહિત મુર્ધન્ય વિચારકો અને ટોચનાં અગ્રણી એવા સભ્યો ઉપસ્થિત રહેલ. આકાર પામી રહેલ અને પૂર્ણતા નજીક પહોંચેલ આ અત્યાધુનીક સંકુલમાં ટેકનોલોજીનાં માઘ્યમથી ડીજીટલ પ્રદર્શન તૈયાર કરાશે. નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ લાયબ્રેરીનાં વાર્ષિક સભાશ્રી રાજનાથ સીંઘની ઉપસ્થિતિમાં મળી તે સમયની તસ્વીરમાં શ્રી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર, મુરલીધરન (કેન્દ્રીય પ્રધાનો), શ્રી નૃપેન્દ્ર મિશ્રા, શ્રી રજત શર્મા તથા રામબહાદુરરાય વગેરે નજરે પડે છે. ગુજરાતનાં પ્રો.કમલેશ જોશીપુરાએ શ્રી રાજનાથ સીંઘનું ખેસ પહેરાવી સ્વાગત કરેલ. તસ્વીરમાંશ્રી કિશોર મકવાણા, પ્રિ. રીઝવાન કાદરી પણ નજરે પડે છે. 

(2:51 pm IST)