Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલની તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર સુધીની આગાહી

આ મહિનાના અંત સુધી રાજયમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે

આગાહી સમય દરમિયાન સવા ઈંચથી ૩ ઈંચ સુધી તેમજ વધુ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૫ ઈંચથી વધુ ખાબકી જાય : દરરોજ ૫૦% તાલુકાઓમાં વરસાદની સંભાવના : રાજસ્થાનમાં ચોમાસાની વિદાયના સંકેત નથી

રાજકોટ, તા. ૨૪ : આ મહિનો એટલે કે સપ્ટેમ્બરના આખરના દિવસો સુધી સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. સવા ઈંચથી માંડી ૫ ઈંચ કે તેનાથી વધુ વરસાદ વરસી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે આ વર્ષે દેશ લેવલે તેમજ ગુજરાત લેવલે વરસાદની ઘટ્ટ ચાલુ હતી જે સપ્ટેમ્બર મહિનામાં વરસાદી ઘટ્ટ ફકત ૨% જ રહી છે. ગુજરાત લેવલે ૧૪%ની ઘટ્ટ છે. સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનમાં ૪%નો વધારો થયો છે. તેમ છતાં ગુજરાત રીજન હજુ પણ ૧૪% ઘટ્ટમાં ઉભુ રહેલ છે તેમાં ગુજરાત રીજનના ૩૫ થી ૩૮% જીલ્લા ઘટ્ટવાળા છે. (ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, અરવલ્લી, વડોદરા અને તાપી) જયારે સૌરાષ્ટ્ર - કચ્છમાં ફકત સુરેન્દ્રનગર જીલ્લામાં ૩૫% ઘટ્ટ છે.

ચોમાસુધરી હાલ નોર્મલથી દક્ષિણ તરફ છે. જે આવતા પાંચ દિવસ નોર્મલથી દક્ષિણે જ રહેશે. ચોમાસુધરી જેસલમેર,  અજમેર, દલોતગંજ, જમશેદપુર અને દિગા અને ત્યાંથી નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી તરફ રાજસ્થાન તરફ જે અપરએર સાયકલોનીક સરકયુલેશન હતું જે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચ્યુ હતું અને આજે સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં ૪.૫ કિ.મી.ના લેવલમાં છે.

નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી તરફ એક ૫.૮ કિ.મી.ના લેવલ સુધીનું અપરએર સાયકલોનીક સરકયુલેશન હતું જે આજે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે તે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. આવતા બે દિવસ આ સિસ્ટમ્સ ઓડીશાના દરિયા કિનારે ગતિ કરશે.

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન જે ગઈકાલે દક્ષિણ છત્તીસગઢ ઉપર હતું તે હવે નોર્થ ઈસ્ટ એમ.પી. ઉપર છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૪ થી ૩૦ (શુક્રથી ગુરૃ) સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વરસાદી માહોલ આ મહિનાના અંત સુધી જળવાઈ રહેશે. આગાહી સમય દરમિયાન સમગ્ર રાજયના મોટાભાગોમાં વરસાદની માત્રા ૩૫ મી.મી. થી ૭૫ મી.મી. તેમજ વધુ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૨૫ મી.મી.થી વધુ રહેશે. આગાહી સમયના છેલ્લા દિવસોમાં પણ વરસાદનું જોર વધશે.

આગોતરૃ એંધાણ

ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળની ખાડી સક્રિય રહેશે.

(2:45 pm IST)