Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજકોટમાં સાંજે જેના અપહરણની ફરિયાદ નોંધાઇ તે ધોરણ-૯નો છાત્ર રાત્રે જામનગરથી મળી આવ્યો

માધાપર ચોકડી નજીક રહેતો ટેણીયો દસ દિવસથી સ્કૂલે ન ગયો હોઇ પિતાને સ્કૂલમાંથી ફોન આવતાં પિતા ખીજાશે એવા ભયથી બસમાં બેસી પહેલા અમદાવાદ ગયો, ફરી રાજકોટ આવી માધાપર ચોકડીથી ઇકો કારમાં બેસી જામનગર જતો રહ્યો હતો : ભાડાના પુરતા પૈસા ન હોઇ ઇકો ચાલકને શંકા ઉપજતાં તેણે જામનગર પોલીસને જાણ કરી સોંપી દીધોઃ યુનિવર્સિટી પોલીસે કબ્જો લીધો

રાજકોટ તા. ૨૪: માધાપર ચોકડી નજીક રહેતો અને ધોરણ-૯માં ભણતો છાત્ર બુધવારે ટ્યુશનમાંથી છુટ્યા બાદ ગૂમ થતાં યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ ટેણીયો ગત મોડી રાતે જામનગર પોલીસ સ્ટેશનમાં હેમખેમ હોવાનું ખુલતાં તેને રાજકોટ લાવવામાં આવ્યો છે. દસ દિવસથી શાળાએ ગયો ન હોઇ પિતા ઠપકો આપશે તેવો ભય લાગતાં તે ભાગી નીકળ્યાનું ખુલ્યું હતું.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ ગોકુલ મથુરા ફલેટ નજીક રહેતાં અને નવાગામ ખાતે ગોડાઉનમાં નોકરી કરતાં દેવેન્દ્રભાઇ (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી  તેના ૧૩ વર્ષ અને ૯ માસની વય ધરાવતાં પુત્રનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરી જવા અંગે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દેવેન્દ્રભાઇએ પોલીસને જણાવ્યું હતું કે મારો દિકરો રૈયા રોડ પરની સ્કૂલમાં ધોરણ-૯માં ભણે છે. બુધવારે ૨૨મીએ હું સવારે સાડા અગિયારેક વાગ્યે મારી નોકરી પર હતો. ત્યારે સ્કૂલેથી ફોન આવ્યો હતો કે તમારો દિકરો છેલ્લા દસ દિવસથી શાળો આવતો નથી. આથી મેં મારા પત્નિને કહેલું કે સ્કૂલેથી ફોન આવ્યો છે તું દિકરાને લઇને સ્કૂલે જા. જેથી મારા પત્નિ તેને લઇને સ્કૂલે ગયા હતાં.

એ પછી બંને પરત ઘરે આવી ગયા હતાં. પત્નિએ મને કહ્યું હતું કે આપણો દિકરો પોતાને ભણવું ગમતું નથી તેમ કહે છે અને એટલે સ્કૂલે જતો નથી. મેં તેને કહેલું કે સાંજે હું આવીને તેને સમજાવીશ. એ પછી સાંજે આઠેક વાગ્યે હુ઼ ઘરે આવ્યો ત્યારે પુત્ર જોવા મળ્યો નહોતો. મારા પત્નિને પુછતાં  તેણે કહેલું કે તે બપોરે ત્રણ વાગ્યે ટ્યુશનમાં જવાનું કહીને ગયો છે. હોમવર્ક વધુ હશે એટલે રોકાયો હતો.

સાડા આઠ સુધી રાહ જોવા છતાં દિકરો ન આવતાં ટ્યુશન શિક્ષકને ફોન કરતાં તેણે કહેલું કે તે ટ્યુશન પુરૂ કરી સાંજે પાંચ વાગ્યે નીકળી ગયો છે. આથી અમે તેની શોધખોળ શરૂ કરી હતી. પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. પીઆઇ એ. એસ. ચાવડા, એએસઆઇ અજયસિંહ ચુડાસમા, લક્ષમણભાઇ મકવાણા અને ટીમે સગીર ગૂમ થવાના કિસ્સામાં તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન ગત મોડી રાતે આ ટાબરીયો જામનગર પોલીસ સ્ટેશનમાં હોવાની જાણ થતાં રાજકોટથી વાલી અને યુનિવર્સિટી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. આ છાત્રને ઠપકો મળવાનો ભય હોઇ તે બુધવારે રાજકોટથી સાંજે સવા પાંચેક વાગ્યે બસમાં બેસી અમદવાદ જતો રહ્યો હતો. એ પછી ગત રાતે ફરી રાજકોટ આવ્યો હતો અને માધાપર ચોકડીએ ગયો હતો અને ત્યાંથી ઇકો કારમાં બેસી જામનગર જતો રહ્યો હતો. પરંતુ ત્યાં મોડી રાતે પહોંચ્યા પછી તેની પાસે ભાડાના પૈસા ખુટતા હોઇ ઇકોના ડ્રાઇવરને શંકા ઉપજતાં તેણે પોલીસને સોંપ્યો હતો. પોલીસ પુછતાછમાં ટેણીયાએ પોતે રાજકોટથી ભાગીને આવ્યાનું કહેતાં જામનગર પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી હતી.

(11:27 am IST)