Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભગવતીપરામાં બનશે અફલાતુન શાળા

કાલે મળનાર મ.ન.પા.ની સ્ટેન્ડીંગમાં દરખાસ્ત : ૧૯.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શાળામાં રમત-ગમતના મેદાન, કેન્ટીન, ચિલ્ડ્રન ટોય રૂમ ૧૪ કલાસ રૂમ સહિતની સુવિધાઃ કાલે સ્ટેન્ડીંગમાં મંજુરીની મ્હોર લાગશે

રાજકોટ, તા.ર૪ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં ર૬ર૦૧ ચો.મી. જગ્યામાં રૂ. ૧૯.૩૮ કરોડના ખર્ચે નવી શાળા બનાવવાની કામગીરી હાથ ધવરામાં આવનાર છે.

આ અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગમાં નિર્ણય શાળામાં ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪ કલાસ રૂમ, બે સ્ટાફ રૂમ, ર એકટીવીટી રૂમ, એક કાઉન્સેલિંગ રૂમ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા પ્રથમ માળે ૧૬ કલાક રૂમ, ૩ કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, એક ઇ-લાઇબ્રેરી, એક મીટીંગ હોલ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કેન્ટીન, આઉટડોર સીટીંગ, ચિલ્ડ્રન ટોય રૂમ પ્લે ગ્રાઉન્ડ, એક એથ્લેટિક ટ્રેક, ફુટબોલ ગ્રાન્ડ, વોલીબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાવેસ્ટિંગ સીસ્ટમ, ગાર્ડન, જરૂરી પાર્કીંગ, ઇલેકટ્રીક ફીકચર્સ તેમજ સિકયરોીટી રૂમની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. સ્માર્ટઘર પ+૬ આવાસ યોજનાના ર૧ર૮ આવાસો ઉપરાંત ભગવતીપરામાં હાલમાં જ મંજુર થયેલ આશરે ર૦૦૦ જેટલા પ્રાઇવેટ એફોર્ડેબલ આવાસોનું ડેવલોપમેન્ટ ધ્યાને લેતા તેમજ આ વિસ્તારમાં સરકારી શાળા ન હોવાથી શાળા બનાવી જરૂરી જણાય છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં રમત-ગમ્મત માટે પૂરતા પ્રમાણમાં મેદાનો ઉપલબ્ધ નથી તેથી ભગવતીપરાની આ નવી બનનાર શાળામાં રમત-ગમ્મત બાબતે વિશેષથી સુવિધાઓ આપવા માટે પ્લાનિંગ કરેલ છે અને રાજય સરકારના વખતોવખતના ખેલ મહાકુંભ અને અન્ય રમત-ગમ્મતને લગતા કાર્યક્રમો માટે એક સુવિધા ઉપલબ્ધ થશે. આ શાળા બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવતા કુલ ૯ એજન્સીએ રસ દાખવ્યો હતો. જેમાં અવધ કન્સ્ટ્રકશન કુ.એ ૧૬.૦ર ટકા ઓછા ભાવ ભર્યો છે.

(4:18 pm IST)