Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગર્લ્સ હોસ્ટેલની કોવિડ હોસ્પિટલમાં સંક્રમિતોની સ્વજનોની માફક દેખભાળ રાખે છે ૪૦ પરિચરો

રાજકોટ, તા. ર૪: કોરોના વાયરસથી સંક્રમિત અનેક દર્દીઓ હરવાં-ફરવાં માટે અશકત હોય છે ત્યારે તેમની જમવાની, પથારી વ્યવસ્થિત કરવાની, શૌચાલય સહિતની દૈનિક ક્રિયાઓ માટે એક પરિવારના સ્વજનની જેમ, રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં ૪૦ જેટલા પરિચર એટલે કે, અટેંડન્ટ દેખભાળ રાખી રહ્યા છે. ઉપરાંત જેટલા ૨૪ જેટલા સફાઈ કામદાર પણ કોવિડ વોર્ડને સ્વચ્છ-સુદ્યડ રાખી રહ્યા છે.

અટેંડન્ટ અને સ્વીપિંગના સુપરવાઈઝર જોસાઈ જસ્મીત કહે છે કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારસંભાળ એક દીકરાની જેમ અહીંના એટેન્ડન્ટ રાખી રહ્યા છે. તેમની દૈનિક ક્રિયાઓથી માંડીને જમવા સહિતની જરૂરી તમામ કાળજી લેવામા આવી રહી છે. ઉપરાંત દર્દીઓને તેમના સગા-સંબંધીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા વાત કરાવી આપવામાં આવે છે. આ માટે અહિંયા ચાર માળ અને આઠ વીંગમાં સેવા આપવા માટે ૪૦ પરિચર અને ૨૪ સફાઈ કામદાર કામ કરી રહ્યા છે. દર્દીઓને યોગ્ય સેવાની સાથે સફાઈનુ ઉંચુ સ્તર જળવાઈ રહે તેના પર પૂરતુ ધ્યાન આપવામા આવે છે. તેમજ આ તમામ કર્મયોગીની ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા પણ અહીયા જ કરવામાં આવી છે. સાથે જ તેઓ સંક્રમણરહિત રહે તે માટે પુરતી તકેદારી રાખવામા આવી રહી છે.

હાઉસ કિપીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવનાબેન સોની કહે છે કે, દર્દીઓની દેખભાળ રાખવા અને કોવિડ હોસ્પિટલમા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પુરતી તકેદારી રાખવાની સાથે સતત મોનીટરીંગ કરવામા આવે છે.

(1:55 pm IST)