Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમૃતા સોસાયટીમાં જ્યોત્સનાબેનના ઘરમાંથી ૧ લાખના દાગીનાની ચોરીઃ શકદારની પુછતાછ

ફરિયાદી મહિલાની દિકરીએ જેને ભાઇ બનાવ્યો છે એ રાહુલ સાથે આવતાં તેના મિત્ર સાહિલ પર શંકા દર્શાવાઇ

રાજકોટ તા. ૨૪: દોઢસો ફુટ રીંગ રોડ પર અમૃતા સોસાયટીમાં રહેતાં પરિવારના ઘરમાંથી એક લાખના સોનાના દાગીના ચોરાઇ જતાં અને શકદાર તરીકે આ પરિવારની દિકરીએ જેને ભાઇ બનાવ્યો છે તેના મિત્રનું નામ અપાતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે પોલીસે ૧૫૦ રીંગ રોડ અમૃતા સોસાયટી કૈલાસધારા પાર્ક-૦૨માં એબીસી કલાસીસ પાસે રહેતાં જ્યોત્સનાબેન રાજેશભાઇ ભાયાણી (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી શકદાર સાહિલ તન્ના સામે આઇપીસી૪૫૪, ૩૮૦ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે.

જ્યોત્સનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ બજર-તમાકુનો વેપાર કરે છે. સંતાનમાં મારે એક દિકરી છે. દિકરીએ તેની બહેનપણી કશિષના ભાઇ રાહુલને ધર્મનો ભાઇ બનાવ્યો છે. આ કારણે સાહિલ અવાર-નવાર અમારી ઘરે આવતો-જતો રહે છે. તેમજ રાહુલ સાથે તેનો મિત્ર સાહિલ પણ અમારી ઘરે આવે-જાય છે. ૨૧/૯ના રોજ બપોરે બાથી દોઢ વચ્ચે હું ઘરના કામમાં વ્યસ્ત હતી. અને મારી દિકરી ન્હાવા માટે ગઇ હતી. આ વખતે  રાહુલનો મિત્ર સાહિલ આવ્યો હતો. આથી મેં તેને રૂમમાં બેસાડ્યો હતો. પરંતુ બાદમાં તે જતો રહ્યો હતો.

દિકરી નહાઇને આવતાં મેં તેને સાહિલ આવ્યો હોવાનું કહ્યું હતું. એ પછી દિકરી પોતાના રૂમમાં તૈયાર થવા જતાં ટીવીના નીચેના ભાગે કાચ વગરના નાના કબાટમાં રાખેલા સોનાના દાગીના બ્રેસલેટ, ચેઇન, બુટી, વીંટીઓ સહિત ૧ લાખના દાગીના જોવા મળ્યા નહોતાં. જેથી દિકરીએ મને પુછેલુ કે મેં આ દાગીના બીજે કયાંય રાખ્યા છે કે કેમ? પરંતુ મેં દાગીના કયાંય રાખ્યા ન હોવાનું કહ્યું હતું. એ દરમિયાન કામવાળા બહેન લક્ષ્મીબેન આવતાં તેણે વાત કરી હતી કે ટીવી પાસે રાહુલ સાથે આવે છે એ છોકરો ઉભો હતો. આથી મારી દિકરીએ સાહિલને ફોન કરી દાગીનાની ચોરી બાબતે વાત કરતાં તેણે સરખી રીતે વાત કરી નહોતી. ઉલ્ટાનો તમારી કામવાળીએ લઇ લીધા હશે...તેવું કહ્યું હતું.

સાહિલના આવા વર્તનથી તેને શકદાર ગણી ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ અને સ્ટાફે શકદારને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

(12:58 pm IST)