Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.નો શનિવારે ૫૦મો જન્મોત્સવ : પરમોત્સવ

તા. ૨૬ના ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે : જુનાગઢ, નેમધામમાં ચાતુર્માસ વ્યતિત કરી રહ્યા છે : ૫૦ વર્ષની ઉંમર, ૩૦ વર્ષનાં સંયમ પર્યાયમાં ૩૭ આત્માઓને સંયમના દાન આપ્યા : કોરોનામાં મુંબઈ પાવનધામ અને પારસધામને કોવીદ સેન્ટર ઘોષિત કરી અઢારે આલમને અભેદ ભાવે શાતા આપવાનું ઉમદા કાર્ય કર્યું : સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર,દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ,પાવાપુરી સહિત ભારતના અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનનો જબરદસ્ત પ્રચાર - પ્રસાર કર્યો

રાજકોટ તા. ૨૪ : જિનવાણીનો રણકાર સતત થતો હોય,તા....દેવ, તા દેવ દિજ્જં બોહિના ગગનભેદી નાદ સંભળાતા હોય, સાડા ત્રણ કરોડ રોમ રાય ઝંકૃત થતાં હોય,ઘેઘુર અને મીઠો મધુરો અવાજ આવતો હોય તો સમજી લેવું કે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે.છેલ્લા થોડા દાયકાઓથી માત્ર મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સૌ - રાષ્ટ્રમાં વસતા ભાવિકોને ભાવિત અને પ્રભાવિત કર્યા છે. એટલે જ અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજય ભાવચંદ્રજી સ્વામી કહે છે કે પૂ.નમ્રમુનિ મ.સા.ગોંડલ સંપ્રદાય જ નહીં પરંતુ જિન શાસનનું ગૌરવ છે.ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની જેઓને અનન્ય કૃપા પ્રાપ્ત થયેલી છે તેવા પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.નો ૫૦ મો જન્મોત્સવ પરમોત્સવ ત્રિદિવસીય તા.૨૫,૨૬ અને ૨૭ સપ્ટેમ્બરમાં ઉજવાશે, ત્યારે ચાલો તેઓના જીવન વિશે થોડું જાણીએ..

પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે ૩૭ - ૩૭ આત્માઓને સંયમ માર્ગની પ્રેરણા કરી દીક્ષા દાનેશ્વરીનું બિરુદ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે,અને હા..હજુ તો આ તેઓની શરૂઆત છે.તેઓ શાંત પણ બોલકી ક્રાંતિ સર્જે છે.પૂ.ગુરુદેવની કલ્પના શકિત પણ અદભૂત છે.તેઓ બહુ દુરનું વિચારી અને તેના પરીણામો જોઈ અને મેળવી શકે છે,એટલે જ સૌ પૂ.નમ્ર મુનિજીને દુરંદેશી કહે છે.

શ્રમણ સંઘના આચાર્ય ભગવંત પૂ.શિવમુનિજી કહે છે કે દરેક સંયમી આત્માઓને સંયમ માર્ગમાં સહાયક બનવાનો પૂ.નમ્રમુનિ મ.સા.નો સ્વભાવ સાધુવાદને પાત્ર છે. બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ સ્વ. પૂ.અમીગુરુ કહેતા કે પૂ.નમ્રમુનિ સદાય આંતરખોજમાં જ ડૂબેલા રહે છે.પૂ.ગુરુદેવના સંયમી માતુશ્રી પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.કહે છે કે 'મહાવીર' નાનપણ અને બાળપણથી જ નિરાલા હતાં. પૂ.વીરમતિબાઈ મ.સ.ના મુખમાંથી 'મહાવીર'  નામનો રણકાર કાને અથડાયો અને સફાળા થઈ તેઓ જાગી ગયા અને મહાવીરમાથી પૂ.નમ્રમુનિ મ.સાહેબ નામ ધારણ કરી જબરદસ્ત કાર્ય કરી જિન શાસનનો ડંકો વગાડી રહ્યાં છે.પૂ.ગુરુદેવે જૈન શા સ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો છે.અનેકાંતવાદ ખૂબ સુંદર રીતે સરળ શૈલીમાં સમજાવે છે.તેઓ કહે છે કે કોઈ પણ વ્યકિત પ્રત્યે પૂર્વગ્રહ બાંધવો નહીં. હજારો ખૂન કરનાર અર્જૂન માળી,મૂનિ બનીને પ્રભુ મહાવીર પહેલા મોક્ષે પહોંચી જાય છે.પ્રભુ નેમનાથ પહેલાં રાજુલ સિદ્ઘ અવસ્થા પ્રાપ્ત કરી લે છે.

પૂ.ગુરુદેવ યુવા હ્રદયનાં સમ્રાટ છે,તો બાળકોના પણ લાડીલા છે તેથી જ તો હજારો બાળકો દેશ - વિદેશમાં લુક એન લર્ન જૈન જ્ઞાન ધામમાં જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવી રહ્યાં છે. તુષારભાઈ મહેતા કહે છે કે પૂ.ગુરુદેવની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપના હજારો યુવાનો નકકર પરિણામો સાથે સેવા ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવે નાની ઉંમરમાં બહુ મોટા સદ્દકાર્યો કરી જિન શાસનની આન - બાનને શાન વધારી રહ્યાં છે. રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠે કહ્યું કે પૂ.ગુરુદેવે સેવા ક્ષેત્રે નવી ઓળખ પ્રદાન કરી છે.તેઓ બીબાઢાળથી ઉપર ઉઠીને અલગ વાત કરે છે જે દરેક માટે લાભદાયી હોય છે. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે પૂ.નમ્રમુનિ મ.સા.ને એક જ વખત મળનારને કે તેઓની સાથે થોડી વાતચીત કરનારને એક વાત તરત સમજાય જાય છે કે આ સંતમાં કશુંક જબરૂ તત્વ અને ચુંબકીય તાકાત છે.જે તેઓની બુદ્ઘિમાથી અથવા તો કોઈ અલૌકિક કૃપાથી તેઓના આંતરિક માળખામાંથી ઝરે છે.

અજરામર સંપ્રદાયના છબીલભાઈ શેઠ તથા ભરતભાઈ ડેલીવાળાએ જણાવ્યું કે રાજકોટ દીક્ષા સમયે મુમુક્ષુના માથે કમાન પડી ત્યારે સૌ ચિંતીત હતા કે હવે શું થશે ?

એ ક્ષણે પૂ.ગુરુદેવે અભૂતપૂર્વ ધૈયતાનો પરિચય કરાવી ચતુર્વિધ સંઘને હિંમત, હૂંફ આપી સંયમ મહોત્સવ સાંગોપાંગ પાર પાડી જિન શાસનમાં ઈતિહાસ સર્જયો જે સદા સૌના સ્મરણમાં રહેશે.પૂજય ગુરુદેવ વિપરીત સમય અને સંજોગોમાં કર્મોનો સ્વીકાર કરી કૂનેહથી કામ પાર પાડવાની તેઓની કોઠાસૂઝ સૌને માટે અનુકરણીય છે.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમાજના બહોળા હિતમાં કાંઈક નવું કરશે અને સરળતાથી કરી શકશે એવી ભાવિકોને અપાર શ્રદ્ઘા છે. પૂ.ગુરુદેવે લિજ્જત અને ઈજ્જતથી સાત સમદંર પાર પણ જિન શાસનનું નામ ઉજ્જવળ કર્યું છે.તેઓની શુભ પ્રેરણાથી વિદેશોમાં પણ અનેક માનવતાના,સેવા સહિત જ્ઞાન યજ્ઞ સુંદર ચાલી રહ્યાં છે. ગુરુ ભકતો કહે છે કે પૂ.ગુરુદેવમાં અમોએ જોયું છે કે તેઓશ્રી જે છે એને સ્વીકારવા કરતાં વધુ સારૂ શું થઈ શકે છે એના ઉપર વિચાર કરી પરિણામ મેળવી કમાલ કરે છે.તેઓ એકની એક બાબત કયારેય રિપીટ કરતાં નથી.પૂ.ગુરુદેવે જિન શાસન માટે સતત અને સખત પુરુષાર્થ કરી પોતાની આગવી અને અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી છે.જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્ય કમલેશભાઈ શાહ તથા રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું કે પૂ.ગુરુદેવના મુખમાથી નીકળતી અલૌકિક વાણી સાંભળતા જ પ્રતિતી થયા વગર રહે નહીં કે આ કોઈ સામાન્ય વાણી નથી પરંતુ અનુભૂતિના ઊંડાણમાંથી નીકળેલી વાણી છે.પૂ.નમ્ર મુનિ મ.સા.નું જ્ઞાન અજોડ છે.ભૂગોળ હોય કે ખગોળ,શિલ્પ શા સ્ત્રની વાત હોય કે અર્થ શા સ્ત્રની,રોગ વિશે પૂછો કે યોગ વિશે,સાહિત્યની વાત હોય કે સમાજની બાબત દરેક વિષયો ઉપર આગમ આધારિત જિજ્ઞાસુઓને સંતોષકારક પ્રત્યુત્ત્।ર આપે છે.તેઓએ પ્રુવ કરી બતાવ્યું છે કે સફળતા માટે સૂઝબૂઝ,સંકલ્પ સાથે સંકલન પણ યોગ્ય જોઈએ.તેઓ કહે છે આપણે પ્રસન્ન હોઈએ તો આપોઆપ આસપાસ પ્રસન્નતા ફેલાયા વગર રહે નહીં.તેઓ વારંવાર કહે છે કે કવોલીટી વર્ક કરવાથી સરવાળે, ગુણાકાર થાય છે.કોઈ પણ નવો વિચાર હોય,નવું સાહસ હોય તો સફળતા અને કાર્ય સંપન્નતા મેળવવા થોડા મુશ્કેલ જરુર હોય છે પણ અશકય તો નથી જ જે પૂ.ગુરુદેવે અનેકવાર સાબિત કરી બતાવ્યું છે.પરમધામ પડઘા દીક્ષા સ્થળ પસંદ કરતી વખતે અનેક સૂચનો આવતા કે ગુરુદેવ આ જંગલમાં આટલું વિરાટ કાર્ય કેમ થશે ? પૂ.ગુરુદેવે તા.૪/૨/૧૮ ના સફળતાપૂર્વક ઐતિહાસિક સંયમ મહોત્સવ કરી જંગલમાં ખરેખર મહા મંગલ કાર્ય કરી બતાવ્યું.પૂ.ગુરુદેવ અન્યથી અનન્ય છે.તેઓની કોઠાસૂઝ અને કૂનેહ અજીબ છે.

તેઓને તપ સમ્રાટની અનન્ય કૃપા મળી અને ફળી છે.શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને તેઓએ આત્મસાત્ કરેલ છે.પૂ.ગુરુદેવના શ્રીમુખેથી આ સ્તોત્રના દિવ્ય જાપ સાંભળવા તે એક જીવનનો લ્હાવો છે. કોરોનાના સમયમાં પરમોત્સવ અવસરે પૂ.ગુરુદેવનો પ્રત્યક્ષ લાભ નહીં મળે તેનો ભાવિકોને રંજ છે. માત્ર ઉવસગ્ગહરં સ્તોત્ર જ નહીં પરંતુ પૂ.ગુરુદેવ શ્રી નવકાર મહા મંત્રની અપૂર્વ અને અજોડ જપ સાધના કરાવે છે.રત્નાકર પચ્ચીસી હોય,સાધુ વંદના હોય કે પુચ્છિસૂણં વગેરે ઉપર એક - એક પદ અને ગાથાનો તેઓ સરળ શૈલીમાં જે છણાવટ કરે છે તે અદભૂત હોય છે.

પૂ.નમ્ર મુનિ મ.સા.માં કંઈક નવું અને પોઝીટીવ કરવાની આભા ખરેખર નોખી - અનોખી છે.

મુંબઈના મંદાબેન શેઠ,રાજકોટના જયશ્રીબેન શાહ,યોગનાબેન મહેતા,અમીબેન દોશી વગેરે મહિલા અગ્રણીઓ કહે છે કે ગુરુદેવ,સમાજને જે જોઈએ છે એ પીરસે છે.તેઓમાં જક્કી પણું નથી,પરંતુ તેઓમાં સરળતા ભારોભાર નીતરે છે.તેઓને જિન શાસન પ્રત્યે દાઝ છે.ચતુર્વિધ સંઘની સેવા કાજે સૌને સદા તત્પર રહેવા સદ્દબોધ આપે છે.

પૂ.ગુરુદેવ પણ કહે છે,સરળતા છે ત્યાં જ ધર્મનો વાસ છે. બીજાને જે શ્રેષ્ઠ ગણે છે તે સર્વ શ્રેષ્ઠ બને છે. પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.જયાં - જયાં પધારી પ્રભુ બોધ આપ્યો તે ભૂમિ,તે ક્ષેત્ર સમય જતાં પારસધામ,પાવન ધામ,પરમધામ તરીકે સુવિખ્યાત બન્યાં.

સંકલન : મનોજ ડેલીવાળા - મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

પૂ.ગુરૂદેવની શુભ પ્રેરણાથી નિર્માણ પામેલ ધાર્મિક સંકુલો

ઉવસગહરં સાધના ભવન - રાજકોટ

પારસધામ - ઘાટકોપર મુંબઈ

પાવનધામ - કાંદિવલી મુંબઈ

પારસધામ - કોલકત્તા

પરમધામ - પડઘા મહારાષ્ટ્ર

પારસધામ - વડોદરા

પારસધામ - જામનગર

પારસધામ - અમદાવાદ

(11:44 am IST)
  • બુમ બુમ બુમરાહ :બુમરાહે ગઈકાલે તેની પહેલી ૩ ઓવરમાં ફકત પાંચ રન આપીને રસેલ અને મોર્ગન જેવી મોટી વિકેટ આપી હતી. જો કે તેની ચોથી ઓવરમાં કમીન્સે ચાર સિકસર સાથે ૨૭ રન ઝૂડી કાઢ્યા હતા. access_time 2:51 pm IST

  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST