Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બાયોડિઝલ પંપના સંચાલક શાબીર જૂણેજાની ધરપકડઃ ભાવનગરથી લાવતો હોવાનું રટણ

એસઓજીએ અગાઉ સોખડા પાટીયે એકતા એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતોઃ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૨૪: એસઓજીએ કુવાડવા રોડ પર સોખડાના પાટીયે ચાંદની હોટેલની બાજુમાં એકતા એન્ટરપ્રાઇઝ ગેરકાયદે ધમધમતાં બાયો ડિઝલ પંપ પર થોડા દિવસો પહેલા દરોડો પાડ્યો હતો. આ મામલે પંપના સંચાલક શાબીર આદમભાઇ જૂણેજા (ઉ.વ.૩૩-રહે. માલિયાસણ)ની સામે આવશ્યક ચીજવસ્તુધારા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વાહનોમાં ઇંધણના નામે ગેરકાયદેસર રીતે પુરી આપવામાં આવતું બાયો ડિઝલ પોતે ભાવનગર તરફથી લાવતો હોવાનું રટણ કરતાં સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજયભાઇ શુકલા અને રણછોડભાઇ આલ વધુ તપાસ કરે છે. એસઓજીએ અગાઉ આવા બે પંપ પર દરોડા પાડ્યા હતાં અને કાર્યવાહી કરી  પુરવઠા તંત્રને જાણ કરી હતી. પરંતુ પુરવઠા તંત્ર તરફથી હજુ પણ કોઇ કાર્યવાહી થઇ નથી.

પોલીસે એકતા એન્ટરપ્રાઇઝમાંથી ૨૫૦૦ લિટર જ્વલંતશીલ પ્રવાહી રૂ. ૧,૩૭,૫૦૦નું, બે ફયુઅલ પંપ ૧ લાખના અને રૂ. ૨૩૮૦૪ રોકડા કબ્જે કર્યા હતાં. સંચાલક શાબીર આ પ્રવાહી ભાવનગર તરફથી લાવતો હોવાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:41 am IST)