Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે રામચરિત માનસ નવાહ પાઠ અને નવરાત્રી મહોત્સવનું આયોજન

રાજકોટ, તા. ૨૪ :. શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસોસુદ-૧થી આસોસુદ-૯ સુધી, તા. ૨૯થી તા. ૭ ઓકટો. સુધી શ્રીરામ ચરિત માનસજીના નવાહ પાઠનું આયોજન નીજ મંદિર હોલ, શ્રી સદ્ગુરૂ આશ્રમ ખાતે કરવામાં આવેલ છે.

વિશ્વ શાંતિ તથા વિશ્વ કલ્યાણ અર્થે આયોજીત આ ધાર્મિક કાર્યક્રમોમાં તા. ૨૯ના રવિવારે શ્રી રામનવાહપાઠનો પ્રારંભ તા. ૩૦ના શ્રીરામ જન્મોત્સવ સવારે ૧૦.૧૫ વાગ્યે, તા. ૧ના મંગળવારે શ્રી રામવિવાહ, સવારે ૧૧.૧૫ કલાકે, તા. ૭ના સોમવારે શ્રી રામ રાજ્યાભિષેક સવારે ૮.૪૫ કલાકે થશે.

વ્યાસપીઠ ઉપર સુવિખ્યાત, વિદ્વાન રામાયણી પૂ. શ્રી શ્યામસુંદરદાસજી મહારાજશ્રી સુમધુર વાણી સાથે શ્રી રામાયણજીના નવાહપાઠનું સંગીતમયી શૈલીમાં રસપાન કરાવશે.

આ પ્રસંગે પ.પૂ. શ્રી હરિચરણદાસજી મહારાજશ્રી નવ દિવસ સુધી પાઠ તથા પ્રવચનમાં ઉપસ્થિત રહી આશિર્વાદ આપશે તથા શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ શ્રી રામ ચરિત માનસજી ઉપર તેમની સુમધુરવાણીમાં તા. ૨૯ થી તા. ૭ સુધી સાંજે ૬ થી ૭ સુધી પ્રવચન આપશે.

તા. ૧ના મંગળવારે શ્રી રામસ્તવનરાજના પાઠ પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ બતાવેલ સંપટ સાથે કરવામાં આવશે તેનો સમય ૪ થી ૬ કલાક સુધી રહેશે.

તા. ૮ના વિજયાદશમીના (દશેરા) નિમિતે પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની પ્રેરણા તથા આશિર્વાદથી ૨૪ કલાક શ્રી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી લઘુરામ યજ્ઞ તા. ૭ના સોમવાર આસોસુદ ૯ના રાખેલ છે. યજ્ઞ પ્રારંભ સવારે ૯ કલાકે અને પૂર્ણાહુતી બપોરે ૧.૩૦ કલાકે થશે.

સદ્ગુરૂ આશ્રમના પ્રાંગણમાં નવરાત્રિ મહોત્સવનું મંગલ આયોજન થયુ છે. શ્રી અંબા માતાજીનું સ્થાપન / કળશ પૂજન સવારે ૭ કલાકે, તા. ૨૯ના રવિવારે થશે. શ્રી અંબાજી માતાજીનું નિત્ય પૂજન સવારે ૭ કલાકે, નિત્ય આરતી સવારે ૬.૩૦ કલાકે, નિત્ય સંધ્યા આરતી સાંજે ૮ કલાકે, ગરબા ગાવાનો સમય રાત્રે ૮.૩૦ તી ૯.૩૦ રહેશે. શ્રી અંબા માતાજીના યજ્ઞ પ્રારંભ તા. ૬ના રવિવારે હવન અષ્ટમીના દિવસે સવારે ૮ કલાકે તથા યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે ૧૨.૩૦ કલાકે થશે. નવરાત્રિ ઉત્થાપન, આસોસુદ-૧૦ (વિજયા દશમી)ના દિવસે તા. ૮ના મંગળવારે સવારના ૯ કલાકે થશે.

શ્રી રામ ચરિત માનસજીના નવાહ પાઠ અને પ.પૂ. શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના આશિર્વાદ તથા શ્રી અંબાજી માતાજીના દર્શન, આરતી તથા ગરબા ગાવા માટે  ખાસ પધારવા અને લાભ લેવા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને સદ્ગુરૂ સદન ટ્રસ્ટ  દ્વારા  અનુરોધ કરાયો છે.

(4:09 pm IST)