Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સોનમ ગરબાઃ ૨૭૦૦થી વધુ બહેનો ગરબે રમશે

જૈન વિઝનના ગરબામાં બહેન- દીકરી- સાસુ- વહુ ગરબાનો આનંદ માણશે : રકતદાન- સર્વરોગ નિદાન કેમ્પ,સ્વચ્છતા અભિયાન, સફાઈ કર્મચારીઓનું સન્માન

રાજકોટ,તા.૨૪: જૈન સમાજના આંગણે ''માં જગદંબા''ની આરાધના અને આગમનના ટકોરા વાગી ચૂકયા છે. ''આવો રે આવો મહાવીર નામ લઈએ'' નામથી સમસ્ત જૈન સમાજના જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબા- ૨૦૧૯ની તડામાર તૈયારી થઈ ચૂકી છે અને લગભગ ૨૭૦૦થી વધુ બહેનો ગરબા રમશે. જૈન સમાજની બહેન- દીકરી અને સાસુ- વહુ એક સાથે ગરબાનો આનંદ માણી શકે છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો માટે અવનવા આકર્ષણ ઉમેરવામાં આવ્યો છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન કેટલીક મહિલા પ્રતિભાનું સન્માન કરવામાં આવનાર છે. તા.૩૦મી સપ્ટેમ્બરે સોનમ ગરબા ગ્રાઉન્ડ ખાતે બહેનો માટે ફ્રી મેકઅપ, હેર સ્ટાઈલ સેમિનાર અને ફ્રી હેર કટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન જૈન વિઝનની મહિલા વિંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય તા.૧લી ઓકટોબરે સોનમ ગરબા ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ વાગ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો સેવા આપશે.

૨જી ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે ફ્રીડમ યુવા ગ્રુપ પ્રેરિત  સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડની સફાઈ સાથે જોડાયેલા જૈન વિઝનના કમિટી મેમ્બર્સ અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. તા.૫મી ઓકટોબરના રોજ બેટી વધાવો સુત્ર અંતર્ગત માતા- દીકરીના સન્માનનો કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે ગરબા ગ્રાઉન્ડમાં જ રાખવામાં આવ્યો છે. દિકરીનો કરિયાવર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૬૩ બહેનોને કરીયાવર આપવામાં આવનાર છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલાં ફીટ ઈન્ડિયા અંતર્ગત જૈન વિઝન સંસ્થા તેના સભ્યોને યોગની તાલીમ  આપશે સાથોસાથ જીમમાં સભ્યપદ પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમ તા.૫મીએ સવારે ૧૦ વાગ્યે ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ત્યારે ૭મી ઓકટોબરે સુપોષણ અભિયાન શરૂ કરવામાં આવશે. શહેરની આંગણવાડીના બાળકોના સુપોષણ સાથે નાસ્તો અને મીઠાઈ વિતરણ કરવામાં આવનાર છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનવા જૈન વિઝન મહિલા વીંગના દામીનીબેન કામદાર, અમિસાબેન દેસાઈ, વિભાબેન મહેતા, જલ્પાબેન પતિરા, વંદનાબેન ગોસલીયા, બીનાબેન શાહ, હિમાબેન શાહ, નેહાબેન વોરા, કલ્પનાબેન પારેખ, પ્રિતીબેન બેનાણી, પુનમબેન સંઘાણી, ભાવુબેન દોશી, બીનાબેન સંઘવી, પાયલબેન ફુરિયા, અરૂણાબેન મણિયાર અને ૧૫૦થી વધુ કમિટીના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:07 pm IST)