Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જૈન કન્યા સુસંસ્કાર તીર્થમાં રવિવારે મહાપ્રભાવક પાંસઠીયા યંત્રરાજ જાપ

આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા. પ્રેરિત : ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદનું સાનિધ્યઃ ૧૦૮ ભકતામર સ્ત્રોત, પાંસઠીયા જાપની જપ સાધના, ત્રિરંગી સામાયિક, આગમ દર્શન, ભાવયાત્રા, નાટીકા, પ્રભાવના, નવકારશી, ગૌતમ પ્રસાદ

રાજકોટ,તા.૨૪: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પંડિતરત્ન પ.પૂ. પ્રાણલાલજી મ.સા.ના પ્રિય શિષ્ય એવમ તપસપ્રાટ પૂ. ગુરૂદેવશ્રી રતિલાલજી મ.સા.ના પટ્ટધર સુશિષ્યરત્ત આગમ દિવાકર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ.પૂ. ગુરૂદેવશ્રી જનકમુનિ મ.સા. ની સદેવ હાજરીમાં અને તેઓશ્રીના સ્વમુખેથી નવરાત્રીના નવલા દિવસોના દરેક વર્ષના પ્રથમ રવિવારના થયેલા અને આજે પણ સૌ શ્રધ્ધાવંત ગુરૂભકતોના હૈયે વસેલા એવા મહાપ્રભાવક પાંસઠીયા યંત્રરાજના સામૂહિક જાપ આરાધનાનું દિવ્ય અને ભવ્ય આયોજન સરળ સમ્રાટ ગાદીપતિ પૂ. ગિરીશમુનિ મ.સા. ના અંતેવાસી શિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. ના સુમંગલ સાનિધ્યમાં તેમજ પૂ. જશ ઝવેર પરિવારના શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મ. અપૂર્વશ્રૃત આરાધિકા પૂ. લીલમ ગુરૂણીના સુશિષ્યા આદર્શ યોગિની પૂ. પ્રભાબાઈ મ., સાધ્વીરત્ના પૂ. સાધનાબાઈ મ., સદાનંદી પૂ. સુમતિબાઈ મ., તપસ્વીની પૂ. દીક્ષિતાબાઈ મ., સમતાધારી પૂ. મિનળબાઈ મ. ના સુશિષ્યાઓની પ્રેરક ઉપસ્થિતીમાં સફળતા અને સિધ્ધીના ૪૦ વર્ષ પૂર્ણ કરી રહેલ સંસ્થા શ્રી વર્ધમાન સેવા સંદ્ય સંચાલિત આગમદિવાકરનું સાકાર થયેલ સ્વપ્ન અને જયાં ગુરૂકૃપાશિષે ૯૬ છાત્રાઓ અભ્યાસ અર્થે પ્રવેશ મેળવેલ છે તે જૈન કન્યા સુસંસ્કાર તીર્થના સ્મૃતિભવન મધ્યે તા. ૨૯ ને રવિવારના સવારે ૯ થી ૧૨:૩૦ કલાકે કરવામાં આવેલ છે.

તા. ર૯ રવિવારના સવારના ૭ કલાકે શ્રી હીરક આરાધના ભવન સદગુરૂ ટાવર્સ વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ સામેથી પૂ. હીરાબાઈ મ. ના શ્રી મુખેથી માંગલીક શ્રવણ કરીને આગમ ભાવયાત્રા શરૂ થશે જે કે.કે.વી. ચોક, આત્મીય કોલેજ થઈને કન્યા છાત્રાલય ખાતે પૂર્ણ થશે અને જયાં માત્ર ને માત્ર આગમ ભાવ યાત્રા માં જોડાયેલા ગુરૂભકત ભાઈઓ બહેનો માટે નવકારશી કરાવવામાં આવશે. આ રૂટમાં ગમે તે સ્થળે માત્ર પદયાત્રીને બહુમાન કવર તથા નવકારશીનો પાસ આપવામાં આવશે. આ ભાવયાત્રામાં બૃહદ રાજકોટના સંઘ સંચાલિત મહીલા મંડળના બહેનો શુકનવંતા વસ્ત્રો સાથે જોડાઈ શકશે અને આ બહેનોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે.

રવિવારે સવારના ૯ કલાકે સદાનંદી પૂ. સુમતિબાઈ મ. ના સુશિષ્યાઓ દ્વારા ૧૦૮ ભકતામર સ્તોત્રના જાપથી મંગલા ચરણ થશે. ભકતામર સ્તોત્ર ગાથાની બુક તથા સામાયિક ઉપકરણ સાથે લાવવાના રહેશે અને જેઓ ત્રિરંગી સામાયિકમાં જોડાઈ શકશે.

આગમ દિવાકર પૂ. ગુરૂદેવના શ્રી મુખેથી ધ્વનિમૃદ્રિત થયેલ પાંસઠીયા જાપ  ૯:૩૦ કલાકે શરૂ થશે. જાપમાં આવનાર ભાઈઓએ શ્વેત વસ્ત્ર અને બહેનો શુકનવંતા લાલ અને લીલા કલરની બાંધણી પહેરીને જાપમાં જોડાઈ શકશે.

ગુરૂભકત શ્રીમતી સોનલબેન શાહ, રાકેશભાઈ ગોપાણીના માર્ગદર્શન હેઠળ કન્યા છાત્રાલયની દિકરીઓ દ્વારા તૈયાર થયેલ આગમ દર્શન નાટિકા કાર્યક્રમ મધ્યે પ્રસ્તુત થશે. કાર્યક્રમમાં સવારના ૯ પહેલા આવનાર ભાઈઓ બહેનો ને જ પ્રભાવાનાનું કવર તથા ત્રિરંગી સામાયિક ગૌતમ પ્રસાદનો પાસ આપવામાં આવશે.

આ મહામંગલકારી, દિવસે મહાપ્રભાવક જાપનો લાભ લેવા સ્થાનિક તથા બહારગામના સંઘપ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા સકલ સંઘને હાર્દિક નિમંત્રણ ચંદ્રકાંત એસ. દફતરી, ચંદ્રકાંત એમ. શેઠ, ડોલરકુમાર વી. કોઠારી, મનોજ પારેખ, સંદીપ દફતરીએ પાઠવેલ છે.

(3:33 pm IST)