Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કચરાના કોન્ટ્રાકટમાં ૧૦૦ કરોડ 'ચાંઉ': કોંગ્રેસનુ સ્ટીંગ ઓપરેશન

ભાજપના શાસકો હવે કચરો પણ ખાવા લાગ્યાઃ ડો. હેમાંગ વસાવડાના સણસણતાં આક્ષેપો : કચરાનાં ફેરા કરતાં ટ્રેકટર-ડમ્પરમાં-ધુળ-પથ્થરો નાખી વજન વધારવાનું કારસ્તાન કરી વર્ષે ૭ થી ૭II કરોડનો કડદોઃ ફરિયાદ સેલના આશિષસિંહ વાઢેરે સ્ટીંગ ઓપરેશન કરીને કૌભાંડનો પર્દાફાશ કર્યોઃ મગ્ર કૌભાંડની ગાંધીનગર ચીફ વિજીલન્સ ઓફિસરને ફરીયાદ કરાશેઃ સંડોવાયેલા કોન્ટ્રાકટરો-અધિકારીઓને બ્લેકલીસ્ટ-ડીસમીસ કરવા માંગઃ સમગ્ર કારસ્તાનનો રેલો 'પ્રકાશ સોસાયટી' સુધી જતો હોવાનો શહેર પ્રમુખ અશોક ડાંગરનો આક્ષેપ

મ્યુ. કોર્પોરેશન દ્વારા ડમ્પીંગ યાર્ડમાં ઠાલવવા માટે આવેલા કચરાનાં કોન્ટ્રાકટમાં કરોડોનાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ પત્રકાર પરિષદમાં કર્યા હતાં. તે વખતની ઉપરની તસ્વીરમાં કોંગ્રેસ ફરીયાદ સેલનાં હોદેદારોએ સ્ટીંગ ઓપરેશન કરીને કચરાનો વજન વધારવા ટ્રેકટર - ડમ્પરમાં ધુળ-પથ્થરો નાખવામાં આવતુ હોવાનું અને વે-બ્રીજમાં કોઇ તપાસ વગર વજન થતુ હોવાનું રંગે હાથ ઝડપી લીધુ હતું તે દર્શાય છે. તેમજ આ અંગે વિગતો આપી રહેલા ડો. હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ અશોક ડાંગર, મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઇ ત્રિવેદી વગેરે દર્શાય છે.

રાજકોટ તા. ર૪ :.. મ્યુ. કોર્પોરેશનનાં શાસકોએ શહેરમાંથી ઉપાડવામાં આવતાં કચરાનાં ખાનગી કોન્ટ્રાકટમાં જબરી ગોલમાલ કરીને છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦ કરોડથી વધુનું કૌભાંડ કર્યાનો સણસણતો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસનાં ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને કર્યો છે. આ સમગ્ર કૌભાંડની વિડીયોકલીપ સહિતનાં આધાર પુરાવા રાજયનાં ચીફ વિજીલન્સ ઓફીસરને કરી જવાબદાર અધિકારી-કોન્ટ્રાકટર એજન્સી સામે બ્લેકલીસ્ટ ત્થા ડીસમીસ કરવા સુધીનાં પગલા લેવાની માંગ ઉઠાવાશે તેમ જાહેર કર્યુ હતું.

પત્રકાર પરિષદમાં ડો. વસાવડાએ સીધો જ ભાજપ સરકાર અને કોર્પોરેશનનાં પદાધિકારીઓ સામે આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે, રોડ-રસ્તાઓ ખવાઇ ગ્યાં પરંતુ હવે આ લોકો કચરો પણ ખાવા લાગ્યા છે.

તેઓએ જણાવેલ કે કોંગ્રેસ ફરીયાદ સેલનાં આશિષસિંહ વાઢેર અને તેમની ટીમે રર દિવસ અગાઉ જબ્બરી મહેનત કરી અને શહેરમાંથી ઉત્પન્ન થતાં કચરાને ડમ્પીંગ યાર્ડ સુધી પહોંચાડવા માટે જે ટ્રેકટર અને ડમ્પરનાં ફેરા થાય છે.

તેમાં વજન મુજબ પૈસા ચુકવાતાં હોઇ કોન્ટ્રાકટર એજન્સી દ્વારા વજન વધારવા માટે ટ્રેકટર-ડમ્પરમાં પ્રથમ ધુળ-પથ્થરો વગેરે વજનદાર વસ્તુઓ નાખી ઉપર કચરો નાખીને તાલપત્ર ઢાંકીને વે-બ્રીજમાં વજન કરાવવામાં આવતુ હોવાનું અને વે-બ્રીજ ઉપર પણ અધિકારી, કોર્પોરેશનનાં અધિકારી અને કોન્ટ્રાકટરની મીલી ભગત હોઇ 'ઇશારા' મુજબ ગાડીનું ચેકીંગ કર્યા વગર. વજન લખીને બારોબાર જવા દેવાતુ હોવાનું રંગે હાથ ઝડપી લઇ અને તેની વીડીયો કલીપ સહિતનાં આધાર પુરાવા એકત્રીત કર્યા હતાં.

ડો. વસાવડાએ વધુમાં આક્ષેપો કર્યા હતાં. કે આ વિડીયો કલીપમાં કોન્ટ્રાકટરનાં માણસો, એવું બોલતા દર્શાય છે કે 'અમારૂ ઉપર સુધી સેટીંગ છે.' કંઇ કોઇ પગલા નહી લેવાય.

ડો. વસાવડાએ આ સમગ્ર ભ્રષ્ટાચાર અંગે હીસાબો રજૂ કરતાં જણાવેલ કે 'આ પ્રકારે ટ્રેકટર-ડમ્પરમાં ધુળ-પથ્થરો નાખી વજન વધારીને મહીને ર લાખનો અને વર્ષે ૭ થી ૭ાા કરોડનો કડદો થાય છે.' કેમ કે લગભગ રપ૦ જેટલા કચરાનાં ફેરા થાય છે.

આમ રપ૦૦૦ કીલો જેટલા વધારાનાં વજનનાં પૈસા પ્રજાની તિજોરીમાંથી 'ચાંઉ'  થયાનો અને છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦ કરોડથી વધુને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ડો. વસાવડાએ કર્યો હતો.

આ તકે શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરે સીધો જ એવો પણ આક્ષેપ કર્યો હતો. 'આ સમગ્ર કારસ્તાનનો રેલો. અમીન માર્ગ પર થઇને પ્રકાશ સોસાયટી તરફ જાય છે.' તેમ જણાવીને તેઓએ રાજય સરકાર સુધી આ કૌભંાડનો વ્યાપ હોવાનું જણાવેલ.

આ તકે પ્રદેશ મંત્રી મહેશ રાજપૂતે એમ જણાવેલ કે 'ગુજરાત સરકાર મ્યુ. કમિશ્નર કે, કોર્પોરેશનનાં પદાધિકારીઓ ઉપર હવે વિશ્વાસ કરી શકાય તેમ નથી' માટે રાજયનાં ચીફ વિજલન્સ ઓફીસને જ સીધી ફરીયાદ કરાશે.

અંતમાં ડો. વસાવડાએ જણાવેલ કે જો આ કૌભાંડમાં ભાજપની ભાગ બટાઇ ન હોય તો જવાબદાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા અને અધિકારીને સસ્પેન્ડ કરવા મારી માંગ છે.

નોંધનીય છે કે સ્ટીંગ ઓપરેશન કરનાર આશીષસિંહ વાઢેરે જણાવેલ કે છેલ્લા ર૦ વર્ષથી આ કામ એકજ કોન્ટ્રાકટર કરે છે.

જે સ્ટીંગ ઓપરેશન કરાયુ તે ગાડી અજન્તા એજન્સીની હતી. અને વાલજીભાઇ ગોહેલ નામનાં વ્યકિત તેનાં મુળ કોન્ટ્રાકટર છે. આ સ્ટીંગ ઓપરેશન તેઓએ રર દિવસ અગાઉ કરીને રંગેહાથ કૌભાંડ ઝડપી લીધાનું તેઓએ જણાવેલ.

આ કચરા ભરતીમાં થતા કૌભાંડની પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ અગ્રણી મહેશભાઇ રાજપૂત, પ્રદીપભાઇ ત્રિવેદી, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી પ્રતિમાબેન વ્યાસ, શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા, શહેર ઉપપ્રમુખ નેતા મનસુખભાઇ કાલરીયા, રા. મ્યુ. કોર્પો. સેવાદળ ચેરમેન ભાવેશભાઇ ખાચરીયા, ફરીયાદી સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર, સોશ્યલ મીડીયા ચેરમેન જીજ્ઞેશભાઇ વાગડીયા, માલધારી સેલ ચેરમેન જીજ્ઞેશભાઇ સભાડ, એસ. ટી. એસ. ચેરમેન નરેશભાઇ સાગઠીયા, ઓ. બી. સી. સેલ. ચેરમેન રાજેશભાઇ આમરાણીયા, લેબર સેલ ચેરમેન મહેશભાઇ પાસવાન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહીલા ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડી. પી. મકવાણા, વિગેરે આગેવાનો હાજર રહ્યા હતાં.

(3:20 pm IST)