Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પત્નિ, ભાઇ, મિત્ર સાથે મળી નવાગામનો અરવિંદ મુસાફરોના ખિસ્સા કાપતો'તોઃ ચારેય ઝડપાયા

બી-ડિવીઝન પોલીસે રિક્ષાગેંગને પકડી રોકડ-રિક્ષા-ફોન કબ્જે કર્યાઃ વડનગરનો અજય માતા સાથે રાજકોટ પિતૃકાર્યમાં આવતાં તેનું ખિસ્સુ કાપી લીધું હતું: અરવિંદ અગાઉ બે ઘરફોડીમાં સંડોવાયો'તો

રાજકોટ તા. ૨૪: પરમ દિવસે જ લીમડા ચોકથી હોસ્પિટલ ચોકી સુધી રિક્ષામાં બેઠેલા સિકયુરીટી ગાર્ડનું ખિસ્સું કપાઇ ગયું હતું. ત્યાં બીજા એક બનાવમાં મોરબી રોડ પરથી ગ્રીનલેન્ડ ચોકડીએ જવા પોતાના માતા સાથે રિક્ષામાં બેઠેલા વડનગરના દેવીપૂજક યુવાનનું રિક્ષા ગેંગે પર્સ ચોરી લીધાની ઘટના સામે આવી હતી. આ ગુનાનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી નવાગામના દેવીપૂજક શખ્સ, તેની પત્નિ, ભાઇ અને મેટોડાના એક શખ્સની ટોળકીને ઝડપી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

આ ગુનામાં પોલીસે નવાગામ મામાવાડીમાં રહેતાં અરવિંદ પોલાભાઇ કાંજીયા (દેવીપૂજક) (ઉ.૨૨), તેની પત્નિ કોમલ (ઉ.૨૦), ભાઇ આકાશ (ઉ.૧૯) તથા મિત્ર રોહિત અજીતભાઇ સોલંકી (ઉ.૧૯-રહે. મેટોડા જીઆઇડીસી)ની ધરપકડ કરી સીએનજી રિક્ષા જીજે૦૩બીયુ-૪૩૯૯, એક મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૭૫૦૦ કબ્જે લીધા છે. અરવિંદ કાંજીયા અગાઉ પણ બી-ડિવીઝન પોલીસ મથકમાં બે ચોરીના ગુના અને એક હથીયારધારા ભંગના ગુનામાં પકડાઇ ચુકયો છે.

સુરેન્દ્રનગરના વડનગરમાં રામજી મંદિર પાછળ શેરી નં. ૧માં રહેતાં અને કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં અજય પ્રહલાદભાઇ મગવાનીયા (ઉ.૨૬) નામના દેવીપૂજક યુવાને પણ ફરિયાદ નોંધાવી છે. અજય ૨૨/૯ના સવારે સાડા આઠેક વાગ્યે તેના માતા કુંદનબેન સાથે રાજકોટ મોરબી રોડ પર વલનાથપરામાં રહેતાં તેના માસી ગીતાબેન ગોવિંદભાઇ ઉકેળીયાને ત્યાં પિતૃ કાર્ય માટે આવ્યા હતાં. અહિથી સાંજે સવા ચારેક વાગ્યે પરત સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતાં. હાઇવે પર પહોંચી ગ્રીનલેન્ડ ચોકડી સુધીની રિક્ષા ભાડે કરી હતી.

એ રિક્ષામાં આગળ ડ્રાઇવર સાથે બીજો શખ્સ બેઠો હતો અને પાછલી સીટમાં એક યુવતિ તથા બીજો એક યુવાન બેઠા હતાં. આ રિક્ષામાં અજય અને તેના માતા બેઠા હતાં. અદાજે પાંચસો મિટર રિક્ષા ચાલી પછી ડ્રાઇવરે 'તમે બંને ઉતરી જાવ, વધુ માણસો હોવાથી રિક્ષા બરાબર હાલતી નથી' તેમ કહી બંને મા-દિકરાને ઉતારી મુકયા હતાં

એ પછી અજયને શંકા જતાં તેણે પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાંખતા પર્સ ગાયબ હતું. જેમાં રૂ. ૭૫૦૦ રોકડા તથા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો હતો. તેણે ઝડપથી ભાગી રહેલી રિક્ષાના નંબર જોતાં ૪૩૯૯ દેખાયા હતાં. સિરીઝ તે જોઇ શકયો નહોતો. આ બાબતે પોલીસને જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વી. કે. સોલંકીએ ગુનો નોંધ્યો હતો.

 ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની સુચના હેઠળ પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ મિતલબેન, હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકી, જયેશભાઇ નિમાવત, જગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. અજય વિકમા, હરપાલસિંહ જાડેજા, મિતેશ આડેસરા, રાજદિપસિંહ ઝાલા અને રણછોડ આલએ આ કામગીરી કરી હતી.

પ્રવિણ ઉર્ફ પલીયાનો સાગ્રીત રહી ચુકયો છે અરવિંદ

ડીસીબીએ ગઇકાલે જેને ૧૯ ઘરફોડીમાં પકડ્યો એ પ્રવિણ ઉર્ફ પલીયાનો પણ અરવિંદ પાંચ વર્ષ પહેલા સાગ્રીત રહી ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. આ ટોળકીએ બીજા કોઇ ગુના આચર્યા છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે.

(1:24 pm IST)
  • આજથી ત્રણ દિ'હળવા-ઝાપટાને મધ્યમ વરસાદ પડવાની શકયતા : તા. ર૪ થી ર૬ દરમિયાન રાજકોટ-સુરત-વડોદરા પંથકમાં હળવો-મધ્યમ વરસાદ પડવાની એક ખાનગી હવામાન ચેનલે (લવલી વેધર) આગાહી કરી છે. આ અરસામાં મુંબઇ-થાણે-કલ્યાણ-ડોંબીવલી-મુલુન્ડ- પનવેલ, નવી મુંબઇ-નાસીક, ઇગતપુરી, નાગોથાણે, અંબરનાથ, બાદલપુર, પાલઘર, વસઇ-વીરારમાં પણ વરસાદ પડવા સંભવ છે. access_time 3:15 pm IST

  • ગોંડલ માં એક કલાક માં દોઢ ઈંચ વરસાદ ગોંડલ આજે આખો દિવસ ઊકળાટ તો રહ્યા બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો access_time 4:40 pm IST

  • અયોધ્યા મામલે સુપ્રિમકોર્ટમાં ૩૦મા દિવસની સુનાવણી શરૂ : મુસ્લીમ પક્ષના વકીલ રાજીવ ધવન કરી રહયા છે દલીલઃ આજે મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થવાની શકયતા access_time 1:11 pm IST