Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પ્લાસ્ટીક મેન્યુ. એસો. દ્વારા કાલે રાજકોટમાં જનજાગૃતિ રેલી

ઉત્પાદનને બ્રેક મારવી એ યોગ્ય ઉપાય નથી : લાખો લોકો બેરોજગાર થશે તેનું શું ? : પ્લાસ્ટીક બેન કરવાને બદલે ઇન્દોરની જેમ વર્ગીકરણ કરી સદ્દઉપયોગ કરવાની જરૂર : કાલે પોલીસ કમિશ્નર કચેરીથી શાંત રેલીને પ્રસ્થાન : મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર આપી સમાપન

રાજકોટ તા. ૨૪ : હમણા હમણા પ્લાસ્ટીક પર પ્રતિબંધનો અવાજ ઉઠી રહ્યો છે તેની સામે ચિંતત થઇ ઉઠેલા રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા સાચી હકિકત સામે મુકવાના હેતુથી કાલે તા. ૨૫ ના રાજકોટમાં વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયુ છે.

એસો.ની યાદીમાં જણાવાયુ છે કે પ્લાસ્ટીક ઉત્પાદન ઉપર બેન લગાવવો એ ખરો ઉપાય નથી. હકીકતે તેના સદ્દઉપયોગની દીશામાં જે રીતે ઇન્દોરે આયોજન કર્યુ તે રીતનું વર્ગીકરણ કરીને રીસાયકલ કરવાની દીશામાં આપણે પણ વિચારવાની જરૂર છે. બાકી પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવી દેવાનો કોઇ ખરો ઉપાય નથી. કેમ કે આ વ્યવસાય બંધ થવાથી ૬૦ લાખથી વધુ લોકો બેરોજગાર થઇ જશે. કરોડો રૂપિયાની પ્લાસ્ટીક ઉત્પાદનની મશીનરી એક જ ઝાટકે ભંગાર (સ્ક્રેપ) થઇ જશે. રાજયના આર્થીક માહોલને પણ ગંભીર અસર પહોંચી શકે છે.

એટલે સાચી હકીકતથી સૌને વાકેફ કરવાના ઇરાદાથી રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા કાલે તા. ૨૫ ના બુધવારે એક વિશાળ શાંત રેલીનું આયોજન કરાયુ છે. કોઇપણ જાતના નારાબાજી વગર સવારે ૧૦ વાગ્યે રેલીનો શહેર પોલીસ કમિશ્નર કચેરીથી પ્રારંભ કરાશે. જે ડો. યાજ્ઞીક રોડ, ત્રિકોણ બાગ થઇ મ્યુ.કમિશ્નર કચેરી (સેન્ટ્રલ ઝોન) ખાતે બપોરે ૧ વાગ્યે પહોંચશે. જયાં આવેદનપત્ર સુપ્ર કરી રેલીનું સમાપન કરાશે.

રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસો.ના પ્રમુખ કિશોરભાઇ સંઘવીની યાદીમાં જણાવાયુ છે કે પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવી દઇને કાપડ અથવા કાગળના ઉપયોગ વધારવાની વાત છે તે વિષે વિચારીએ તો તેમાં પણ ઉત્પાદન ખર્ચ અને તેનાથી થતા પ્રદુષણ તેમજ કાચા માલ તરીકે વૃક્ષો કાપવાની જરૂર પડી શકે. એ રીતે પર્યાવરણને તો નુકશાન થવાનું જ છે.

ખરેખર તો પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવવાને બદલે કોઇ યોગ્ય ઉપાયો શોધવાની જરૂર છે.

જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં મહાનગરપાલીકાએ વિચાર્યુ છે તેમ પ્લાસ્ટીકના ઘન કચરાને યોગ્ય વર્ગીકરણ કરી રીસાયકલીંગ કરવુ જોઇએ. ત્યા આવા પ્લાસ્ટીકના કચરામાંથી ક્રુડ ઓઇલ બનાવવાનું શરૂ કરાતા ભારત સરકાર દ્વારા યોજાયેલ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં ઇન્દોર મોખરે અવેલ છે.

તો આપણે ત્યાં પણ આવુ કઇ ન વિચારી શકાય? તેવો સવાલ પ્લાસ્ટીક મેન્યુ. એસો. દ્વારા ઉઠાવાયો છે.

કાલે યોજાનાર શાંત રેલીમાં પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોએ જોડાવા એસો.ના પ્રમુખ કિશોરભાઇ સંઘવી (મો.૯૮૨૪૫ ૦૬૩૬૩) એ અનુરોધ કરેલ છે. (૧૬.૨)

(11:26 am IST)