Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સરકારે આપેલા રપ કરોડમાંથી તાત્કાલિક નવા રસ્તા બનાવોઃ ટેન્ડરો પ્રસિધ્ધ કરવા ઉદિત અગ્રવાલને તાકિદ કરતાં પદાધિકારીઓ

ટી.પી. રોડ-રાજમાર્ગો ઉપર વહેલી તકે ડામર-પેવર રિકાર્પેટઃ મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલિયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ અને મ્યુ. કમિશ્નર વચ્ચે ખાસ બેઠક યોજાઇઃ ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ કાર્યવાહી શરૂ કરાવતાં પદાધિકારીઓ

રાજકોટ તા. ર૩: શહેરનાં રાજમાર્ગો સહીત અનેક રસ્તાઓ તુટી ગયા છે. શહેરીજનો વધારે પડતા તુટી ગયેલા રસ્તાઓમાં તાત્કાલીક ડામર-પેવર રી-કાર્પેટ માટે આજે મેયર સહિતનાં પદાધિકારીઓએ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને તાકિદ કરી હતી અને યુધ્ધનાં ધોરણે ટેન્ડરો પ્રસિધ્ધ કરવા સુચનાઓ આપી હતી.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મેયર સહીતનાં પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળ્યા હતાં. અને આ દરમિયાન રાજય સરકારે રાજકોટનાં રસ્તાઓનાં રિપેરીંગ માટે આપેલા રપ કરોડમાંથી તાત્કાલીક તુટેલા રસ્તાઓ નવા બનાવવાનો નિર્ણય લેવાયેલ.

ગાંધીનગરની ઉકત બેઠકમાં થયેલ ચર્ચા બાદ આજે મેયર બીનાબેન આચાર્યએ આજે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને બોલાવી નવા રસ્તા બનાવવા અંગે તાકીદની બેઠક યોજી હતી.

બેઠકમાં કમિશ્નરશ્રીને સ્પષ્ટ સુચનાં અપાયેલ કે રાજય સરકારની જે રપ કરોડની ગ્રાન્ટ મળી છે તેમાંથી ટી.પી. રોડ ત્થા એકશન પ્લાન સિવાયનાં જે રાજમાર્ગો તુટી ગયા છે તેના ડામર-પેવર રિકાર્પેટીંગની કામગીરી આગામી તા ૧૦ થી ૧૨ દિવસમાંજ શરૂ કરાવવા માટે શોર્ટ ટેન્ડરો બહાર પાડી રસ્તા કામના કોન્ટ્રાકટો આપી દેવા.આમ હવે તુટેલા રસ્તાઓ નવા બનાવવા માટેની કાર્યવાહી તાત્કાલીક હાથ ધરવા નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત શહેરમાં જે નવા ઓવરબ્રીજ, અન્ડરબ્રીજ માટેની યોજનાઓ છે તેને આગળ ધપાવવા માટે પણ મ્યુ. કમિશનરશ્રી અગ્રવાલને સુચનાઓ અપાઇ હતી.કમિશ્નરશ્રી સાથેની આ બેઠકમાં ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ સહીતના પદાધિકારીઓએ પણ ઉપસ્થિત રહી જરૂરી સુચનો કર્યા હતાં.

(3:55 pm IST)