Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ક્રાઇમ બ્રાંચે તસ્કર ત્રિપુટી ઝડપીઃ ૧૯ ઘરફોડીના ભેદ ખુલ્યા

હત્યા, મારામારી, ફાયરીંગ તેમજ ૩૫થી વધુ ઘરફોડ-વાહનચોરીમાં સંડોવાયેલા પ્રવિણ ઉર્ફ પલીયો કોળીએ જેલમાંથી છુટ્યા બાદ ફરી ગુનાખોરી આચરી'તી : રૂ.૫,૦૬,૫૨૨નો મુદ્દામાલ કબ્જેઃ માલિયાસણ પાસેથી પલીયો, સંજય અને સગીર સાગ્રીતને દબોચી લેવાયાઃ પલીયો ત્રણ વખત તો પાસામાં પણ જઇ આવ્યો છેઃ મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતા : રાતે કોઇપણ વિસ્તારમાં રેકી કરતાં: તાળુ દેખાય એ ઘરમાં ત્રાટકતાં : ક્રાઇમ બ્રાંચના નવનિયુકત એએસઆઇ બલભદ્રસિંહ જે.જાડેજા, કોન્સ. નગીનભાઇ ડાંગર અને હેડકોન્સ. મયુરભાઇ પટેલની ચોક્કસ બાતમી

 

વેલડન ટીમ ક્રાઇમ બ્રાંચઃ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, પીઆઇ ક્રાઇમ બ્રાંચ એચ. એમ. ગઢવીએ વિગતો જણાવી હતી. સાથે પીએસઆઇ ડી.પી. ઉનડકટ, બાતમી મેળવનાર નવનિયુકત એએસઆઇ બલભદ્રસિંહ જે.જાડેજા, નગીનભાઇ ડાંગર અને મયુરભાઇ પટેલ સહિતની ટીમ અને ઝડપાયેલો પ્રવિણ ઉર્ફ પલીયો ચોૈહાણ (કોળી) તથા સંજય સાપરા (કોળી) અને કબ્જે થયેલો મુદ્દામાલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: શહેરભરમાં ૧૯ જેટલા બંધ મકાનોમાં ત્રાટકી લાખોની ચોરી કરનારા રીઢા તસ્કર માલિયાસણના પ્રવિણ ઉર્ફ પલીયો કોળી તથા તેના બે સાગ્રીતને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ પાંચેક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાંચમાં તાજેતરમાં નિમણુંક પામેલા એઅસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, કોન્સ. નગીનભાઇ ડાંગર અને હેડકોન્સ. મયુરભાઇ પટેલની બાતમી પરથી ત્રણેયને માલિયાસણથી ઝડપી લેવાયા છે. જેમાં પલીયો અગાઉ હત્યા, મારામારી, ફાયરીંગ તથા ૩૫થી વધુ મકાનોમાં ચોરીઓ, વાહન ચોરીઓ સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. એકાદ વર્ષ પહેલા જેલમાંથી છુટ્યા પછી ફરીથી મોજશોખ માટે ગુનાખોરી આચરી હતી. આ ત્રિપુટી રાતે કોઇપણ વિસ્તારમાં રેકી કરતી અને જ્યાં તાળુ દેખાય એ મકાનમાં ત્રાટકી હાથફેરો કરતી હતી. આ ત્રણ ઉપરાંત બીજા બે સાગ્રીતો લખન કોળી અને જયદિપ ઉર્ફ લાલાના નામ ખુલ્યા છે.

ડિટેકશન વિશે ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ વિગતો આપી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે માલિયાસણમાં શ્રી ગોપાલ ટ્રાન્સપોર્ટ સામે એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૧૦૨માં રહેતાં પ્રવિણ ઉર્ફ પલિયો ગણેશભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૨૫-મુળ દયાળ ગામ તા. મહુવા-ભાવનગર) તથા સંજય હકાભાઇ સાપરચા (કોળી) (ઉ.૧૯-રહે. મેરામબાપાની વાડી પાસે થોરાળા પોલીસ સ્ટેશન સામે, મુળ ગામ રાજપરા તા. ચોટીલા) તથા એક સગીર સાગ્રીતને માલિયાસણના પાટીયેથી રિક્ષા નં. જીજે૦૩બીયુ-૪૬૬૦ સાથે પકડી લીધા હતાં.

પ્રવિણ ઉર્ફ પલીયો રીઢો તસ્કર હોઇ અને તેણે અનેક ઘરફોડ ચોરીઓ કરી હોવાની પાક્કી બાતમી હોઇ તલાશી લેવામાં આવતાં તેના તથા સાગ્રીતો પાસેથી સોનાની બે વીંટી, સોનાના છ ચેઇન, સોનાનું પેન્ડન્ટ, મંગળસુત્ર, કાનસર, સોનાની બુટી, સોનાનો ઢાળીયો, સોનાની ચુક, ચાંદીની કડલી મળી કુલ ૧૨૪.૪૩૫ ગ્રામ સોનુ રૂ. ૪,૩૫,૫૨૨ તથા ચાંદીના દાગીના વજન ૧૫.૦૭૦ ગ્રામ રૂ. ૧૦૦૦ તથા રોકડા રૂ. ૨૪૫૦૦ મળી કુલ રૂ. ૫,૦૬,૫૨૨નો

માલ મળતાં આ બાબતે ખુલાશો કરવા કહેતાં કોઇ સ્પષ્ટતા કરી શકયા નહોતાં.

પોલીસે આગવી ઢબે પુછતાછ શરૂ કરતાં જ પલીયાએ પોતાના સાગ્રીત સંજય અને સગીર સાથે મળી છેલ્લા કેટલાક મહિનાઓમાં ૧૯ બંધ મકાનોના તાળા તોડી ચોરી કર્યાનું અને આ મુદ્દામાલ આ ચોરીઓનો હોવાનું કબુલ્યું હતું. કયાં-કયાં કેટલી ચોરીઓ કરી તેની માહિતી આ મુજબ છે.

વીસેક દિવસ પહેલા પલીયો અને સંજય તથા લખને મવડી ગુરૂકુળ પાસે રાજદિપ સોસાયટીમાં ૮૪ હજારની ચોરી કરી હતી, એક માસ પહેલા અંબાજી કડવા પ્લોટમાં દસ હજાર રોકડા અને ચાંદીની પરચુરણ વસ્તુઓ, વાણીયાવાડી-૫માં જલારામ પ્રોવિઝન સ્ટોર પાસેના મકાનમાં, નારાયણનગર-૧માં, બે માસ પહેલા અંબાજી કડવા પ્લોટમાં એક મકાનમાં, બે માસ પહેલા મવડી રોડ અંકુરનગરમાં મકાન,ઉદયનગરમાં એક મકાન, ત્રણ માસ પહેલા હસનવાડી-૨/૩ના ખુણે એક મકાન, જમુનાનગર સહકાર રોડ માધવ મેડીકલ વાળી શેરીમાં, છ માસ પહેલા લક્ષ્મીવાડી-૨/૧૨માં, આઠ માસ પહેલા રામનગર-૫મા સવા બે લાખની ચોરી, રામનગર-૩માં ૪૫ હજારની, આઠ માસ પહેલા ઉદયનગર-૬માં ચોરી, એક વર્ષ પહેલા મિલપરા-૪માં મકાનમાં, નારાયણનગરમાં મકાનમાં ૬૦ હજારની, અન્ય એક મકાનમાં ૩૫ હજારની, પાંચ મહિના પહેલા જુના યાર્ડ પાછળ મકાનમાં, આઠ માસ પહેલા રાજનગર-૧માં એક મકાનમાં ૭૦ હજારની ચોરી કરી હતી.

ઝડપાયેલા ત્રણમાં પ્રવિણ ઉર્ફ પલીયો કોળી મુખ્ય સુત્રધાર છે. જે અગાઉ હત્યા, મારામારી, ફાયરીંગ તથા ૩૫થી વધુ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે અને ત્રણ વખત પાસામાં જઇ આવ્યો છે. પોલીસ કમિશનર સંદિપસિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, કોન્સ. નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા,   સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, મનજીભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પરેશગીરી ગોસ્વામી સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:36 pm IST)