Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

'તને કાંઈ આવડતુ નથી' કહી ગાંધીગ્રામના હેતલબેનને પતિ, સાસુ, નણંદનો ત્રાસ

પતિ સતિષ દારૂ પી મારકુટ કરતો અને નણંદ 'તું મને સાચવતી નથી' કહી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ

રાજકોટ, તા. ૨૪ :. ગાંધીગ્રામ એસ.કે. ચોકમાં રહેતી મોચી પરીણિતાને પતિ, સાસુ અને નણંદ ઘરકામ તથા નાની નાની બાબતે ત્રાસ આપતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે સાસરીયુ ધરાવતી અને હાલ ભારતીનગર મેઈન રોડ પર માવતરે રહેતી હેતલ સતીશભાઈ ચુડાસમા (ઉ.વ.૨૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, 'મારા લગ્ન બે વર્ષ પહેલા સતીશ સાથે થયા હતા. લગ્ન બાદ હું તથા મારા પતિ, સાસુ, સસરા તથા નણંદ બધા સંયુકત કુટુંબમાં રહેતા હતા અને લગ્નના શરૂઆતના બે માસ મને સારી રીતે રાખેલ અને બાદ સાસુ કાંતાબેન રતીભાઈ ચુડાસમા અને નણંદ રીટા શૈલેષભાઈ સાવલીયા મને ઘરની નાની-નાની બાબતમાં ટોર્ચર કરવા લાગ્યા અને નણંદ રીટાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયેલ હોય જેથી તે અમારી સાથે જ રહેતા અને તેને એક નાનો બાબો હોય જે ઉ.વ.૧૨નો છે. જેના લીધે ઝઘડાઓ કરતા અને બાદ તેના લગ્ન રાજકોટમાં જ થયેલ હોય, જેથી તે અમારી ઘરે રોજ આવી મારા પતિ તથા સાસુને મારા વિરૂદ્ધ ચઢામણી કરતા હતા અને નણંદને ગમે તેટલા સારી રીતે રાખુ તો પણ કહેતા કે 'હેતલ મને સાચવતી નથી અને સાસુ પણ અવારનવાર 'તને કાંઈ આવડતુ નથી' તેમ મેણાટોણા મારતા હતા અને પતિ કહેતો કે 'મારી બહેન કહે તેમ કરવુ પડશે' તેમજ પતિને દારૂ પીવાની ટેવ હોય જેથી તે દારૂ પી મારકુટ કરતો હતો અને અવારનવાર ઘરમાંથી કાઢી મુકતો અને આ રીતે પોતે ચાર વખત રીસામણે જતી રહેલ અને તે લોકો ઘરમેળે સમાધાન કરી પતિ મને તેડી જતા અને છેલ્લા આશરે બે-અઢી માસ પહેલા સમાધાન થયેલ ત્યારે નક્કી થયા મુજબ મારે તથા પતિ સતિશને સાસુ, સસરાથી અલગ રહેવા જવાનું જેથી મેં પતિ સતિશને કહેલ કે હવે અલગ રહેવા જતા રહીએ તે બાબતે તેણે ઝઘડો કરી મારકુટ કરી હતી. આ ત્રાસથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ગીતાબેન પંડયાએ તપાસ આદરી છે.(૨-૧૦)

(3:58 pm IST)