Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ક્રિષ્ના પાર્કમાં દિકરાના જન્મદિને જ સોરઠીયા રજપૂત યુવાન અશ્વિનભાઇએ જિંદગી ટૂંકાવી

સવારે પુત્ર જયવિરને ખોડિયારધામ દર્શને લઇ ગયાઃ સાંજે પંજાબી શબ્જી મંગાવી બધા સાથે જમ્યાઃ બાદમાં માતાજીના મઢવાળા રૂમમાં જઇ પગલુ ભરી લીધું: કારણ અંગે પરિવારજનો પણ અજાણ

૧૦ વર્ષનો પુત્ર મોબાઇલ લેવા આવ્યો ત્યારે પિતાએ બારણું ન ખોલતાં પરિવારજનોએ બારણું તોડીને જોતાં અશ્વિનભાઇ અંદર લટકતા મળ્યા

રાજકોટ તા.૨૪: મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતાં સોરઠીયા રજપૂત યુવાને રવિવારે દિકરાના જન્મદિવસને દિવસે જ ઘરના માતાજીના મઢવાળા રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા નથી. આ બનાવથી માસુમ પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગૂમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મવડી ૧૫૦ રીંગ રોડ પર ક્રિષ્ના પાર્ક-૨માં રહેતાં અશ્વિનભાઇ રમેશભાઇ વાજા (ઉ.૪૨) નામના સોરઠીયા રજપૂત યુવાન રવિવારે સાંજે જમ્યા બાદ માતાજીના મઢવાળા રૂમમાં ગયા હતાં. પાછળ તેમનો પુત્ર જયવીર (ઉ.૧૦) મોબાઇલ ફોન લેવા માટે ગયો હતો. તેણે દરવાજો ખખડાવવા છતાં ન ખોલતાં દાદા-કાકાને જાણ કરતાં બધાએ ભેગા મળી દરવાજો તોડીને જોતાં અશ્વિનભાઇએ છતના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધાની ખબર પડતાં બધા હતપ્રભ થઇ ગયા હતાં.

અશ્વિનભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.

અશ્વિનભાઇ બે ભાઇમાં મોટા હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમના પિતા રમેશભાઇના કહેવા મુજબ ગઇકાલે અશ્વિનભાઇના પુત્ર જયવીરનો જન્મદિવસ હોઇ અશ્વિનભાઇને ખોડીયારધામનું ભાડુ મળતાં તે ટવેરા લઇને જતાં હોઇ સાથે પુત્રને પણ દર્શન કરાવવા લઇ ગયેલ. સાંજે પરત આવ્યા બાદ બહાર જમવા જવાની વાત થઇ હતી. પણ બાદમાં બહારથી પંજાબી શબ્જી લાવીને બધા ઘરે જ જમ્યા હતાં. એ પછી અશ્વિનભાઇએ માતાજીના મઢવાળા રૂમમાં જઇ આ પગલું ભરી લીધું હતું. કારણ અંગે પોતે પણ અજાણ હોવાનું રમેશભાઇએ જણાવ્યું હતું. દિકરાના જન્મ દિવસે જ પિતાએ આવું પગલું ભરી લેતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

(3:57 pm IST)