Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પંડિત દીનદયાળજી જન્મથી નહી પણ કર્મથી મહાન બની ગયાઃ રાજુ ધ્રુવ

રાજકોટ તા.૨૪: ભારતીય જનતા પક્ષના પુર્વ અવતાર 'ભારતીય જનસંઘ'ના પુર્વ અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની ૧૦૨મી જન્મજયંતિ નિમિતે ભાવાંજલિ અર્પણ કરતાં ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે, ''મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ વકતા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા એવા પંડિતજી જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બન્યા હતા.

એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે,''આજે રાષ્ટ્ર માટે સતત ચિંતિત અને સેવારત રહેતા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવન પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારોએ ઊંડી અસર પાડેલી છે.

પંડિતજી દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા હતા. પશ્ચિમના ઉપભોકતાવાદ અને સામ્યવાદીઓના સમાજવાદના દૂષ્પરિણામોને પંડિતજીએ સાત દાયકા પહેલાં જ પારખી લીધા હતા અને દેશવાસીઓને તેની સામે સાવધ રહેવાનો પ્રબળ સંદેશ આપ્યો હતો. દેશ સ્વતંત્ર થયો ત્યારે દુનિયામાં શીતયુદ્ધનો દોર ચાલી રહયો હતો. એકતરફ પશ્ચિમનો ભોગવાદ હતો તો બીજી તરફ, માકર્સવાદી, લેનીનવાદી અને માઓવાદી સામ્યવાદ હતો. ઉપાધ્યાયજીએ આ બધા વાદ પર ગહન ચિંતન કર્યુ. એક રાષ્ટ્ર તરીકે ભારતનું હિત આ બેમાંથી કોઇપણ વાદમાં નહોતું તેનો અંદેશો તેમને આવી ગયો હતો.

''પંડિતજીને આ પરિસ્થિતિનો અંદેશો સિત્તેર વર્ષ પુર્વે જ આવી ગયો હતો. તેઓ લોકોને તેનાથી સાવધ કરતા હતા, તેમના વિચારો સંકુચિત નહોતા. તેઓ માનતા હતા કે, વિદેશો સાથે સહયોગ વધારવો જોઇએ પરંતુ, વિદેશની કઇ ચીજ આપણા હિતમાં હશે તેનો સતત ખ્યાલ રાખવો પડશે. વિદેશી મુડી પોતાની સાથે ત્યાંની સંસ્કૃતિ પણ લાવે છેે તેની સામે આપણે સાવધ રહેવું પડે. પંડિતજીની ચિંતા પ્રમાણેની સ્થિતિ આજે આપણે સહુ જોઇ, અનુભવી રહયા છીએ.

''બીજીતરફ, સામ્યવાદ તરફ નજર નાખીએ તો તેમાં વ્યકિત કે માનવીના સ્થાને માત્ર સત્તાને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે. એવું માની  લેવામાં આવે છે કે, માનવી પણ વ્યવસ્થા માટેનું યંત્ર માત્ર છે.

''પંડિતજીએ કોઇ વાદ ઉભો કર્યો નથી. એકાત્મ માનવ, અંત્યોદય જેવા વિચાર વાદની શ્રેણીમાં નથી આવતાં, એ એક દર્શન છે.જે આપણી ઋષિ પરંપરા સાથે જોડાયેલું છે. તેના કેન્દ્રમાં પશ્ચિમી કે ડાબેરી વિચારો જેવા વ્યકિતવાદ કે સત્તાવાદ નહીં પરંતુ, માનવી, મન, બુદ્ધિ અને આત્મા બધાનું મહત્વ છે. પ્રત્યેક જીવમાં આત્મા છે, આત્માને પરમાત્માનો અંશ માનવામાં આવે છે. આ એકાત્મ દર્શન છે. એમાં સમરસતાનો વિચાર છે. તેમા ભેદભાવ નથી. વ્યકિતગત હિત સ્વાભાવિક છે પરંતુ, એ જ બધું નથી.

ઉપભોગવાદમાં લોક-કલ્યાણ શકય નથી અને વ્યકિતગત કલ્યાણ પણ સંભવ નથી. એવું હોત તો ભોૈતિકવાદની દોડમાં કયાંક તો વ્યકિતને સંતોષ મળત. પરંતુ, એવું નથી. મન કયારેય સંતુષ્ટ થતું નથી. કુટુંબના હિતમાં વ્યકિત પોતાનું હિત છોડી દે છે, સમાજનું હિત હોય તો પરિવારનું હિત છોડી દેવું જોઇએ, અને દેશનું હિત હોય તો સમાજનું હિત છોડી દેવું જોઇએ. રાષ્ટ્રવાદનો આ વિચાર દેશના પ્રત્યેક નાગરિકના મનમાં હોવો જોઇએ.'' એવો જબરદસ્ત સંદેશો ઉપાધ્યાયજીએ આપ્યો છે.

રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે, ''પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવ દર્શનની પ્રાસંગિકતા સદૈવ રહેશે. કેમકે, તે શાશ્વત વિચારો પર આધારિત છે. પંડિતજીએ સંપુર્ણ જીવનનો રચનાત્મક દ્રષ્ટિથી વિચાર કર્યો છે. તેમણે વિદેશી વિચારોને સાર્વલોૈકિક માન્યા નથી. ભારતીય સંસ્કૃતિમાં એકાંતમાં માનવ દર્શન છે. જેમાં વ્યકિતથી સમષ્ટિ સુધીની ભૂમિકા દર્શાવાઇ છે. રાષ્ટ્રનો પણ આત્મા હોય છે. સમાજ અને વ્યકિત વચ્ચે સંઘર્ષનો વિચાર અનુચિત છે. સરકાર જ બધું નથી હોતી. સરકાર જ રાષ્ટ્રની એકમાત્ર પ્રતિનિધિ નથી હોતી. સરકાર સમાપ્ત થયા પછી પણ રાષ્ટ્રનું અસ્તિત્વ રહે છે.

પ્રાસંગિક નિવેદનનાં અંતમાં શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, આજે ભારતીય પ્રજા સદ્દનસીબ છે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં વિચારો અને આદર્શો પર ચાલી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહયો છે. શ્રી ધ્રુવે ભાજપના તમામ કાર્યકર્તાઓને પંડિતજીના જીવનકવન વિષે વધુને વધુ જાણવા સમજવા અને તેમણે ચિંધેલા રાહે રાષ્ટ્રસેવામાં સમર્પિત થવાનો અનુરોધ કર્યો છે.

(3:58 pm IST)