Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રૈયા સ્માર્ટસીટીના પ્રોજેકટો ઝડપભેર હાથ ધરાશે : મેયર

સ્માર્ટ સીટીના માસ્ટર પ્લાન અંગે ચર્ચા - વિચારણા હાથ ધરતા મેયર બીનાબેન આચાર્ય

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકામાં આજે મળેલી બેઠકમાં સ્માર્ટ સિટી એડવાઈઝરી કમિટીની મીટિંગ મળી હતી, જેમાં સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ પ્લાનનાં કી પોઈન્ટસ અંગે ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો, તેમ મેયર  બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વિશેષમાં એમ કહ્યું હતું કે, રાજય સરકારશ્રીએ ટીપી સ્કીમ નંબર – ૩૨ ને મંજુરી આપી દેતા હવે રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ પ્લાનના અમલીકરણની પ્રક્રિયા વધુ ઝડપભેર આગળ ધપાવી શકશે. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ. દ્વારા ટીપી સ્કીમ નંબર-૩૨માં એરિયા બેઇઝડ પ્રોજેકટ માટે તૈયાર થયેલા માસ્ટર પ્લાનમાં આવરી લેવામાં આવેલા પ્રોજેકટસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આજે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં રાજકોટના શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્માર્ટ સિટી એડવાઈઝરી કમિટી દ્વારા જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમાં, અટલ સરોવર, સેન્ટ્રલ પાર્ક, ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અને મેનેજમેન્ટ કન્વેન્શન એન્ડ એકઝીબિશન સેન્ટરની બાબતોનો સમાવેશ થાય છે.મેયરશ્રી અને કમિશનરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, રૈયા ટીપી સ્કીમ નંબર – ૩૨ ને મંજુરી મળી જતા હવે રાજકોટ મહાનગરપાલિકા તથા તેની સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ. દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ઝડપભેર હાથ પર લઇ શકશે.

(3:51 pm IST)