Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જંગલેશ્વરમાં ૩૫૭ કિલો ગાંજો જેમાં સપ્લાય થયો હતો એ કાર સાથે ડ્રાઇવર ઘનશ્યામગીરીની ધરપકડ

એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજને આધારે કામગીરી કરીઃ મુખ્ય સપ્લાયર વિજય ભૈયો કુવાડવા રોડ સુધી ટ્રકમાં ગાંજાના પાર્સલો લાવ્યો'તો ત્યાંથી સુખરામનગરના આ બાવાજી શખ્સની કારનો ઉપયોગ કર્યો હતોઃ ઘનશ્યામગીરી ગાંજો હોવાની વાત જાણતો હતો

રાજકોટ તા. ૨૪: જંગલેશ્વરમાંથી એસઓજી અને ભકિતનગર પોલીસે ૩૫૭ કિલો ગાંજા સાથે મુસ્લિમ મહિલા, તેના પતિ, પુત્રી અને નોકરને ઝડપી લીધા હતાં. તપાસ દરમિયાન આ ગાંજો સુરતથી મુખ્ય સપ્લાયર વિજય ભૈયાએ એક કાર મારફત મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. એસઓજીની ટીમે જુદા-જુદા સીસીટીવી ફૂટેજો ચેક કરી તેના આધારે ગાંજો જેમાં આવ્યો હતો એ કાર અને તેના ચાલકને શોધી કાઢ્યા છે. આ શખ્સ રાજકોટમાં જ હરિધવા રોડ પર રહેતો હોવાનું ખુલ્યું છે.

એસઓજી અને ભકિતનગરની ટીમે જંગલેશ્વરમાં તા. ૧૨-૯ના દરોડો પાડી મદીના ઉસ્માન જુણેજા (ઉ.૪૫), તેના પતિ ઉસ્માન લધરભાઇ જુણેજા (ઉ.૪૯), દિકરી અફસાના સલિમ કઇડા (ઉ.૨૫) અને ૧૭ વર્ષના નોકર સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૧, ૨૯ મુજબ ગુનો નોંધી ચારેયને અટકાયતમાં લીધા હતાં. જેમાંથી મદીના, ઉસ્માન અને અફસાનાના રિમાન્ડ મળતાં વિશેષ પુછતાછ થતાં આગાંજો સુરતના વિજય ભૈયાએ મોકલ્યો હોવાનું અને એક કાર મારફત આવ્યો હોવાનું ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે જંગલેશ્વર વિસ્તારમાં જતાં રસ્તાઓ પરના તા. ૧૨-૧૩ના સીસીટીવી ફૂટેજો ચેક કરતાં જીજે૩કેસી-૮૩૮૨ નંબરની અર્ટીગા કાર ફૂટેજમાં દેખાઇ હતી. તેના આધારે તપાસ કરી આ કારના ચાલક હરિ ધવા મેઇન રોડ પર સુખરામનગરમાં રહેતાં ઘનશ્યામગીરી જગદીશગીરી ગોસાઇને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં તેણે પોતે વિજય ભૈયાના ગાંજાના પાર્સલો કુવાડવા રોડ યાતાયાત પંપ આસપાસથી પોતાની અર્ટીગામાં ભરીને જંગલેશ્વરમાં મુકી આવ્યાનું કબુલતાં ધરપકડ કરી પ લાખની કાર કબ્જે કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ઘનશ્યામગીરીના કહેવા મુજબ પોતાને કુવાડવા રોડથી જંગલેશ્વરમાં ગાંજો પહોંચાડવાનું મોટુ ભાડુ મળતું હતું. એકાદ વખત પોતે ખંભાળીયા તરફ પોતાના સગાને પણ માદક પદાર્થ પહોંચાડવા વિજય સાથે ગયાનું રટણ કરે છે. જો કે પોલીસે વિસ્તૃત વિગતો ઓકાવવા તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. એ પછી સાચી વિગતો બહાર આવવાની શકયતા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી હેઠળ એસઓજી પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. વિજયભાઇ શુકલ, દિગુભા ઝાલા, મનરૂપગીરી, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જયંતિગીરી, ગિરીરાજસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(3:49 pm IST)