Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

માસુમ બાળકની હત્યા કરનાર બીટ્ટુ હવે ભુલ થઇ ગયાનું કહી આંસુડા વહાવે છે!

હત્યા બાદ લાશનો નિકાલ કરી નિરાંતે સુઇ ગયો'તો અને સવારે તંબૂ ખોલી બૂટ ચપ્પલનો ધંધો ચાલુ કરી દીધો'તોઃ પોલીસે પુરાવા એકઠા કર્યા

રાજકોટ તા. ૨૪: સોરઠીયા વાડી સર્કલ નજીક ફોૈજી ચાની હોટેલ સામે બૂટ ચપ્પલનો તંબૂ રાખી ત્યાં જ રહેતાં મુળ યુ.પી.ના બીટ્ટુ ચમનસિંગ જીવર (ઉ.૩૪) નામના હવસખોર વિકૃત શખ્સે પોતાના તંબુમાં સુતેલા ચાર બાળકોમાંથી ૮ વર્ષના મધ્યપ્રદેશના બાળક વિશ્વાસ જમાલભાઇ બારીયાને ગુરૂવારે રાત્રે તંબુમાંથી પાછળની ઓરડીમાં લઇ જઇ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરતાં અને તેમાં આ બાળક તાબે ન થતાં તેને ટૂવાલથી મોઢે ડૂમો દઇ શ્વાસ ગુંગળાવી મારી નાંખી બાદમાં વહેલી સવારે લાશને કોથળામાં પેક કરી ગોંડલ ચોકડીએ ફેંકી આવ્યો હતો. ભકિતનગર પોલીસે ઘટનાનો ભેદ કલાકોમાં ઉકેલી આ ઢગાની ધરપકડ કરી હતી. ૨૭મી સુધી તે રિમાન્ડ પર હોઇ પોલીસે તેના વિરૂધ્ધ સજ્જડ પુરાવા એકઠા કર્યા છે. હીચકારૂ કૃત્ય આચરનારો આ શખ્સ હવે પોતાનાથી ખોટુ થઇ ગયાનું કહી આંસુડા વહાવી રહ્યો છે.

ગૂમ થયેલા વિશ્વાસને શોધતી વેળાએ પોલીસને ખુબ જ ઝાંખા સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. તેના આધારે તપાસ આગળ ધપાવતાં વિશ્વાસની હત્યા કરી લાશનો નિકાલ કરનારા બીટ્ટુને દબોચી લીધો હતો.  જે ટૂવાલથી બાળકને મોઢે-નાકે ડૂમો દઇ શ્વાસ રૃંધી નંખાયો હતો એ ટૂવાલ તથા આરોપીના કપડા અને લાશને જેમાં વીંટાળાઇ હતી તે ધાબડો તથા બે જુદા-જુદા કોથળા સહિતની ચીજવસ્તુઓ કબ્જે લેવામાં આવી છે. બીટ્ટુએ હત્યા બાદ લાશનો નિકાલ કર્યો હતો અને એ પછી નિરાંત તંબુમાં સુઇ ગયો હતો. શુક્રવારે સવારે નિત્યક્રમ મુજબ ઉઠીને તંબુ ખોલી બૂટ ચપ્પલનો ધંધો પણ શરૂ કરી દીધો હતો અને બધા વિશ્વાસને શોધવા માંડ્યા ત્યારે પોતે પણ તેને શોધવામાં કામે લાગી ગયો હતો. પણ તેની ચાલાકી લાંબો સમય સુધી પોલીસની નજરથી બચી શકી નહોતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ઘનશ્યામભાઇ, હિરેનભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, રાણાભાઇ, હિતેષભાઇ અને રાજેશભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.

માસુમ બાળક રાડો પાડવા માંડતા મોઢા પર મુક્કા માર્યા'તા પછી ડૂમો દઇ દીધો'તોઃ ઘટનાનું સાંજે રિકન્સ્ટ્રકશન

. બીટ્ટુ બાળકને દૂષ્કર્મ માટે તંબુ પાછળની ઓરડીમાં લઇ જતાં બાળકે પ્રતિકાર કરી દેકારો મચાવતાં તેને શાંત પાડવા બીટ્ટુએ તેને મોઢા પર મુક્કા માર્યા હતાં. આમ છતાં તે શાંત ન પડતાં તેને મોઢા પર ટૂવાલથી ડૂમો દઇ કાયમને માટે શાંત કરી દીધો હતો. લાશને કોથળામાં વીંટાળ્યા બાદ કેનાલ રોડ થઇ એસટી બસ સ્ટેશન થઇ ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ વાળા ફાટકથી વિરાણી અઘાટ એરિયા અને ત્યાંથી સર્વિસ રોડ કોઠારીયા ચોકડી તરફ જઇ છેલ્લે તપસી હોટેલની પહેલા રોડની ડાબી બાજુ ઉંચા ઘાંસની વચ્ચે લાશનો કોથળો ફેંકી દીધો હતો. આ રસ્તા પર સાંજે બીટ્ટુને લઇ જઇ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.

(3:48 pm IST)