Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ધ્યાન જાદુ નથી, વિજ્ઞાન છે, નિયમો અનુસરવા જરૂરી : માં પ્રેમ માધવી

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આવતીકાલે વિશેષ શિબિર : માર્ગદર્શક વગર ધ્યાનના પ્રયોગ નુકશાન પણ કરી શકે છેઃ આવતીકાલની શિબિરમાં ધ્યાન-રેકી-ચક્રોના પ્રયોગોની ઝલક રજુ થશે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે માં પ્રેમ માધવીજી, દિનેશભાઇ સ્વામી ગીત ગોવિંદજી, સત્ય પ્રકાશજી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૪: ધ્યાન જાદુ નથી, વિજ્ઞાન છે, ધ્યાનના નિયમોને અનુસરવા જરૂરી છે. યોગ્ય રીતે ધ્યાન ન થાય તો નુકશાન પણ થઇ શકે છે.

આ શબ્દો માં પ્રેમ માધવીના છે. આવતીકાલે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે માં પ્રેમ માધવીજીના સાનિધ્યમાં વિશેષ ધ્યાન શિબિર આયોજીત થઇ છે. માધવીજી આજે અકિલાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યંુ હતું કે ધ્યાન સમજ, હોશ અને જાગૃતીનો સંચાર કરે છે. ધ્યાન પ્રયોગોથી માનવીમાં સકારાત્મક બદલાવ આવે છે. પરંતુ ધ્યાનના નિયમોને અનુસરવું જરૂરી છે. દરેક માણસના સ્વભાવ-પ્રકૃતિ-સ્તર-સ્થિતિ અલગ-અલગ હોય છે. આ બધી બાબતોને નજરમાં રાખીને તેને અનુરૂપ ધ્યાન પ્રયોગ થવા જોઇએ.

માધવીજીએ કહયું હતું કે માણસે સભ્યતાનો વિકાસ કર્યો છે. પરંતુ મનુષ્યતાનો વિકાસ નથી થયો. માનવજાતની ગતિ પરમ આનંદને બદલે ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ થાય છે. દરેક સ્તરે કયાંક ભુલ થઇ છે. વિજ્ઞાને પણ માનવતા-પ્રેમ વિસ્તારવાને બદલે અણુબોમ્બ બનાવ્યા છે.

મોટા પરિવર્તનની જરૂર છે. જેનો પ્રારંભ આંતરીક ક્ષેત્રથી થવો જોઇએ. સૌ પ્રથમ માણસે ખુદની ઓળખ કરવી જોઇશે. પોતાનું શરીર-મન અને ભાવ જગત જાણવા પડશે.

માધવીજી કહે છે કે દરેક માણસ અલગ-અલગ ચક્ર પર ધબકે છે. તમારા ધબકારમાં કયા ચક્રનો પ્રભાવ છે એ પ્રયોગોથી જાણી શકાય છે.

ચક્ર પર કલર અને મંત્રની પણ અસર થતી હોય છે. આ બધા પ્રયોગો થઇ શકે છે.

માં પ્રેમ માધવીજી મૂળ હરીયાણાના કેથલ ગામના છે. તપોવન-ઋષિકેશમાં રંગરેજ ગ્રુપ ચલાવે છે. તેઓ રેકી-હીલીંગ-ફ્રિલાન્સમાં માસ્ટરી ધરાવે છે. અખિલ ભારતીય નેશનલ માનસ પરીવારના ઓર્ગેનાઇઝર છે. સુફી પરંપરાના જાણકાર છે અને ઓશોમય છે.

માધવીજીની શિબિર આવતીકાલે યોજાશે. સત્ય પ્રકાશ ધ્યાન મંદિરમાં બપોરે ૩ વાગ્યાથી પ.૩૦ વાગ્યા સુધી પૂનમ નિમિતે વિશેષ માધવીજીની ધ્યાન શિબિરનું આયોજન થયું છે. આ અંગે વિશેષ માહીતી માટે સત્ય પ્રકાશજી મો. ૯૪ર૭ર પ૪ર૭૬ દિનેશભાઇ ૯૪ર૬૭  ૮૪૧૬૯ નંબર પર સંપર્ક થઇ શકે છે. (૪.૧૨)

(3:41 pm IST)