Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ટીપરવાનના કર્મચારીઓ બે માસથી પગારથી વંચિત : હડતાલ

બે માસમાં બીજીવાર હડતાલ : વેસ્ટ ઝોન કચેરી ખાતે કોંગી કોર્પોરેટરો - આગેવાનો દ્વારા પ્રશ્નો ઉકેલાયો : તંત્રની યોગ્ય ખાત્રી એજન્સી સામે કાર્યવાહી કરવા પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૨૪ : સમગ્ર શહેરમાં ઘરે - ઘરેથી કચરો એકત્રીત કરતા વેસ્ટ ઝોન વિસ્તારના ટીપરવાનના ચાલકો - હેલ્પરોને છેલ્લા બે માસથી પગાર ન મળતા તેઓએ કાલે વિજળીક હડતાલ પાડી હતી. આ અંગે પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાને જાણ થતાં તેઓ વેસ્ટ ઝોન કચેરીએ દોડી ગયા હતા અને ટીપર વાનના ચાલકોના વિવિધ પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી હતી.

આ અંગે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટરની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સમગ્ર શહેરમાં ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરતા ટીપર વાનના ડ્રાઇવરો અને હેલ્પરો દ્વારા છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં ન આવતા આજ સવારથી કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને ટીપર વાનો એકઠી કરી વેસ્ટ ઝોન ઓફિસ ખાતે એકઠા થયા હતા અને પોતાની માંગણી સંદર્ભે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાને ફોનથી જાણ કરતા તેઓ વેસ્ટ ઝોન કચેરી ખાતે કોર્પો. દિલીપભાઇ આસવાણી, કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા, સફાઇ કામદાર આગેવાન યતીનભાઇ વાઘેલા, કોંગ્રેસ આગેવાન માવજીભાઇ રાખસીયા, મનોજભાઇ શુકલ સાથે દોડી ગયા હતા અને કમિશ્નરશ્રીને ટેલીફોનીક સંપર્ક સાધી રજૂઆત કરી જવાબદાર અધિકારીને વેસ્ટ ઝોન કચેરી ખાતે તાકીદ મોકલવા જણાવતા કમિશ્નરશ્રી દ્વારા વેસ્ટ ઝોન વિભાગના પર્યાવરણ ઇજનેરને તાત્કાલિક સ્થળ પર મોકલી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા તાકીદ સૂચના અપાઇ હતી. જે અન્વયે ગાયત્રીબા વાઘેલા મધ્યસ્થિથી આ કામના (વેસ્ટન કંપની દ્વારા) કર્મચારીઓને અત્યાર સુધીનો પગાર તા. ૨૪ સુધીમાં રોકડમાં ચુકવી દેવા અને બાકી રહેતો પગાર હવે પછી ૧૦ દિવસની અંદર બેંક ખાતાઓમાં જમા કરાવવા જણાવેલ હતું.

આ કામના કોન્ટ્રાકટર દ્વારા વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં મળી કુલ ૨૦૦ ઉપર ટિપરવેનનો કોન્ટ્રાકટ તા. ૧ ઓગસ્ટ-૧૮થી સંભાળેલ છે. જેના ગત માસે પણ આ કામના ડ્રાઇવરો અને હેલ્પરોને કોઇપણ જાતની જાણ કર્યા વગર છૂટા કરી દેવાતા હડતાલ પાડવામાં આવી હતી અને કચરો ઉપાડવાની મહત્વની કામગીરી ૩થી ૪ કલાક માટે ખોરવાઇ ગઇ હતી.

એજ રીતે આજે બીજા મહિનામાં પણ જન્માષ્ટમી - ગણેશચતુર્થી અને મર્હોરમ જેવા તહેવારો હોવા છતાં સામાન્ય કર્મચારીઓને બે માસ સુધી તેનો પગાર ન ચૂકવાતા હડતાલ પાડવામાં આવી હતી અને ફરી બપોરના ૧૨ સુધી આ કામગીરી ખોરવી દેવામાં આવી હતી ત્યારે પર્યાવરણ ઇજનેર દ્વારા આ કામગીરી કરતી વેસ્ટર્ન કંપનીના પેટા કોન્ટ્રાકટરોને છાવરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે કંપની સામે તેમજ જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(3:36 pm IST)