Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ઢેબર રોડ શ્રીમદ ભવનમાં એકાઉન્ટન્ટ પરેશભાઇની ઓફીસમાં ભીષણ આગ

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણઃ પ્રીન્ટર, કોમ્પ્યુટર, ટેબલ, ખુરશી, એસી, ફાઇલો ખાક થઇ ગયાઃ આગ બુઝાવતી વખતે ફાયરમેનને ઇજા

 

જયાં આગ લાગી તે બિલ્ડીંગ બાજુમાં આગમાં બળી ગયેલી ઓફીસ તથા ઇન્સેટ તસ્વીરમાં એકાઉન્ટન્ટ પરેશભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૪: શહેરના ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ ભવનના ત્રીજા માળે આવેલી એકાઉન્ટન્ટની બે ઓફીસમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર આવેલ શ્રીમદ ભવનમાં ત્રીજા માળે પરેશભાઇ ઠુમ્મરની પટેલ કન્સલટન્સી નામની ઓફીસ નં. ૪૬ અને ૪૭માં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. નીચે ઓફીસ ધરાવતા પ્રશાંતભાઇ ત્રિવેદીએ જાણ કરતા ફાયર બ્રિગેડના ચીફ ઓફીસર બી.જે.ઠેબા, સ્ટેશન ઓફીસર અમીતભાઇ દવે સહીતનો ફાયર સ્ટાફ ત્રણ ફાયર ફાઇટર સાથે સ્થળ પર દોડી ગયા હતા. બંને ઓફીસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચાર ફાયરમેને બ્રીધીંગ ઓપરેટર સેટ પહેરીને ઓફીસમાં પ્રવેશી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જાણ થતા ઓફીસના માલીક પ્રશાંતભાઇ ઠુમ્મર સ્થળ પર દોડી આવ્યા હતા. આગ એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. બનાવની જાણ થતા ચેરમેન રૂપાબેન શીલુ પણ દોડી આવ્યા હતા.

આગમાં ઓફીસમાં રાખેલા પ્રીન્ટર, કોમ્પ્યુટર, ટેબલ, ખુરશી, એસી તમામ ફર્નિચર તથા ફાઇલો બળી ગયા હતા. આગ બુઝાવતી વખતે ફાયરમેન પ્રશાંતભાઇ ત્રિવેદીને હાથમાં કાચ લાગી જતા ઇજા થતા તેને તાકીદે સારવાર માટે મધુરમ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર બ્રિગેડના સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેમાં અંદાજે ચાર લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. (૪.૧૩)

(3:34 pm IST)