Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પર્વાધિરાજ પર્યુષણ પર્વનો સોમવારથી મંગલ પ્રારંભ

તપ - જપ - આરાધનાઓની હેલીઃ દેરાસરો- ઉપાશ્રયોમાં રોશનીનો શણગારઃ પ્રભુજીને મનમોહક આંગી રચાશે

રાજકોટ, તા. ૨૩: તપ વડે મનશુદ્ધિ તથા કાયશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો દેરાવાસી જૈનોમાં સોમવારથી પ્રારંભ થશે. જયારે સ્થા.જૈનો મંગળવારથી આરાધના શરૂ કરશે.પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ - આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ - આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે. દેરાવાસી જૈનો કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્વપ્નાની ઉછામણી - બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે - ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે. ત્યારબાદ સંવત્સરી પર્વ દેરાવાસી જૈનો ઉજવશે.

જીનાલયોને રોશની અને કમાન - તોરણથી સુશોભિત બનાવાયા છે. આજ પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થયો છે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્યાખ્યાન પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે. શ્રાવક - શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વસ્ત્રો પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે.

ઉવસગ્ગહંર સાધના ભવન

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સ.પ્રેરિત શ્રી ઉવસગ્ગહંર સાધના ભવનની પરમ પાવન ધરા પર અલૌકિક પર્વ પયુર્ષણ મહાપર્વની ભાવભેર ઉજવણી કરવા માટે મંગળવાર તા.૨૭ થી ૩ એમ આઠ દિવસ સાધના- આરાધના દ્વારા ઉજવવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

સરળ સ્વભાવી પૂ.મિનળબાઈ મ. તથા જ્ઞાન આરાધક પૂ.ડો.શ્રેયાંસીબાઈ મ.સ. ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજમાન છે. પૂ.સતીવૃંદ નિયમિત સવારે વ્યાખ્યાન ફરમાવી વિતરાગવાણીનું પાન કરાવી રહેલ છે. ત્રિરંગી સામાયિક- સમુહ જાપ, મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ- દંપતી દર્શનઅ શિશુદર્શન તેમજ બાળ શિબિર, નારી સંસ્કાર શિબિર, જૈન સિધ્ધાંત પ્રશ્નોતરી એમ અનેકવિધ ધાર્મિક અનુષ્ઠાન અવિરત થઈ રહેલ છે.

પર્વાધિરાજ પર્યુષણ પર્વને વધાવવા માટે  જ્ઞાન- દર્શન- ચારિત્ર અને તપના સથવારે દરરોજ સવારે ૯:૧૫ કલાકે વ્યાખ્યાન અને ત્યારબાદ સમુહજાપ, બપોરે ધાર્મિક પ્રશ્નોતરી અને સાંજે પાપની આલોચના માટે ભાઈઓ તથા બહેનો માટે પ્રતિક્રમણનું આયોજન કરેલ છે અને સાથે સાથે લુક એન્ડ લર્નના નાના નાના બાળકો દ્વારા નૃત્ય- નાટીકાની પ્રસ્તુતિ તેમજ દીદીશ્રી દ્વારા ધાર્મિક સંવાદ પણ પ્રસ્તુત થશે.

શનિવાર તા.૩૧ના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મવાંચન શુભ અવસરે  માતા ત્રિસલાદેવીને આવેલ ૧૪ સ્વપ્નોનું દર્શન- અર્થઘટન એવમ આઠ કર્મોનો ક્ષય કરવા માટે અને અષ્ટમંગલને વધાવવા માટે સૂર- સંગીતના સથવારે દાન- શિયળ- તપ અને ભાવ સંગે પ્રસંગ ઉજવાશે

ધર્મપ્રેમિ ભાવિકોને પધારવા શ્રી સંઘ ખાસ અનુરોધ કરે છે. તેમ શ્રી સંઘ પ્રમુખ અલ્પેશભાઈ મોદીની યાદી જણાવે છે.

(11:23 am IST)