Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મધ્યાહને મેઘરાજાએ હેત વરસાવ્યુ : લોક હૈયા હરખાયા : ૧ કલાકમાં ૧ાા ઇંચ

વેસ્ટ ઝોનમાં માત્ર ૦ાા ઇંચ : સેન્ટ્રલમાં સવા અને ઇસ્ટ ઝોનમાં ધોધમાર દોઢ ઇંચ વરસ્યો : રાજમાર્ગો પર નદીઓ વહી : મેદાનો તળાવમાં ફેરવાયા

ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે મેઘકૃપા : શુકનવંતા વરસાદને વધાવતા લોકો : રાજકોટ : આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે જ મધ્યાહને મેઘરાજાએ પધરામણી કરતા લોકોએ આ શુકનવંતા વરસાદને વધાવ્યો હતોે તસ્વીરમાં રૈયા ચોકડી, પોલીસ કમિશનર કચેરી સહિતના રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહી હતી તે દર્શાય છે. અન્ય તસ્વીરમાં વરસાદમાં ભીંજાવાની મોજ માણી રહેલી સહેલીઓ દર્શાય છે. જ્યારે કેટલાક લોકોએ વરસાદનો આનંદ બસ સ્ટોપમાં બેસીને લૂંટયો હતો તે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪ : ઘણા સમય બાદ અંતે મેઘરાજાએ આજે બપોરે ૧૨ વાગ્યાથી રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં હેત વરસાવતા શહેરીજનોએ વરસાદની મજા માણી હતી. સતત અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી હતી.

બપોરે ૧૨ વાગ્યા આસપાસ શહેરમાં વાતાવરણ ગોરંભાયુ હતું અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સતત ૧ વાગ્યા સુધી એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી શહેરના ૧૫૦ રીંગ રોડ પર રૈયા ચોકડી, રેસકોર્ષ રીંગ રોડ, યાજ્ઞીક રોડ, કોઠારીયા રોડ, શાસ્ત્રી મેદાન, નવી કલેકટર કચેરી સહિતના વિસ્તારોના રાજમાર્ગો પર નદીઓ વહી હતી. જ્યારે મેદાનો તળાવમાં ફેરવાઇ ગયા હતા.

બપોરે આ ધોધમાર વરસાદ વરસતા લોકોએ પણ મેઘરાજાના વ્હાલને વધાવી અને વરસાદમાં ભીંજાયા હતા.

દરમિયાન ફાયરબ્રિગેડમાં બપોરે ૧ વાગ્યે નોંધાયેલ વરસાદ મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૩૦ મી.મી. (સવા ઇંચ), ઇસ્ટ ઝોનમાં ૩૩ મી.મી. (દોઢ ઇંચ) અને વેસ્ટ ઝોનમાં ૧૪ મી.મી. (૦ાા ઇંચ) જેટલો વરસાદ નોંધાયો હતો.  આમ, આજે ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જ મેઘરાજાએ વરસી અને શુકન સાચવતા લોકોમાં હરખની હેલી જાગી હતી. 

(3:34 pm IST)