Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સપ્ત સંગીતિનો ચોથો પ્રિમિયર શોઃ કાલે શ્રી શારદા પ્રસન દાસનું વાયોલિનવાદન

યુવા કલાકાર કલારસિકોને રસતરબોળ કરશેઃ સપ્તસંગીતીના ફેસબુક, યુટયુબ અને ઈન્સ્ટાગ્રામમાં પ્રસારીત થશે

રાજકોટઃ ભારતિય શાસ્ત્રીય સંગીતના અમૂલ્ય વારસાને ટકાવી રાખવા અને નવોદીત કલાકારોને મંચ પુરુ પાડવાના હેતુથી સપ્ત સંગીતિ દ્વારા આ પાંચમાં વર્ષે કોરોનાની પ્રતિકુળ પરિસ્થિતિના કારણે વર્ચ્યુઅલી યોજાનાર આ સંગીત સમારોહના ચોથા પ્રિમિયર શોમાં જાણીતા યુવા કલાકાર શ્રી શારદા પ્રસન દાસનું વાયોલિન વાદન કલારસિકોને તરબોળ કરવા આવી રહ્યુ છે. આ પ્રિમિયર શો આવતીકાલે  તા. ૨૫  રવિવારેના રોજ રાત્રે ૯  કલાકે સપ્ત સંગીતિના ફેસબુક, યુટયુબ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રસારીત થશે.

સમગ્ર ભારતમાંથી એવા યુવા કલાકારો કે જેણે શાસ્ત્રીય સંગીતને પોતાની કારકીર્દિ તરીકે અપનાવી છે, તેમને પ્રોત્સાહિત કરવાનો સપ્ત સંગીતિનો એક નમ્ર પ્રયાસ છે. ભારતના દક્ષિણ છેડાના ઓરિસ્સા, ભુવનેશ્વરના વતની શ્રી સારદા પ્રસન દાસે વાયોલિન વાદનની પ્રારંભિક તાલીમ તેમના પિતા રમેશચંદ્ર દાસ પાસેથી મેળવી હતી અને તેમના પિતાના ગુરૂ ઉસ્તાદ મહમદ હમીદ આહદ પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેઓ પ્રતિષ્ઠિત બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સવર્ણ ખુંટિયાના શિષ્ય બન્યા, અને તેમના માર્ગદર્શનમાં તેમણે મ્યુઝિક વિષયમાં માસ્ટર્સ અને ડોકટરેટની પદવી હાંસલ કરી હતી. છેલ્લા ૦૭ વર્ષથી શ્રી સારદજી ભારતના ખૂબ જ નામાંકિત અને સિદ્ધ વાયોલિન વાદક વિદુશી કલા રામનાથ પાસેથી વાયોલિનવાદનની આગળની અદ્યતન તાલીમ મેળવી રહ્યા છે. રાજકોટની કલાપ્રિય જનતાને શ્રી કલા રામનાથજીના વાયોલિન વાદનને સાંભળવાનો લાહવો 'સપ્ત સંગીતિ ૨૦૨૦'ના જાન્યુઆરી મહિનામાં યોજાયેલ કાર્યક્રમમાં મળ્યો હતો. સારદા દાસે અત્યાર સુધીમાં અનેક સંગીત સ્પર્ધાઓમાં ભાગ લઈને પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે, જેમાં ૨૦૧૩માં  ITC સંગીત રીસર્ચ એકડમિ એવોર્ડ, ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોમ્પિટીશનમાં અને ઉત્તરપ્રદેશ સંગીત નાટક એકેડમિ સંગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં 'બી હાઇ' ગ્રેડ ધરાવતા વાયોલિનિસ્ટ છે. તેમણે દેશના નામાંકિત કલાકારો સાથે વાયોલિન વાદનમાં સાથ આપેલ છે. આ પ્રિમિયર શોમાં શ્રી સારદા પ્રસન દાસના વાયોલિન વાદન સાથે શ્રી દુષ્યંત રૂપોલિયા તબલામાં સંગત કરશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતિ ઉપરાંત કોર્પોરેશનની શાળાઓમાં ધોરણ ૨ થી ૮ માં ભણતા આર્થીક રીતે નબળા વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી સ્માર્ટ કલાસ સ્થાપી નીઃશુલ્ક શિક્ષણ આપવાનો મુખ્ય કાર્યક્રમ ચલાવવામાં આવે છે. હાલમાં ૫૦૦૦ જેટલા જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થઈ રહ્યું છે, જે આગામી સમયમાં વધારે બાળકો સુધી પહોંચાડવાનું ધ્યેય છે. જયારે શાળાઓ બંધ છે, ત્યારે ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા, જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા સ્માર્ટ ફોન અને ટેબલેટ દાતાઓની મદદથી ભેંટ આપવામાં આવ્યા છે. 

આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ જુન ૨૦૨૧ થી શરૂઆત  થઈ છે અને ડિસેમ્બર ૨૦૨૧ સુધી ચાલશે, જેમાં દર મહિને દેશના ખ્યાતિ પ્રાપ્ત બે કલાકારોના ગાયન પ્રવાદનના કાર્યક્રમોના પ્રિમિયર શો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે કાર્યક્રમનું સ્વરૂપ વર્ચ્યૂઅલ હોવાથી દેશ અને દુનિયાના કલાપ્રેમી લોકો આ કાર્યક્રમોને મનભરીને ઓનલાઇન માધ્યમોથી માણી રહ્યા છે.

(3:03 pm IST)