Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સીવીલ હોસ્પિટલની વિવિધ સમસ્યાઓ અંગે અધિક્ષક સામે બળાપો ઠાલવતા જયંત ઠાકર

રાજકોટ તા. ૨૪ : સીવીલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના કાઉન્સીલર જયંત ઠાકરે તાજેતરમાં હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત માહીતી મેળવી હતી. આ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા હોસ્પિટલ અધિક્ષક ડો. ત્રિવેદી સમક્ષ તેઓએ રજુઆત કરી છે.

જયંત ઠાકરે જણાવ્યુ છે કે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય છે. ત્યારે અહીં સુવિધા માટે પુરતુ ધ્યાન આપવુ જરૂરી છે. ડોકટરો અને નર્સીંગ સ્ટાફની વ્યાપક ફરીયાદો છે. દર્દી કે તેમના સગા સાથે ગેરવર્તાવ થતો હોય છે. ત્યારે આવી સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી સુપ્રિ. અધિક્ષકની બની રહે છે. પરંતુ અધિક્ષક ડો. ત્રિવેદી અને આર.એમ.ઓ. શ્રી ચાવડાની બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. અધિક્ષકશ્રી કયારેય રાઉન્ડમાં નિકળતા ન હોવાની ફરીયાદો છે.

તો સામે કેટલાક કર્મચારીઓ નિષ્ઠાથી સારી કામગીરી કરી રહ્યા છે તેઓની કદર કરવાનું પણ ચુકાય રહ્યુ છે. કર્મચારીઓને સમયસર પુરતો પગાર ન અપાતો હોવાની પણ ફરીયાદો છે.

હાલ તો કોરોના મહામારી હળવી છે. પુરતો સ્ટાફ છે. છતા અમુક ઓપરેશનો કરવાની ચોખ્ખી ના પાડી દઇ પાટા પીંડી કરી દર્દીઓને રવાના કરી દેવાતા હોવાની પણ રાવ ઉઠી છે. હોસ્પિટલ સ્ટાફના આંતરીક પ્રશ્નો તેમજ દર્દીઓને પડતી તકલી અંગે ત્વરીત ધોરણે ઘટીત કાર્યવાહી કરવામાં આવે તેવી અંતમાં કાઉન્સેલર જયંત ઠાકર (મો.૯૮૨૪૮ ૨૬૭૨૮) એ માંગણી ઉઠાવી છે. 

(2:55 pm IST)