Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કાલાવડ રોડ વાજડી પાસે રિક્ષાએ બાઇકને ઉલાળતાં પાતા મેઘપરના માતા-પુત્ર ફંગોળાયાઃ માતાનું મોત

૫૮ વર્ષના રજપૂત મહિલા મંગળાબેન હાડાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પુત્ર જયેશભાઇ હાડા સાથે રાજકોટ દવા લેવા આવી રહ્યા હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર વાજડીના પેટ્રોલ પંપ નજીક રિક્ષાએ બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક કાલાવડના પાતા મેઘપરનો રજપૂત યુવાન અને પાછળ બેઠેલા તેના માતા ફંગોળાઇ જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં માતાનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ પાતા મેઘપર ગામે રહેતાં મંગળાબેન ચમનભાઇ હાડા (ઉ.વ.૫૮)ને હાથનો અંગુઠો પાકયો હોઇ રાજકોટ યુનિવર્સિટી રોડ પર માધવ પાર્કમાં રહેતાં તેમના પુત્ર જયેશભાઇ ચમનભાઇ હાડા (ઉ.૩૫)ના બાઇકમાં બેસી રાજકોટ દવા લેવા આવી રહ્યા હતાં. દરમિયાન વાજડીના પંપ પાસે પહોંચ્યા ત્યારે અજાણી રિક્ષાના ચાલકે ઠોકર મારતાં બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં જયેશભાઇને સાતેક ટાંકા લેવાયા હતાં. જ્યારે તેમના માતા મંગળાબેનને ગંભીર ઇજા પહોંચી હોઇ મોડી રાતે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇ ધગલે તાલુકા પોલીસને જાણ કરતાં પીએઅસાઇ વી. પી. આહિરે જરૂરી કાર્યવાહી કરી જયેશભાઇની ફરિયાદ પરથી અજાણી રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)