Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સંત પુનિત મહારાજની રવિવારે નિર્વાણતિથિ

રાજકોટઃ માનવ સેવા એ  જ પ્રભુ સેવાનો રાહ ચીંધનાર ભારતીય સંસ્કૃતિના આદ્ય જયોર્તિધર  અદ્રશ્ય ઈશ્વરના પ્રગટ પ્રતિનિધિ સંતશ્રી પુનિત મહારાજની ૫૭મી પાવન પૂણ્યતિથી ભકિતસર કાર્યક્રમો દ્વારા ઉજવાશે.

સંત જનેતા ગુજરાતની ધરા જેના પણ અનેક સંતો અને ભકતોએ જન્મ ધારણ કરી ગુજરાતની ધરતીને વધુ ગરવી બનાવી છે. ઈશ્વર સ્મરણ અને જનસેવાનો ભેખ લઈને અવતરેલા આ સંતોએ આજના આ હળાહળ કળિયુગમાં પ્રભુ સ્મરણ અને સેવાની જયોત પ્રજવલિત કરી સનાતન ધર્મની ધજા ફરકતી રાખેલ છે. સેવા અને સ્મરણનો સંદેશો લઈને આવેલા સંતે એટલે પુનિત મહારાજ.

માનવ માત્રમા પ્રભુ વસે છે અને સેવા એ જ પ્રભુ સેવા એવો સરળ બોધ આપનાર સંત પુનિત મહારાજે પ્રગટાવેલ સેવાની જયોત આજેય ગુજરાતમાં ઠેર ઠેર પ્રજવલિત છે.

ગરીબ માનવીઓને માટે અન્ન દાનથી માંડીને નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ જેવા અનેક સેવાના કાર્યો કરનાર તેમજ ભાખરીદાન અને રાહત રસોડાની પ્રેરણા આપનાર આ મહાન વિભૂતિનો જન્મ સવંત ૧૯૬૨માં વૈશાખ વદી બીજને તા.૧૯/૦૫/૧૯૦૮માં જુનાગઢ મુકામે થયો હતો. વાલમ બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા ભાઈશંકર અને માતા લલિતાબહેનના પરિવારમાં જન્મેલા આ દિવ્ય આત્માને બાળપણથી જ ભકિતના સંસ્કાર તેમજ ઈશ્વર પ્રત્યેનો ગજબનો નેડો હતો. માતા પિતાએ તેનુ નામ બાલકૃષ્ણ રાખ્યુ. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવતા, નાની વયે જ તેમના પર કુટુંબની જવાબદારી આવી પડી હતી. બાલકૃષ્ણને મા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રેલ્વે સ્ટેશન પર હમાલીથી માંડીને અન્ય કામ કરવા પડતા, કામ કરતા કરતા તેમને ઈશ્વર સ્મરણ છોડયુ ન હતુ અને માનવ સેવા પણ ચાલું રાખી હતી. બે છેડા ભેગા કરવાની દોડાદોડીમાં શરીર તુટી જતુ. પરંતુ આ સમયે રામનામના રટણથી ગજબની શાંતિ મેળવી. એથી એમની પ્રત્યેની શ્રધ્ધા વધુને વધુ અડગ બનતી જતી હતી. ભારે મજુરી અને કામના ખૂબ જ બોજને લીધે તેમને ક્ષય રોગ લાગુ પડયો ત્યારે શ્રી રામ નામ એમના માટે ઔષધ પુરવાર થયુ હતુ. બાલકૃષ્ણ અમદાવાદ આવ્યા. મિલ મજુરીથી માંડીને અનેક કામ કર્યા. અખબારી આલમમા પણ હાથ અજમાવ્યો. નોકરી કરતા કરતા તેઓ શ્રી રાધેશ્યામ મહારાજના સંપર્કમાં આવ્યા હતા.

આમ શ્રી બાલકૃષ્ણની ભકિત, કથન શૈલી, ભજન  પ્રત્યેનો અનુરાગ અને માનવ સેવાની મહાત્વાકાંક્ષા જોઈએ શ્રી રાધેશ્યામ મહારાજે એમને ''પુનિત''નું બિરૂદ આપ્યુ હતુ. એમના ભજનો સાંભળવા માટે ભારે ભીડ થતી. સ્વરચિત ભજનો તથા સેવાસભર વ્યાખ્યાન સાંભળવા લોકો ઠેરઠેરથી આવતા. પુનિત મહારાજે ભજનનો અનોખો વેપાર માંડયો અને આ કાર્યમાં થતી નાણાંની આવકમાંથી ૧૦૦૦વાર જમીન ભેટમાં મળી હતી એ જમીન પણ ટ્રસ્ટ બનાવી શ્રી પુનિત સેવા આશ્રમની સ્થાપના કરી, જે આજે પણ અમદાવાદ મણીનગર વિસ્તારમાં શોભી રહેલ છે. ૧૯૫૬માં તેઓ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યાં પણ શ્રી રામ નામનો ખૂબ જ પ્રચાર કર્યો, ત્યાં ટુંકા સમયમાં છ લાખ જેવી રકમ મળી તે રકમ પોતે ન સ્વીકારતા ત્યાં  જ શુભ કાર્યોમાં આ રકમનો સદઉપયોગ કરવા ત્યાં જ આપી દીધી. ત્યારથી પરતુ ફર્યા બાદ નર્મદા નદીના વિશાળ પટાંગણમાં આવેલ મોટી કોરલ ગામે શ્રી પંચકુબેશ્વર મહાદેવની જગ્યા પસંદ કરી ત્રણ વર્ષ માટે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો નિર્ણય કર્યો. ગાયત્રી પુરશ્મરણ યજ્ઞ, મહારૂદ્ર યજ્ઞો, જ્ઞાનયજ્ઞો જેવા ધાર્મિક ઉત્સવોની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પૂ.પુનિત મહારાજે તેમના જીવનના સમયકાળ દરમ્યાન ૪૦૦૦ જેટલા સરળ રાગ અને માનવ જીવનને સ્પર્શે તેવા સુંદર ભજનો લખેલા હતા. જે આજે પણ દરેક સંપ્રદાયમાં ખૂબ જ પ્રચલિત છે. એક દિવસ મોડી રાત્રે ભજનમાંથી પરત આવ્યા બાદ મહારાજની તબિયત લથડતા સવંત ૨૦૧૮ના અષાઢ વદી ૧૧ને શુક્રવાર તા.૨૭/૭/૧૯૬૨ના રાજા રણછોડને નજર સમક્ષ રાખી ''રામ... રામ...'' કરતા પંચ મહાભૂતાત્મક નશ્વર દેહનો ત્યાગ કર્યો. આવા પરમ સંતની ૫૭મી પૂણ્યતિથી રાજકોટમાં તેમજ અન્ય શહેરોમાં ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. દરેક સ્થળોએ જયોત જવલંત રાખવા માટે અનેક મંડળો સ્થાયી થયા છે. જેમાં રાજકોટમાં પુનિત સેવા સમાજ, તેમજ નામ સ્મરણ માટે પુનિત ભજન સમાજની આજે પણ ધાર્મિક પ્રવૃતિઓ ચાલુ જ છે.

પંચનાથ મંદિરે શનિવારે અખંડ રામધુનનો પ્રારંભઃ રવિવારે પ્રભાતફેરી- પાદુકા પૂજન- બટૂક ભોજન

રાજકોટઃ પૂજય સદ્દગુરૂદેવ શ્રી પુનિત મહારાજશ્રીની ૫૭મી નિર્વાણતિથિ, પંચનાથ મહાદેવ મંદિરના સંત પુનિત હોલમાં પુનિત પરિવાર દ્વારા ખૂબ જ ધામધૂમ અને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે.

તા.૨૭ને શનિવારે રાત્રીના ૯ કલાકે શ્રી પુનિત મહારાજના પૌત્ર શ્રી આનંદ જનક મહારાજ દિપ- પ્રાગટ્ય કરી ''શ્રી રામ જયરામ જયજયરામ'' મહામંત્રના ૨૪ કલાક અખંડ નામ સંકીર્તનથી મહોત્સવનો પ્રારંભ કરાવશે. તા.૨૮ને રવિવારે વ્હેલી સવારે ૫:૩૦ કલાકે શ્રી સંકીર્તન મંદિરના સહયોગથી પ્રભાત ફેરી નિકળશે. સવારના ૧૦ કલાકે સદ્દગુરૂ દેવશ્રીની પ્રતિમા સહ પાદુકા પૂજન થશે. બપોરના ૧૨:૩૦ કલાકે બટુક ભોજન, સાધુ ભોજન, આમંત્રિતો અને પરિવાર ભોજન રાખેલ છે. રાત્રે ૯:૩૦ કલાકે સંત પુનિત રચિત ભાવવાહી ભજનોથી કાર્યક્રમનો વિરામ થશે.

શુભ સ્થળ સંત પુનિત હોલ પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ

(3:48 pm IST)