Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

યુનિવર્સિટી કેમ્પસ પાસે વાહનો આડે ઉભી રહીને ફાળો માંગતી બે યુવતીઓ કોણ ?

કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ વચ્ચેના વિસ્તારમાં બપોરના સમયે અનેક વાહન ચાલકો પાસેથી પૈસા પડાવી લીધાઃ પોલીસ દ્વારા તપાસ થાય તે જરૂરી

રાજકોટ, તા. ૨૪ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પાસે ગઈકાલે બપોરે બે યુવતીઓ દ્વારા વાહન ચાલકો આડે ઉભા રહીને ફાળો માંગવાની પ્રવૃતિ અંગે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે પોલીસ દ્વારા આ બે યુવતીઓ કોણ હતી ? તે અંગે તપાસ થાય તે જરૂરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે આવેલા યુનિવર્સિટી ગેઈટ પાસે ગઈકાલે બપોરના સમયે બે યુવતીઓ જીન્સ પેન્ટ અને શર્ટમાં સજ્જ થઈને વાહનચાલકોને રોકીને કોઈના નામે ફાળો ઉઘરાવતી હતી. જેને અનેક વાહનચાલકોએ પૈસા પણ આપ્યા હતા.

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ વાહનચાલકે આ બન્ને યુવતીના ફોટા પાડવા માટે મોબાઈલ કાઢતા આ બન્ને યુવતીઓએ પોતાના મોઢા સંતાડી દીધા હતા અને મોઢા આડો હાથ રાખી દીધો હતો.

ત્યારે આ યુવતીઓ કોણ હતી અને શા માટે ફાળો ઉઘરાવતી હતી ? તે તપાસનો વિષય છે. આ બન્ને યુવતીઓને પૂછતા તેઓ આજી ડેમ નજીક રહેતી હોવાનું જણાવ્યુ હતું. વધુ પૂછપરછ કરતા તેઓ દોડીને નાસી છૂટી હતી.

કોઈ ગેરકાનૂની પ્રવૃતિને અંજામ મળે તે પહેલા આ યુવતીઓ કોણ હતી ? તે અંગે પોલીસ તપાસ કરે તે ઈચ્છનીય છે.

(3:14 pm IST)