Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સગીરની ગુનાખોરી...પહેલા મર્સિડીઝ કાર ચોરી'તી...હવે ૩.૩૮ લાખની ચોરીમાં ઝડપાયો!

ટુવ્હીલરની ડેકીમાં રોકડ-દાગીના રાખીને પંચાયત ચોકમાંથી નીકળતાં યુનિવર્સિટી પોલીસે પકડ્યો

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસે પોતાના વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતાં પરિવારના ઘરમાં થયેલી રૂ. ૩,૩૮,૦૦૦ની ચોરીનો ભેદ ઉકેલી એક સગીરની ધરપકડ કરી તમામ મુદ્દામાલ સોનાનો નેકલેશ-બુટી રૂ. ૮૦ હજાર, બંગડી રૂ. ૩૦ હજાર, મંગળસુત્ર રૂ. ૨૦ હજાર, ચાંદીના સિક્કા રૂ. ૩ હજાર, પાટલા રૂ. ૪૦ હજાર, ચેઇન પેન્ડન્ટ રૂ. ૩૦ હજાર, સોનાનુ ડોકીયુ રૂ. ૨૦ હજાર તથા રોકડા રૂ. ૯૦ હજાર અને ૨૫ હજારનું એકસેસ કબ્જે કર્યા છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ મોટી મત્તાની ચોરી તાકીદે ડિટેકટ કરવા સુચના આપી હોઇ પી.આઇ. એ. એલ. આચાર્યની ટીમના પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર સહિતે તપાસ આદરી હતી અને બાતમી પરથી સગીરને ટુવ્હીલર સાથે પકડી લઇ ચેકીંગ કરતાં ડેકીમાંથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સગીરે પોતે જ્યાં રહે છે એ એપાર્ટમેન્ટના રહેવાસીના ઘરમાંથી આ મુદ્દામાલ ચોરી કર્યો હતો. અગાઉ આ સગીર મર્સિડીઝ ગાડીની ચોરીમાં પકડાયો હતો. પોલીસે સગીર હોઇ કાર્યવાહી બાદ વાલીઓની હાજરીમાં તેને પોલીસ મથકમાંથી જ મુકત કર્યો હતો.

(1:23 pm IST)