Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૫૦ હજારનું એક વર્ષ સુધી ૩૦ ટકા લેખે ૧૫-૧૫ હજાર વ્યાજ ભર્યુ...વધુ ૪ લાખ માંગી ધમકીઃ પાર્થ પટેલે ફિનાઇલ પીધું

પટેલનગરમાં કારખાનુ ધરાવતાં મધુરમ્ પાર્કના યુવાનની ફરિયાદ પરથી માસ્તર સોસાયટીના નિર્મળ બોરીચા અને બે અજાણ્યા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૪: વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. માસ્તર સોસાયટી મેઇન રોડ મધુરમ્ પાર્ક-૧માં રહેતાં અને પટેલનગર-૨માં મારૂતિ સ્ક્રેપ નામે કારખાનુ ધરાવતાં પટેલ યુવાન પાર્થ વિમલભાઇ પરસાણા (ઉ.૨૨)ને વ્યાજ માટે માસ્તર સોસાયટીના નિર્મળ કિશોરભાઇ બોરીચા અને બે અજાણ્યા શખ્સોએ ગાળો દઇ ધમકી આપી બળજબરીથી રોકડ સહિતની ચીજવસ્તુઓ પડાવી લઇ ૫૦ હજારનું ૪ લાખ વ્યાજ માંગી ધમકી અપાતાં પટેલ યુવાને ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ભકિતનગર પોલીસે પાર્થની ફરિયાદ પરથી આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨), ૫૦૪, મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પાર્થના જણાવ્યા મુજબ તેને એકાદ વર્ષ પહેલા ધંધાના કામ માટે પૈસાની જરૂર પડતાં  નિર્મળ બોરીચા પાસેથી રૂ. ૫૦ હજાર ૩૦ ટકાના વ્યાજે લીધા હતાં. જેનું દર મહિને ૧૫ હજાર લેખે વ્યાજ નિયમીત રીતે ચુકવ્યું હતું. બે દિવસ પહેલા નિર્મળઅને તેના બે મિત્રોએ આવી તે લીધેલા પૈસાનું પેનલ્ટી સહિત ૪ લાખ વ્યાજ થયું છે તે તારે આપવું પડશે તેમ કહી ગાળો દઇ બળજબરીથી ખિસ્સામાંથી આઇફોન-૭ તેમજ પર્સ કાઢી લીધા હતાં. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ૨૫૦૦ રૂપિયા હતાં.

જતાં જતાં નિર્મળે જો પૈસા નહિ આપ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. નિર્મળથી સતત ડર લાગતો હોઇ જેના કારણે સાંજે સાતેક વાગ્યે કારખાનામાં જ પોતે ફિનાઇલ પી ગયો હતો અને સારવાર માટે દાખલ કરાયો હતો.

ભકિતનગરના એએસઆઇ આર.ડી. ગોહિલે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:19 am IST)