Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ઓમ જય જગદીશ હરે આરતીના રચયિતા પંડિત શ્રદ્ઘારામ શર્માની આજે પુણ્યતીથી

નવી દિલ્હી,તા.૨૪: : દેશમાં ભાગ્યે જ હિંદુ આસ્થાવાનોના ઘરે અથવા મંદિરે ઓમ જય જગદીશ હરે આરતી ન ગુંજી હોય. ખૂબ જ સરળ પણ મધુર શબ્દોવાળી આ આરતીને લોકો ઘણી વાર ફિલ્મ નિર્દેશક અને અભિનેતા મનોજ કુમાર સાથે જોડે છે, કારણ કે આ ગીત પહેલી વાર તેમની એક ફિલ્મમાં આવ્યું હતું, ત્યારબાદ લોકોની જીભે ચોંટી ગયું હતું. પરંતુ ખરેખર આ ગીતના રચયિતા પંડિત શ્રદ્ઘારામ શર્મા હતા. પાકિસ્તાનના લાહોર(તે સમયના ભારત) માં આ દિવસે તેમનું અવસાન થયું હતું.

આરતીના લેખક પંડિત શ્રદ્ઘારામ શર્માનો જન્મ વર્ષ ૧૮૩૭માં પંજાબના લુધિયાણા નજીક એક નાનકડા ગામમાં થયો હતો. આ ફીલ્લૌરી નામનું ગામ લગભગ અનામી હતું, પરંતુ પાછળથી પંડિત શર્માએ ગામના નામને તેમના નામમાં ઉમેર્યું હતું. જેના કારણે કલાકારોમાં તેમને ફીલૌરી નામથી પણ ઓળખવામાં આવતા હતા.

તેમની આસપાસ ઘણું ધાર્મિક વાતાવરણ હતું, જેની અસર તેમના પર થવા લાગી હતી. નાની ઉંમરે તેઓ ઘણા ધાર્મિક શાસ્ત્ર વિશે સરળતાથી બોલવા લાગ્યા હતા. ગામડાઓમાં યોજાતા ધાર્મિક તહેવારોમાં પણ તેઓ નાની ઉંમરે વડીલોની વચ્ચે બેસીને બોલતા. પુત્રની પ્રતિભા અને ધર્મ પ્રત્યેની રુચિ જોઈને તેના પિતા જયદયાળુ શર્મા, જે એક સારા જયોતિષ પણ હતા, તેમણે કહ્યું હતું કે તેમની ઉંમર ટૂંકી હશે, પરંતુ તેટલા જ સમયમાં તેઓ કંઈક યાદ રાખવા યોગ્ય કરશે.

પિતાને જોઈને પંડિત શર્માએ પણ જયોતિષ વિઘા શીખવાનું શરૂ કર્યું. સાથે જ તેમણે પર્શિયન, હિન્દી, સંસ્કૃત, અરબી જેવી ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. તે સમયે તેઓ માત્ર ૧૧ વર્ષના હતા. આ બધી ભાષાઓ શીખવા માટે તેઓ કયારેય શાળાએ નહોતા ગયા અને કોઈ ઔપચારી શિક્ષણ લીધું ન હતું, પરંતુ ભાષા પરની તેની પકડ એક શિક્ષક જેટલી તેજસ્વી બની ગઈ હતી.

બ્રિટિશરો દેશના લોકોને તેમના ગુલામ રાખવા માંગતા હતા, પરંતુ સાથે જ તેઓ કેટલાક લોકોનો સાથ આપતા હતા. આ સમયગાળામાં પંડિત શ્રાદ્ઘારામે આરતી લખી હતી, જે એક સદી વીતી ગયા પછી પણ ઠેર ઠેર ગુંજતી રહે છે. વર્ષ ૧૮૭૦માં તેમણે ઓમ જય જગદીશ હરે આરતી લખી, ત્યારે તે લગભગ ૩૦ વર્ષના હતા. પાછળથી આ જ આરતી મનોજ કુમારની ફિલ્મ પૂરબ અને પશ્ચિમમાં આવી, જયાંથી તેણે આખા દેશમાં સ્થાન બનાવ્યું.

(3:22 pm IST)