Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટના રેવન્યુ સ્ટાફે 'દિકરી' સાસરે જતી હોય તેમ રેમ્યા મોહનને વિદાય આપીઃ કલેકટરની ચેમ્બરથી પાર્કિંગ સુધી 'ગૂલાબ'ની લાલ જાજમ બીછાવી

આજ દિવસના ૪૯ કલેકટરના ઇતિહાસમાં આવી વિદાય કોઇને નથી અપાઇઃ રેમ્યા મોહને પોલીસ બેન્ડ-રાષ્ટ્રગીત અને હિન્દોસ્તા હમારા ગીત સાથે જવાનોની સલામતી ઝીલી : એડી. કલેકટર-ડે.કલેકટરો-મામલતદારો સ્ટાફે કલેકટરની ગાડીને દોરડાથી ખેંચી ભવ્ય વિદાયમાન આપ્યું : પોણા બે વર્ષમાં અદ્ભૂત-અફલાતુન કામગીરીઃ ર દિવસમાં વિદાય લેતા કલેકટરને મળવા સેંકડો લોકો ઉમટી પડયા : તમામ પટ્ટાવાળા-નાયબ મામલતદારો રડી પડયાઃ રાજકોટ માટે સારૂ કામ કરી શકી તેનો સંતોષઃ હવે નવા કલેકટર પણ સંતોષપૂર્વક કામગીરી બતાવશે લાગણીઓ છે તે સત્ય પણ એક દિવસ બધાએ જવાનું જ હોય છે... તમામ સ્ટાફ ટીમને બહુ મીસ કરૃં છું: 'અકિલા' સાથે વાતચીત...

ભવ્ય વિદાયમાન...ભવ્ય સ્વાગત...રાજકોટઃ રાજકોટના ૪૯માં કલેકટર શ્રી રેમ્યા મોહનને ગઇકાલે સાંજે ભવ્ય વિદાયમાન અપાયું હતું....પ૦માં નવા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુનુ ભવ્ય સ્વાગત કરાયું હતું. તસ્વીરમાં પ્રથમ તસ્વીરમાં શ્રી રેમ્યા મોહન પાસેથી ચાર્જ સંભાળતા નવા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂ...ચાર્જ સંભાળ્યા બાદની શ્રી અરૂણ બાબુની એક લાક્ષણિક તસ્વીર જણાય છે, ત્રીજી તસ્વીરમાં કલેકટર શ્રી રેમ્યા મોહનને લાલ ગુલાબની જાઝમ પાથરી વિદાય આપી રહેલા અધિકારીઓ અને સ્ટાફ, રાષ્ટ્રગીત ઉપર સલામી ઝીલતા રેમ્યા મોહન, તમામ સ્ટાફ સાથે કલેકટર અને ગુલાબ આપી વિદાય આપતા એડી.કલેકટર અને તમામ પ્રાંત તથા રેમ્યા મોહન અને નવા કલેકટર શ્રી અરૂણ બાબુ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. માત્ર પોણા બે વર્ષના ટૂંકાગાળામાં રાજકોટ શહેર-જીલ્લામાં અત્યંત લોકપ્રિયતા મેળવનાર જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનને ગઇકાલે સાંજે અદ્ભુત - ઐતિહાસિક એવું ભવ્ય વિદાયમાન અપાયું હતું, રેમ્યા મોહનની ગાંધીનગર બદલી થઇ છે, તેમના સ્થાને અમદાવાદ ડીડીઓ શ્રી અરૂણ મહેશ બાબૂને કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે, ગઇકાલે રાજકોટના પ૦મા કલેકટર તરીકે વિદાય લેતા કલેકટર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો, નવા કલેકટરનું પણ શાનદાર સ્વાગત કરાયું હતું, વિદાય લેતા રેમ્યા મોહન તથા આવકાર પામતા અરૂણ બાબૂ માટે કલેકટર કચેરીનો પ્રથમ માળ શણગારાયો હતો.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટથી વિદાય લઇ રહેલા રેમ્યા મોહનને જે પ્રકારે વિદાયમાન અપાયું તે એક ઐતિહાસિક ઘટના બની ગઇ, આજ સુધીના ૪૯ કલેકટરોના ફરજ કાળમાં આવી વિદાય અપાઇ નથી.

કલેકટર કચેરીના પ્રથમ માળથી છેક ગ્રાઉન્ડ ફલોર તેમની ગાડી પાર્કિંગ સુધી શ્રી રેમ્યા મોહન માટે લાલ ગૂલાબની જાજમ પાથરી દરેક અધિકારી સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરાઇ હતી, આ સમયે નવા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂ તથા એડી. કલેકટર સતત સાથે રહ્યા હતાં, રેમ્યા મોહન દરેક સ્ટાફને મળ્યા. અહી નાયબ મામલતદારો તથા પટ્ટાવાળા તો રડી પડયા હતા, ર થી ૩ ડે. કલેકટરોની આંખમાં પણ અશ્રુ ભરાઇ આવ્યા હતાં.

શ્રી રેમ્યા મોહને કોરોના કાળમાં કોરોના સામે જંગ છેડી કપરી કામગીરી બજાવી શહેર - જીલ્લાની પ્રજા-સ્ટાફમાં ભારે લોકપ્રિય બન્યા... ર દિવસમાં સેંકડો લોકો તેમને પુષ્પગૂચ્છ સાથે વિદાય આપવા ઉમટી પડયા હતાં. અને સાંજે તો રાજકોટના રેવન્યુ સ્ટાફે જાણે પિયરથી 'દિકરી' સાસરે વિદાય થતી હોય તેમ ભવ્ય વિદાયમાન આપ્યું હતું. તેમને પોલીસ બેન્ડની સંગીત સૂરાવલી સાથે ભારતના રાષ્ટ્રગીત અને હિન્દોસ્તા હમારા ગીત સાથે વિદાય અપાયું ત્યારે અદ્ભુત દ્રશ્યો સજાર્યા હતાં, રેમ્યા મોહને જવાનોની સલામી ઝીલી હતી, આ પછી એડી. કલેકટર, તમામ ડે. કલેકટરો - નાયબ મામલતદારો - મામલતદારો અને સ્ટાફે કલેકટરની ગાડીને દોરડાથી ખેંચી વિદાય આપી ત્યારે ભાવવાહી દ્રશ્યો સજાર્યા હતાં.

પત્રકારો સાથેની અંતિમ વાતચીતમાં શ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે મારાથી સારૂ કામ થયું છે, અને નવા આવેલા કલેકટર શ્રી અરૂણ મારાથી પણ સારૂ કામ કરશે તેવી આશા છે, હું મારી ટીમને બહુ જ મીસ કરૂ છું, રાજકોટને જરૂર પડયે હું હાજર જ છું, મારી ટીમ ગમે ત્યારે મારો સંપર્ક કરી શકે છે, લાગણીઓ છે, તે અલગ વાત છે, પરંતુ આખરે દરેકે જવાનું છે. હું રાજકોટની પ્રજાનો પણ આભાર માનું છું.

વિદાય સમયે કેપ્ટન જયદેવ જોષી, એકસ આર્મીમેન જૂથ, એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહીલ, વિરેન્દ્ર દેસાઇ, સિધ્ધાર્થ ગઢવી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. પટેલ, ડીએસઓ શ્રી પૂજા બાવડા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધાધલ, તથા પુરવઠાના ચીફ સપ્લાય ઇન્કપેકટર શ્રી હસમુખ પરસાણીયા, મહેકમના શ્રી ઓઝા તથા અન્ય ૩૦૦ થી ૩પ૦નો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો.

(11:54 am IST)