Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

આવતીકાલે રપ જૂન-કટોકટી દિવસઃ ભાજપ દ્વારા મીસાવાસીઓનું ઘરે જઇ સન્માન કરાશે

કાલે સાંજે પ કલાકે રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ દ્વારા બલિદાન દિવસ અને કટોકટી દિન અંતર્ગત ફેસબુક લાઇવ વકતવ્ય

રાજકોટ તા. ર૪ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા અને રાજુભાઇ બોરીચાએ સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ તા. રપ જૂન કટોકટી દિવસનાં સંયુકત ઉપક્રમે આવતીકાલે શહેર ભાજપ દ્વારા ૧૯૭પ માં તત્કાલીન પ્રધાન મંત્રી ઇન્દીરા ગાંધીના કાર્યકાળ દરમ્યાન કટોકટી કાળ દરમ્યાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું ઘરે જઇને સન્માન કરાશે.

તા. રપ જૂનનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી કાળા અનેક કલંકિત દિવસ નોંધાયો છે. કેમ કે આ જ દિવસે લોકશાહીની હત્યા કરી દેવામાં આવી હતી. કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ રપ જૂન-૧૯૭પ ની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી અને દેશની તમામ સત્તા પોતાના હાથમાં લઇ લીધી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદે ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણો પર ભારતીય બંધારણની કલમ ૩પર અંતર્ગત દેશભરમાં કટોકટીની જાહેરાત કરી હતી. આ ઘટના ભારતીય રાજનિતિના ઇતિહાસના કાળા અધ્યાય સમાન ગણાય છે. તેમજ બલિદાન દિવસ અંતર્ગત જણાવ્યું હતું કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેઓએ અનેકવિધ સંઘર્ષો કર્યા છે. કાશ્મીર માટે તેમણે બલિદાન આપેલ. આવતીકાલે તા. રપ જૂન કટોકટી દિવસ અંતર્ગત કટોકટી સમયના 'મીસા' કાયદાના પીડિતોને સન્માનવાના ભાગરૂપે શહેર ભાજપ દ્વારા મીસાવાસીઓનું ઘરે જઇ સન્માન કરવામાં આવશે. તેમજ તા. રપ કાલે સાંજે પ કલાકે રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ દ્વારા બલિદાન દિવસ તેમજ કટોકટી દિન અંતર્ગત ફેસબુક લાઇવ વકતવ્ય યોજાશે. જેમાં જોડાવવા શહેર ભાજપ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:28 pm IST)