Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

આનંદો... કોમ્યુનિટી હોલમાં પ્રસંગો યોજી શકાશે પણ કલેકટર - પ્રાંત અધિકારીની મંજુરી જરૂરી

મ્યુ. કોર્પોરેશનના હોલ બુકીંગ માટે મંજુરી રજૂ કરવી પડશે

રાજકોટ તા. ૨૪ : કોરોના સંક્રમણને કારણે મ્યુ. કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ સહિતના પાર્ટી પ્લોટ, ખાનગી હોલ, જ્ઞાતિની વાડી વગેરેમાં પ્રસંગો યોજવા ઉપર પ્રતિબંધ હતો પરંતુ હવે સરકારે મર્યાદિત સંખ્યામાં પ્રસંગો યોજવાની છુટ આપતા તેના પગલે કોમ્યુનિટી હોલમાં નિયમ મુજબ મર્યાદિત સંખ્યામાં પ્રસંગો યોજવાની છૂટ અપાઇ રહી છે. આ માટે કલેકટરશ્રી અથવા પ્રાંત અધિકારીની મંજુરી મેળવવી પડશે ત્યારબાદ જ હોલમાં બુકીંગ લેવાશે.

આ અંગે મહાપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકા કોમ્યુનીટી હોલ તથા ઓડીટોરીયમ પ્રસંગો યોજવા માટે બંધ રાખવામાં આવેલ છે. હાલ જિલ્લા કલેકટર - પ્રાંત અધિકારી દ્વારા મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં લગ્ન વિગેરે સામાજીક પ્રસંગો યોજવા માટે મંજુરી આપવામાં આવે છે. જે કિસ્સામાં જિલ્લા કલેકટર - પ્રાંત અધિકારી દ્વારા કોમ્યુનીટી હોલમાં મર્યાદિત સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજવા મંજુરી આપવામાં આવશે તે કિસ્સામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનીટી હોલ ઉપયોગમાં લેવાની મંજુરી આપવામાં આવશે.

આથી અરજદારો દ્વારા જિલ્લા કલેકટર - પ્રાંત અધિકારીની કોમ્યુનીટી હોલમાં લગ્ન પ્રસંગ યોજવાની મંજુરી રજુ કર્યેથી રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં કોમ્યુનીટી હોલનું બુકીંગ કરી આપવામાં આવશે, જેની નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.  આમ, શહેરના ગરીબ - મધ્યમ વર્ગના લોકોને હવે કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં પ્રસંગો યોજવાની છુટ આપવામાં આવતા લોકોમાં હાશકારો થયો છે.

(4:23 pm IST)